Gujaratilexicon

સત્યના પ્રયોગો અથવા ગાંધીજીની આત્મકથા

Author : મોહનદાસ કરમચંદ ગાંધી
Contributor : ઈશા પાઠક

ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વને સત્ય તેમજ અહિંસાની શક્તિનું દર્શન કરાવનાર મહાત્મા ગાંધીના જીવનના બાળપણથી માંડીને ઈ.સ.1921 સુધીના સમયગાળાના સારા-નરસા પ્રસંગોને આવરી લેતું પુસ્તક એ ‘સત્યના પ્રયોગો’.  1925થી 1929ના સમયગાળા દરમિયાન ‘નવજીવન’માં સાપ્તાહિકરૂપે પ્રકાશિત થયેલી આ આત્મકથામાં ગાંધીજીના જીવનના રાજકીય કરતાં આધ્યાત્મિક અને નૈતિક અનુભવો પર વધુ ભાર મુકાયો છે. સમગ્ર પુસ્તકમાં તેમણે અપનાવેલા સત્ય, અહિંસા, આધ્યાત્મિકતા, બ્રહ્મચર્ય, આત્મજ્ઞાન તેમજ શાકાહાર જેવાં વિવિધ સિદ્ધાંતો તેમજ પ્રયોગો અને તેમના પરિણામોની વાત હોવાથી આ પુસ્તકને ‘સત્યના પ્રયોગો’ રૂપે રજૂ કરવામાં આવ્યું છે.

પાંચ ભાગમાં લખાયેલી આત્મકથાની શરૂઆત થાય છે ગાંધીજીના બાળપણના પ્રસંગોથી. શાળામાં ઈંસ્પેક્શન સમયે માસ્તરના કહેવા છતાં ચોરી ન કરવી, મિત્રોના ‘ડરપોક’ ના મહેણાં સાંભળીને બહાદુરી દેખાડવા માંસ-મદિરાનું સેવન, બીડી પીવાનું વ્યસન અને દેવું ભરપાઈ કરવા સોનાની ચોરીના પ્રસંગની નિખાલસ રજૂઆત છે. જન્મજાત સંસ્કારોને લીધે આત્મા ડંખતા ચિઠ્ઠી લખી પિતા પાસે ક્ષમાયાચના કરી સત્યના માર્ગે એક ડગલું આગળ વધવાની વાત પણ તેમાં કરી છે. ફક્ત 13 વર્ષની કુમળી વયે લગ્ન થતાં અણસમજને લીધે લગ્નજીવનમાં પડેલી મુશ્કેલીઓ અંગે પણ તેમણે લખ્યું છે. પિતાના મૃત્યુ પછી વકીલાતનું ભણવા વિદેશગમન પ્રસંગે માતાને આપેલ – માંસાહાર, મદ્યપાન અને પરસ્ત્રીનો સંગ ન કરવાના વચનનું પાલન તેમણે આજીવન કર્યું હોવાનું જણાય છે.  બીજા વિભાગમાં મુખ્યત્વે તેમના દક્ષિણ આફ્રિકાના અનુભવોની વાત છે. તેઓ એક કેસ લડવા માટે જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે પ્રિટોરીયામાં તેમને થયેલા રંગભેદનો ખૂબ જાણીતો અનુભવ આલેખાયેલો છે. અહીં પણ તેઓ વકીલાત કરતાં સત્યનો માર્ગ ચૂક્યા નથી. અહીં ભારતીયોને થતાં અન્યાય સામેની તેમની અહિંસક લડતની વાત છે.  ત્રીજા વિભાગમાં તેમના બ્રહ્મચર્યને લગતા પ્રયોગની વાત છે. 1896માં તેઓ ટૂંક સમય માટે ભારત આવે છે અને ગોપાલકૃષ્ણ ગોખલે સાથે રહે છે. અહીં તેમની રાજનિષ્ઠા અને નાનામાં નાના કામ પ્રત્યે લગનનો ભાવ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકાથી મદદ માટે કહેણ આવતા તેઓ ફરી ત્યાં જાય છે. ચોથો વિભાગ તેમની દક્ષિણ આફ્રિકાની સરકારની અન્યાયી નીતિની સામે સખત લડતને સમર્પિત છે. સાથે-સાથે આમાં આહારને લગતા તેમના કેટલાંક પ્રયોગોની તેમજ બ્રહ્મચર્ય અને આત્મસંયમને લગતા તેમના વિચારોનું આલેખન છે. પાંચમા વિભાગમાં ગાંધીજી ભારતમાં અંગ્રેજોની અન્યાયી નીતિ સામેની અહિંસક એવી અસહકારની લડત ચલાવતા જોવા મળે છે. આહારના અન્ય એક પ્રયોગમાં તેઓ બકરીનું દૂધ અપનાવે છે. ભારતની આઝાદીની ચળવળની સાથે-સાથે સમાજમાં વ્યાપ્ત અનેક દૂષણોને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા સાથે આત્મકથા પૂર્ણ થાય છે.

સત્ય અને અહિંસાના અમોઘ શસ્ત્રો કઈ રીતે મનુષ્યને અન્યાય સામે લડવાની હિંમત અને શક્તિ આપે છે અને અંતે સત્યની જ જીત નિશ્ચિત છે, એવો સંદેશ આ આત્મકથા આપે છે.

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects