(લેખિકા: મૃણાલિની સારાભાઈ, અનુવાદક: બકુલા ઘાસવાલા)
‘એક નૃત્યમય જીવન’નું પેટાશિર્ષક ધરાવતી આ આત્મકથા ખ્યાતનામ નૃત્યાંગના મૃણાલિની સારાભાઈએ મૂળ અંગ્રેજીમાં લખેલા પુસ્તક ‘ધ વૉઈસ ઑફ હાર્ટ’નો ગુજરાતી અનુવાદ છે. વલસાડ સ્થિત નારીવાદી કર્મશીલ અને લેખિકા બકુલા ઘાસવાલાએ પ્રવાહી ગુજરાતીમાં તે ઊતાર્યું છે.
‘અમ્મા’ તરીકે જાણીતાં મૃણાલિની સારાભાઈની જીવનકથાને બકુલાબેને શી રીતે ઓળખાવી છે એ જાણવું રસપ્રદ થઈ રહેશે. તેમણે લખ્યું છે: ‘પ્રકૃતિના અનંત સ્વરૂપને માણવાની નિજી ઉત્કંઠા, એના લયને પામીને અનુભૂતિની જીવંત અભિવ્યક્તિ દ્વારા એને ચિરંતન અમરતા બક્ષવાની સહજ, આકંઠ ઇચ્છાનું મૂર્તિમંત પ્રતિબિંબ એટલે આ આત્મકથા.’
ભારતના દક્ષિણ ભાગના કેરળ અને તામિલનાડુથી કથાનો આરંભ થાય છે, અને તે અમદાવાદ તરફ આગળ વધે છે. અમદાવાદથી તે દેશભરમાં જ નહીં, વિશ્વભરમાં વિસ્તરે છે. નાનામોટાં અનેક પાત્રો, પ્રસંગો, સ્થળોનો ઉલ્લેખ આ આત્મકથાને સભર અને સમૃદ્ધ બનાવતો રહે છે. પ્રસંગોચિત તસવીરો પણ તેમાં ઉમેરો કરતી રહે છે.
મિલમાલિકના પુત્ર અને પ્રખર વિજ્ઞાની વિક્રમ સારાભાઈ સાથેના મૃણાલિનીના લગ્ન અને પછી ઘરસંસારની રસપ્રદ વાત અહીં કહેવાઈ છે. અમદાવાદમાં મૃણાલિનીની ઓળખ તેમની અનન્ય નૃત્યસંસ્થા ‘દર્પણ’ થકી બની રહી હતી. ‘દર્પણ’ નામ અંગે તેઓ જણાવે છે: ‘દર્પણ’ એટલે અરીસો. મારા મતે બ્રહ્માંડ કે વિશ્વનું જે ચૈતન્ય છે તેનું પ્રતિબિંબ આપણા દરેકમાં વિલસી રહ્યું છે.’ પુસ્તકમાંના ઘણા પ્રસંગો માટે મૃણાલિનીએ પોતાની રોજનીશીનો આધાર લીધો છે. તેને કારણે જે તે વર્ણનમાં એક પ્રકારની અધિકૃતતા જણાય છે.
વિક્રમ સારાભાઈના વ્યક્તિત્ત્વ વિશે, તેમની સાદગી, સરળતા તેમજ પ્રતિભા વિશે અનેક રસપ્રદ બાબતો પુસ્તકમાં આલેખાયેલી છે, જે તેમનું એક જુદું જ પાસું રજૂ કરે છે. એક રીતે જોઈએ તો અમદાવાદના સાંસ્કૃતિક ઇતિહાસનું અતિ નોંધપાત્ર પાનું આ પુસ્તક થકી ઊજાગર થાય છે, જેમાં સાતત્યપૂર્વક મૃણાલિનીના નૃત્યપ્રેમનો આંતરપ્રવાહ વહેતો અનુભવાય છે. તેમણે બને એટલી નિખાલસતા અને પારદર્શકતા જાળવવાનો પ્રયત્ન કર્યો છે.
અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ એકદમ સુશ્લિષ્ટ અને અનુસર્જન બની રહે એ રીતે ચીવટપૂર્વક કરવામાં આવ્યો છે કે તે અનુવાદને બદલે મૂળ ગુજરાતી લખાણ વાંચતા હોઈએ એમ જ લાગે. આ આત્મકથાના અંતમાં કથાનાયિકા દ્વારા લખાયેલું એક વાક્ય તેમના વ્યક્તિત્વનું અને જીવન પ્રત્યેના અભિગમનું પ્રતિબિંબ બની રહે છે. તેઓ લખે છે: ‘આટલાં વર્ષોમાં ઘણા ઘા પડ્યા છતાં માણસની અંદર રહેલી સારપ પર મને હજી વિશ્વાસ રહ્યો છે.’
અનુવાદિકાએ જણાવ્યું છે એમ આ પુસ્તકમાં ‘જીવનની અનેક વિલક્ષણતાઓ ઊજાગર થાય છે. આપણી વહુ-દીકરીઓના જીવનને એમની દૃષ્ટિથી સમજવા માટે આ આત્મકથા સચ્ચાઈસભર સમૃદ્ધ ભાથું પૂરું પાડે છે.’
-બીરેન કોઠારી
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