એવી કોઈ શાળા હોઈ શકે કે જ્યાં બાળકોને વર્ગ ભરવા ફરજિયાત ન હોય? પોતાને ફાવે એ ઠીક કરવા માટે બાળકો સ્વતંત્ર હોય? બાળકો પર કોઈ જાતની શિસ્ત થોપવામાં ન આવતી હોય? શાળાના નિયમો સુદ્ધાં બાળકો જાતે જ બનાવતાં હોય? આ નિયમો તોડનારનો દંડ પણ બાળકો જ નક્કી કરતાં હોય? અને આ શાળામાં તાસ શરૂ કે પૂરો થયાના સંકેતરૂપે કોઈ ઘંટ જ ન હોય? અને આ બધું હોવા છતાં તે ખરેખર શાળા જ હોય! વિશ્વભરમાં જાણીતી, બિનપરંપરાગત શિક્ષણના ક્ષેત્રે કાર્યરત એવી એક શાળા લંડન નજીક છેક 1921થી આજ દિન સુધી કાર્યરત છે, જેનું નામ છે ‘સમરહિલ’ અને તેના સ્થાપક છે એ.એસ.નીલ.
આ પુસ્તકમાં નીલના આ શાળાના અનેકવિધ અનુભવો વર્ણવાયા છે, જે અનેક રીતે આંખ ખોલી દેનારા છે. બાળકોની સ્વતંત્રતાના હાડોહાડ હિમાયતી એવા નીલ પાસે એટલી વૈચારિક સ્પષ્ટતા છે કે નવી પેઢીને સ્વતંત્ર વાતાવરણમાં વિકસવાનો મોકો અપાવો જોઈએ. સ્વતંત્રતાની ભેટ એ પ્રેમની ભેટ છે અને માત્ર પ્રેમ જ આ વિશ્વને બચાવી શકે છે.
આવા વિચારને શૈક્ષણિક સંસ્થામાં અમલમાં મૂકવો એટલે સામા વહેણે પ્રવાહમાં ઝંપલાવવું. નીલને આ રૂઢિપ્રયોગ શબ્દાર્થમાં અનુભવાયો. બ્રિટનની સરકાર તરફથી આ શાળાને બંધ કરાવવાના પ્રયત્નો થયા. એવે સમયે સમગ્ર વિશ્વમાં પથરાયેલા ‘સમરહિલ’ના ભૂતપૂર્વ અને હયાત વિદ્યાર્થીઓએ સરકારના આ પગલાં સામે દેખાવો કર્યા, ધરણા કર્યાં અને આખરે આ શાળાએ કાયદાકીય જીત પણ મેળવી. એક સદીના આરે પહોંચવામાં આવેલી આ શાળા આજે કેળવણીના ક્ષેત્રે થયેલા એક સફળ, અનોખા અને ક્રાંતિકારી પ્રયોગમાં સ્થાન પામી છે. આ પુસ્તકમાં આ પ્રયોગની વાતો છે. એ માત્ર શાળા યા બાળકેળવણી પૂરતું મર્યાદિત નથી. તે આપણા સૌના બાળપણને તપાસવા મજબૂર કરે છે. શિક્ષકોની અને વાલીઓની ભૂમિકા આપણને ઘણું શિખવે જ છે, પણ આપણા પોતાના જીવનમાં આપણે કેટલા મુક્ત અને ખુશ છીએ તે માટે પણ આત્મચિંતન કરવા પ્રેરે છે.
‘ઓએસીસ’ દ્વારા કેળવણીના સમાંતર પ્રયોગો અનેક શાળાઓ થકી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે. આ પ્રયોગોના અતિ મહત્ત્વના સાધન તરીકે તેમની ટીમે આ પુસ્તકનો સુંદર અનુવાદ કર્યો છે, જેમાં સંજીવ શાહના માર્ગદર્શન હેઠળ અલ્કેશ રાવલ, ક્ષમા કટારિયા, અમી નાણાવટી હાથી તેમજ માયા સોનીનો સમાવેશ થાય છે.
પુસ્તકના આરંભે જ એનો હેતુ જણાવતાં એ. એસ. નીલ લખે છે: ‘તમામ ગુનાઓ, તમામ નફરત, તમામ યુદ્ધોનું મૂળ છેવટે નાખુશી પર આવીને અટકી જાય છે. નાખુશી કઈ રીતે ઉદ્ભવે છે, કઈ રીતે એ મનુષ્યજીવનને ખતમ કરી નાખે છે, અને બાળકોને એવી કઈ રીતે ઉછેરવાં કે જેથી આટલી નાખુશી કદી તેમનામાં પણ ઊભી થાય નહીં તે દર્શાવવાનો આ પુસ્તકનો પ્રયાસ છે.’
આ પ્રયાસ સંપૂર્ણપણે સફળ થયો છે એમ આ પુસ્તક વાંચનારને લાગ્યા વિના રહેશે નહીં.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.