Gujaratilexicon

બુલેટ ટ્રેન

Author : જૂલે વર્ન; ભાવાનુવાદ : સાધના નાયક દેસાઈ
Contributor :

ઓગણીસમી સદીના સુપ્રસિદ્ધ ફ્રેંચ સાહિત્યકાર જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓ આજે પણ ખૂબ જ રસથી વંચાય છે. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમણે ફક્ત નવલકથાઓ જ નહીં પણ લઘુકથાઓ પણ લખી છે, જેમાં રમૂજકથાઓ, રહસ્યકથાઓ, સાહસકથાઓ તેમજ ગંભીર પ્રેમકથાઓનો પણ સમાવેશ થાય છે. જૂલે વર્નની આવી જ વિવિધ વિષયોને આવરી લેતી નવ લઘુકથાઓનો સંગ્રહ છે : બુલેટ ટ્રેન. સમયની પાર જોઈ શકતા આ લેખકની વૈજ્ઞાનિક, રોમાંચક અને અદ્ભૂત કથાઓનો ભાવાનુવાદ સાધના નાયક દેસાઈએ કર્યો છે.

પુસ્તકની શરૂઆત થાય છે વિજ્ઞાનની શક્તિઓનો ક્યાસ કાઢતી લઘુકથા ‘આદમના અનુજો’(ઈટર્નલ આદમ)થી. પોતાની આ છેલ્લી લાંબી લઘુકથામાં જૂલે વર્ને વિજ્ઞાન અને તેને લીધે સધાતી પ્રગતિ શું પ્રલયને રોકી શકવા સમર્થ છે  એવો ચોટદાર પ્રશ્ન રજૂ કર્યો છે અને પ્રલય પછીનું નવજીવન કેવું હોઈ શકે તે અંગે વાત કરી છે. ‘કેદી નં. 2224’(ધ ફેઈટ ઑફ જીમ મોરેનાસ)માં બિનશરતી બલિદાનની વાત છે, તો ‘2889ના વર્ષમાં!’ (ધ ડે ઑફ એન અમેરિકન જર્નાલિસ્ટ ઇન 2889) નામની વાર્તામાં તેણે એક હજાર વર્ષ પછીની માનવ દુનિયાની કલ્પના કરી છે. ‘બુલેટ ટ્રેન’ (એન એક્સપ્રેસ ઑફ ધ ફ્યુચર) વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે ભવિષ્યની આગાહી કરતી અને અતિઝડપી મુસાફરી દ્વારા સમયને મ્હાત કરવાનો વિચાર રમતો મૂકતી કથા છે તો ‘આકાશી ડ્રામા’ (અ ડ્રામા ઈન એર/ અ વૉયેજ ઈન બલૂન) બલૂનના ઈતિહાસની ઉત્તેજનાસભર રજૂઆત કરતી સાહસકથા છે. નિર્દોષને મારનાર ક્યારેય બચી શકતા નથી – એ ન્યાયને રજૂ  કરતા ગુનેગાર અને તેમને થયેલી સજાના દિલધડક વૃત્તાંતનું આલેખન ‘ગુનો અને સજા’(ડ્રામા ઇન મેક્સિકો / ધ ફર્સ્ટ શિપ્સ ઑફ મેક્સિકન નેવી)માં છે, તો ધનની લાલસા માનવીને કેટલો ક્રૂર અને અમાનવીય બનાવી દે છે તેની વાત ‘ડૉ. ત્રિફલગસ‌ ‌‌- એક અજીબોગરીબ કથા’(ડૉ. ત્રિફલગસ‌ – અ ફેન્ટાસ્ટિક ટેલ)માં કરી છે. પુસ્તકની છેલ્લી બે કથાઓ ‘અશિકારીની કથા’(ટેન આવર્સ હન્ટિંગ) અને ‘જીલ બ્રાલ્ટર’ જૂલે વર્નની હળવી શૈલીમાં લખાયેલી કથાઓ છે. ‘અશિકારીની કથા’માં જૂલે વર્ને શિકારનો પોતાનો પહેલો અને એકમાત્ર અનુભવ રમૂજી શૈલીમાં રજૂ કર્યો છે, તો ‘જીલ બ્રાલ્ટર’ બ્રિટિશ સામ્રાજ્યના સંસ્થાનવાદ પરની એક કટાક્ષ કથા છે.

વિજ્ઞાનકથાઓ માટે વધુ જાણીતા જૂલે વર્નનો ખરા અર્થમાં એક સાહિત્યકાર તરીકે પરિચય કરાવતું આ પુસ્તક માણવાલાયક છે.                 

 – ઈશા પાઠક

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects