વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિ પરથી આ જ નામની ફિલ્મનું પણ નિર્માણ હોલીવૂડમાં થઈ ચૂક્યું છે. આ અદ્ભુત કૃતિને ગુજરાતીમાં ઊતારવાનું, અને એ રીતે વિન્સેન્ટ જેવા ચિત્રકારના જીવનનો સઘન પરિચય કરાવવાનું શ્રેય વિનોદ મેઘાણીને જાય છે.
ધર્મ અને પુરાણોને લગતાં લાખેક ચિત્રો આંખ તળેથી પસાર થઈ ગયા પછી અરવિન્ગ સ્ટોનને લાગ્યું કે ચિત્રકળા સરસ માધ્યમ હશે, પણ પોતાને માટે એમાં કશો સંદેશો નથી. વધુ ચિત્રો જોવાની તેમની હામ રહી નહોતી. એવામાં એક મિત્રના અત્યાગ્રહથી તેઓ વિન્સેન્ટનાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. તેમણે લખ્યું છે: ‘મેં જે અનુભવ્યું તેવું પહેલાં ક્યારેય અનુભવ્યું નહોતું. મૂઢ બનીને હું ઊભો જ રહી ગયો. વિચારવાની કે શ્વાસ લેવાની શક્તિ પણ ઓસરી ગઈ.’ આ અનુભવ પછી તેમને આ ચિત્રકારના જીવનમાં રસ પડ્યો અને તેમણે અનેક સ્રોત દ્વારા તેના વિશેની માહિતી એકઠી કરવા માંડી. અનેક પુસ્તકો, પ્રવાસો, મુલાકાતોના પરિપાક થકી લખાયેલી ‘લસ્ટ ફોર લાઈફ’નું પ્રકાશન 1934માં થયું.
વિનોદ મેઘાણીએ અગાઉ આ પુસ્તકનો અનુવાદ કરેલો, જે પ્રકાશિત પણ થયેલો. તેમને એનાથી પૂરતો સંતોષ નહોતો. આથી તેમણે પોતાનું લખાણ ફરી તપાસવા માંડ્યું અને તેમાં અનેક ભાષાકીય સુધારાઓ કર્યા. એ રીતે આ નવી આવૃત્તિ 1994માં ‘સળગતાં સૂરજમુખી’ના નામે પ્રકાશિત થઈ શકી. આ પુસ્તકમાં મૂળ કથાના પ્રવાહી અનુવાદની સાથેસાથે મૂલ્યવૃદ્ધિ સમી અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકના આરંભિક અસ્તર પર વિન્સેન્ટની કર્મભૂમિઓનો નકશો, તેમજ અંતિમ અસ્તર પર વિન્સેન્ટે પોતાની માતાને લખેલો પત્ર મૂકવામાં આવ્યો છે. સમગ્ર પુસ્તકમાં વિન્સેન્ટે બનાવેલાં અનેક રેખાંકનો તેમજ ચિત્રો મૂકવામાં આવે છે, જે પુસ્તક વાંચતી વખતે વાચકને યોગ્ય સંદર્ભ તેમજ પૃષ્ઠભૂમિ પૂરાં પાડે છે. યુરોપનું વાતાવરણ જળવાઈ રહે એ માટે અનુવાદમાં મૂળ શબ્દો એમના એમ રાખવામાં આવ્યા છે, પણ કૌંસમાં તેના ગુજરાતી અર્થ આપવામાં આવ્યા છે. વધુ રસિક વાચકો માટે પુસ્તકના અંતમાં ‘ટીપ્પણ’ અંતર્ગત લેટિન જોડણી અને અર્થ મૂકવામાં આવ્યા છે.
આ જીવનકથામાં વિવિધ પ્રકરણો વિન્સેન્ટની કર્મભૂમિ અનુસાર લખવામાં આવ્યાં છે. સમગ્રપણે તેનો અનુવાદ વાંચનારના મન પર પ્રગાઢ અસર મૂકી જાય છે અને પોતે વિન્સેન્ટના જીવનનો જ એક હિસ્સો હોવાનું અનુભવે છે. આવી અનુભૂતિનું શ્રેય જેટલું મૂળ લેખકનું, તેટલું જ અનુવાદકનું ગણાય. પુસ્તકમાં સમાવાયેલું અરવિન્ગ સ્ટોનનું નિવેદન તેમજ તેમનો પરિચય તથા અનુવાદકનું કથન રસપ્રદ બની રહે છે. પુસ્તકની નિર્માણપ્રક્રિયાનો તે બખૂબી અંદાજ આપે છે.
વિન્સેન્ટનાં ચિત્રોમાં વાચકોનો રસ જાગ્રત કરી શકે એવી ક્ષમતા આ પુસ્તકમાં રહેલી છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.