આખરે એ શુભ ઘડીના પગરણ થઈ ગયાં છે જેની આપણે સૌ આશા રાખી રહ્યાં હતાં.
તારીખ ૧૭ ઑગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુક્ત ઉપક્રમે પ્રયોજાયેલ કાર્યશાળાની શરૂઆત થઈ ગઈ.
સૌપ્રથમ સત્ર કમ્પ્યૂટરની સામાન્ય જાણકારી અંગેનું રાખવામાં આવેલ હતું અને જેની રજૂઆત ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી રૂપલબહેને કરી હતી.
આશરે 35-40 જેટલા રસ ધરાવનાર મિત્રોએ કાર્યશાળામાં ભાગ લીધો હતો. સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને બરાબર 5 વાગીને 10 મિનિટે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તે પહેલાં ઉપસ્થિત સૌના નામની નોંધણી એક રજિસ્ટરમાં કરવામાં આવી અને તે વખતે જ તે દરેકને એક એક પ્રતિભાવ ફોર્મ આપવામાં આવ્યા અને કાર્યક્રમ પતે પછી તે ભરીને પાછા આપવાની વિનંતી કરવામાં આવી.
રૂપલબહેનને પ્રેઝનટેશનમાં દરેક બારીક મુદ્દાને આવરી લેવાનો સચિત્ર પ્રયત્ન કર્યો અને આખું પ્રેઝનટેશન લગભગ 49 સ્લાઇડસનું હતું.
કેટલાક ઉત્સાહી મિત્રો પ્રેઝનટેશનની મધ્યમાં સવાલો પૂછતાં અથવા કોઈ રજૂ કરેલી બાબત ઉપર પોતાના અનુભવ કે સૂચનો જણાવતાં જે અન્ય ઉપસ્થિત મિત્રોમાંથી ઘણાંને ચંચુપાત લાગ્યો જેની હવે આવનાર સત્રમાં ધ્યાન રાખવામાં આવશે.
એકંદરે આખી રજૂઆત રસપૂર્વકની રહી અને સૌ એ પોતપોતાના પ્રતિભાવો ભરીને આપ્યા
************************************************************************
તા. ૩૧ ઓગષ્ટના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના કવિલોક હોલ ખાતે બીજા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો ગુજરાતીમાં ટાઇપ કેવી રીતે કરવું?
સત્રનો પ્રારંભ થવાનો સમય સાંજના 5 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. એ દિવસે જાણે કસોટી થવાની હોય તેમ સવારથી ખાલીખમ આકાશ બપોર થતાં સુધીમાં તો એકદમ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ગાજવીજ સાથે વરસાદ પડવા માંડ્યો. એવું લાગતું હતું કે જાણે આજે કદાચ આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડશે.
પણ કહેવાય છે ને કે જે બનવાનું હોય તે બનીને જ રહે છે. બપોરના 3 વાગ્યાની આસપાસ વરસાદ થોડો મંદ પડ્યો અને અહીં ઑફિસમાંથી બધી તૈયારી પૂર્ણ કરી 3.30 વાગ્યાની આસપાસ અમે સાહિત્ય પરિષદ જવા માટે નીકળ્યા.
ત્યાં પહોંચ્યા બાદ જાણવા મળ્યું કે જે જગ્યાએ ગત પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું તે હોલ આજે બીજા કોઈ કાર્યક્રમ માટે ભાડે આપવામાં આવ્યો હતો તેથી આપણા સત્રનું આયોજન સાહિત્ય પરિષદના બીજા માળે આવેલ કવિલોક હોલમાં રાખવામાં આવ્યું હતું.
એ જાણીને મનમાં થોડી આશંકા હતી કે સત્રમાં ભાગલેનાર મોટાભાગના લોકો જૈફ વયના કે 50 વર્ષથી વધુ ઉંમરના છે તો તેઓ કદાચ બે માળ ચડી શકશે કે નહિ. પણ તે સૌની શીખવાની મનોકામના ધન્યવાદ છે કે તેઓ બે માળ ચડીને આવા વરસાદમાં પણ આવ્યા.
કવિલોક હોલમાં પહોંચીને રૂપલબહેન અને સાહિત્ય પરિષદના ભાવસારભાઈને મદદથી પ્રોજેક્ટર અને કમ્પ્યૂટર વગેરે જરૂરી વસ્તુઓની ચકાસણી કરી લીધી તદુપરાંત જે કમ્પ્યૂટરમાં પ્રેઝન્ટેશન રજૂ કરવાનું હતું તેમાં પણ ગુજરાતી ભાષાનો સપોર્ટ છે કે નહિ તે ચકાસી લીધો.
