‘ઈન્દુચાચા’ તરીકે લોકપ્રિય બનેલા ઈન્દુલાલ યાજ્ઞિક ખરા અર્થમાં લોકનેતા હતા. ગામડાનો ગરીબ ખેડૂત હોય કે શહેરનો મજૂરી કરતો મજૂર હોય, ગમે ત્યારે તે ઈન્દુલાલનો સાથ મેળવી શકતો. મહાગુજરાત આંદોલનમાં તેમની નેતાગીરી બેમિસાલ બની રહી હતી. દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન કરીને તેના બે ભાગ કરી, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના નિર્માણનો નિર્ણય મહાગુજરાત આંદોલનના પગલે લેવાયો. આમ છતાં, ગુજરાત રાજ્યની રચના પછી ઈન્દુલાલ જાણીબૂઝીને સત્તાથી છેટા જ રહ્યા.
પોતાના વિષે તેમણે કહેલું: ‘હું તો ઝૂંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માનવી છું. ગરીબ કિસાનો વચ્ચે બેસવું, એમની ઝૂંપડીઓમાં જવું અને એમની વિચારધારા ઝીલવી, એ મારું કાર્ય છે. એ શ્રમજીવીઓના શ્રમ અને આદર્શો તથા મારી સેવાનો સમન્વય સધાશે તો હું જે ક્રાંતિ કરવા ધારું છું એ કરી શકીશ.’
તેમણે બહુ વિસ્તારથી આત્મકથા લખેલી, જે છ ભાગમાં પ્રકાશિત થઈ હતી. આ આત્મકથામાં ઈન્દુલાલના જીવનની સમાંતરે એક આખા કાલખંડનો ઇતિહાસ મળે છે. વીસમી સદીના આરંભનું નડિયાદ નગર કેવું હતું, મૂક ચલચિત્રનાં આરંભિક વરસો કેવાં હતાં, ગાંધીજીનું અસહકારનું આંદોલન કેવી રીતે આગળ વધ્યું, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા સંજોગોમાં થઈ વગેરે અનેક બાબતો તેમણે વિસ્તૃતિથી વર્ણવી છે.
તેમણે આત્મકથા 1958 સુધી લખી હતી, જ્યારે તેમનું અવસાન થયું 1972માં. આ સમયગાળાની ઘટનાઓની નોંધ ઈન્દુલાલની ડાયરીઓ, નિવેદનો, પ્રવચનો વગેરેનું સંકલન કરીને ક્રમવાર મૂકવામાં આવી છે. ઈન્દુલાલ યાજ્ઞિકે લખેલા કેટલાક લેખો પણ મૂકવામાં આવ્યા છે. આ સંપાદન ધનવન્ત ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. છ ભાગનાં આ પુસ્તકોનું પ્રકાશન ‘મહાગુજરાત સેવા ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાંબા સમયથી આ પુસ્તકો અપ્રાપ્ય બનતાં તેમનું પુન:પ્રકાશન વડોદરાના ‘અરુણાબહેન મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ’ના ઉપક્રમે કરવામાં આવ્યું. મૂળ છ ભાગનાં પુસ્તકોને પુન:પ્રકાશનમાં ચાર ગ્રંથમાં સમાવી લેવામાં આવ્યા છે. દરેક ખંડની સમાપ્તિ પછી મૂકવામાં આવેલી સૂચિ ખૂબ ઉપયોગી બની રહે એવી છે.
પુન:પ્રકાશનની પ્રસ્તાવનામાં સનત મહેતાએ જણાવ્યું છે: ‘1915થી મહાગુજરાતની રચના સુધીના કાળની એક અર્થમાં ગુજરાતના જાહેરજીવનની આત્મકથા છે.’ તેના પુન:પ્રકાશનનો હેતુ સ્પષ્ટ કરતાં સનત મહેતાએ લખ્યું છે: ‘અમારી ઇચ્છા અને આશા છે કે ગુજરાતનું આ ઘરેણું ગુજરાતનાં પુસ્તકાલયો, ગુજરાતની વિદ્યાપીઠો અને ગુજરાતની કૉલેજોમાં સચવાય. જેથી વરસો પછી પણ કોઈ પણ ગુજરાતીઆમાં ઝાંખી ભૂતકાળને સાકાર કરી શકે.’
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.