ત્યારબાદ બધાના આવવાની રાહ જોવા લાગ્યા અને લગભગ 5 વાગીને 7 મિનિટે સત્રનો પ્રારંભ કરવામાં આવ્યો. જાણીને ખૂબ આનંદ થયો કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈએ પણ આખા પ્રેઝન્ટેશનને માણ્યું અને તેમને જરૂરી લાગતા મુદ્દાઓ તેમને તેમની ડાયરીમાં નોંધ્યા.
આ ઉપરાંત લોકોની માગણી હતી કે જે પ્રેઝન્ટેશન આપ્યું તેની નકલ તે લોકોને આપવામાં આવે અને ઘણાંલોકોએ તો તે માટે કિંમત ચૂકવવાની પણ ઓફર કરી. પરંતુ રાજેન્દ્રભાઈના સૂચનને અનુસરીને સૌને જણાવવામાં આવ્યું કે આ આખું પ્રેઝન્ટેશન કોઈપણ વ્યક્તિ સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપરથી તેમન ગુજરાતીલેક્સિકોનના બ્લોગ ઉપરથી મેળવી શક્શે.
http://blog.gujaratilexicon.com/2012/09/02/how-to-type-in-gujarati/
******************************************************************************
કાર્યશાળાનું ત્રીજું સત્ર તા.૧૪-૯-૧૨ના રોજ ‘ગુજરાતી વિકિપીડિયા’ ઉપર લેવામાં આવેલું હતું. આ સત્ર હર્ષ કોઠારી અને કોનારક રત્નાકર દ્વારા લેવામાં આવ્યું હતું, જેઓ એન્જિનીયરીંગ શાખાના વિદ્યાર્થીઓ છે તથા ગુજરાતી વિકિપીડિયાના સંપાદક પણ છે. તેમણે જણાવ્યું હતું કે આજે વિકિપીડિયા એ મહત્ત્વનો જ્ઞાનકોશ છે પરંતુ ૬ કરોડ લોકો ગુજરાતી બોલતા હોવા છતાં માત્ર ૨૧ જ સંપાદકો છે. ગુજરાતી વિકિપીડિયામાં ખાતું ખોલવાથી માંડીને લેખ સંપાદન કેવી રીતે કરવું, તે તમામ માહિતીને તેમણે આવરી લીધી હતી. તે ઉપરાંત તેમણે વિકિસ્ત્રોત વિશે પણ રસપ્રદ માહિતી આપી હતી અને વિકિપીડિયા દ્વારા હાલ રજૂ થઈ રહેલા કાર્યક્રમોની એક ઝલક પણ આપી હતી.
કાર્યશાળાના સત્રોમાં જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવે છે તથા પ્રાયોગિક સત્રમાં ભાગ લેનારાઓને કમ્પ્યૂટર ઉપર હાથોહાથ તાલીમ પણ મળે છે, જેનો પ્રતિસાદ ખૂબ સરસ મળ્યો છે. દર સત્રને અંતે પ્રશ્નોત્તરીની બેઠક હોય છે, જેમાં પ્રશ્નો અને ચર્ચાઓ મુક્તપણે થાય છે.
આ કાર્યશાળાના સત્રો આપ ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ ઉપરના શિક્ષણ વિભાગમાંથી પણ માણી શકો છો, જેને માટેની લિંક છે: http://www.gujaratisahityaparishad.com/shikshan/
*************************************************************************
તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ સાહિત્ય પરિષદ ખાતે ચોથા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સત્રનો વિષય હતો ગુજરાતીલેક્સિકોન અને ભગવદ્ગોમંડલ.
બરાબર 5 વાગીને 10 મિનિટે પ્રેઝન્ટેશનની શરૂઆત કરવામાં આવી.
હાજર રહેલાં મોટાભાગના સભ્યો અગાઉના સત્રના ઉપસ્થિતો હતાં. ફકત એક જ વ્યક્તિનો નવો પ્રવેશ હતો.
એકાદ -બે જણને બાદ કરતાં મોટાભાગના લોકો ગુજરાતીલેક્સિકોન કે ભગવદ્ગોમંડલ વિષે માહિતગાર ન હતાં.
એકંદરે 34 સ્લાઇડ ધરાવતું પ્રેઝન્ટેશન આશરે 80 મિનિટ ચાલ્યું. જેમાં ગુજરાતીલેક્સિકોનના દરેક વિભાગની શક્ય એટલી નાનામાં નાની માહિતી આપીને સૌને માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ફક્ત સાઇટ જ નહીં પરંતુ તેની ડેસ્કટોપ એપ્લિકેશનથી પણ સૌને માહિતગાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
રજૂઆતના અંતે પ્રશ્નોત્તરી સમયમાં સૌ એ સારા એવાં પ્રશ્નો કર્યા અને આ કામને વખાણ્યું તેની સરાહના કરી.
કેટલાક લોકોએ પૂછ્યું કે શું આમાં તમને કોઈ નાણાકીય સહાય મેળવેલ છે કે મળે છે. તો તેના જવાબમાં જણાવવામાં આવ્યું કે ના આ સમગ્ર સાઇટ ચલાવવામાં કે તેને લગતી કોઈપણ નાણાકીય સહાય શ્રી રતિલાલ ચંદરયા તરફથી પૂરી પાડવામાં આવે છે.
તો કેટલાકનું એવું કહેવું હતું કે ઘણા બધા લોકો આ અદ્બુત કાર્યથી વાકેફ નથી. તમારે બને તેટલા મોટા પ્રમાણમાં તેની પબ્લિસીટી કરવી જોઈએ.
જેના જવાબમાં જણાવવામાં આવ્યું કે અમે બધી રીતે આનો ફેલાવો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ અને મીડિયા સાથે પણ તે માટે સતત સંપર્કમાં રહીએ છીએ. જો મીડિયા યોગ્ય સાથ સહકાર આપે તો વધુમાં વધુ લોકો આ કાર્યથી માહિતગાર થઈ શકે અને તેનો ઉપયોગ કરી શકશે.
એક પ્રશ્ન એ પણ હતો કે આ સત્રને અગાઉના સત્ર સાથે કેવી રીતે સાંકળી શકાય?
જેના જવાબમાં જણાવવામાં આવ્યું કે આ સાઇટનો ઉપયોગ તમે તમારા લેખનકાર્ય કે ટ્રાન્સલેશન કાર્ય માટે સંદર્ભ સાઇટ તરીકે ઉપયોગ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત સ્પેલચેકરની મદદથી તમે તમારા લખાણની જોડણીની ક્ષતિઓ સુધારી શકો છો.
આમ એકંદરે દરેક સભ્યના મુખ ઉપર કંઈક નવું જાણ્યાનો આનંદ જોવા મળી શકતો હતો.
***********************************************************************************
ગુજરાતીલેક્સિકોન અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર અભિમુખતાના અંતિમ સત્રનું આયોજન તા 5 ઓક્ટોબર 2012ના રોજ સાહિત્ય પરિષદ ખાતે યોજવામાં આવેલ હતું.
આ સત્રનો વિષય હતો સોશિયલ મિડીયા અને બ્લોગ. આ વિષયની રજૂઆત કાર્તિક મિસ્ત્રીએ કરી હતી.
લગભગ 40-45 મિનિટના આ સત્રમાં કાર્તિકે ગુજરાતી બ્લોગ વિશે બ્લોગ કોને કહેવાય અને અન્ય સોશિયલ મિડીયાના માધ્યમો જેમકે ફેસબુક- ટ્વિટર વગેરે વિશે માહિતી આપી હતી. એકંદરે 25 લોકો આ સત્રમાં ઉપસ્થિત રહ્યાં હતા.
સત્ર પ્રત્યે લોકોનો અભિગમ હકારાત્મક રહ્યો હતો અને મોટાભાગના બધાં લોકો માટે આ એક નવીન વસ્તુ હતી.
પ્રશ્નોત્તરી સમય દરમ્યાન લોકોએ બ્લોગને લગતાં કેટલાક ટેક્નિકલ પ્રશ્નો પૂછ્યા હતાં જે અંગેની ચર્ચા કાર્તિકે લોકો સાથે કરી હતી.
સત્રના અંતે ત્યાં ઉપસ્થિત સૌનો ઉપરાંત અગાઉના સત્રમાં ઉપસ્થિત રહેનાર સૌનો ઉપરાંત રૂપલબહેનનો, સાહિત્ય પરિષદનો તેમજ રાજેન્દ્રભાઈનો તથા આમાં સાથ આપનાર સૌનો ગુજરાતીલેક્સિકોન વતી મેં આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત મારું ઇમેલ એડ્રેસ અને ફોનનંબર આપ્યા હતાં કે જેથી તેઓને કોઈ પ્રશ્ન હોય તો તેઓ આપણો સંપર્ક કરી શકે.
આ ઉપરાંત આખરી સત્રની રજૂઆતની ફાઇલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રવૃત્તિ વિભાગમાં મૂકવામાં આવી છે.
http://www.gujaratisahityaparishad.com/shikshan/bhasha-technology/index.html
આખરમાં એકંદરે આ સમગ્ર કાર્યશાળા ખૂબ જ સુંદર રહી અને સૌનો હકારાત્મક અભિગમ રહ્યો અને દરેકે પણ કાર્યશાળાના અંતે તેમના અનુભવોની તેમજ આવું સુંદર આયોજન અને તેપણ નિ:શુલ્ક કરી આપવામાટે સાહિત્ય પરિષદનો અને ગુજરાતીલેક્સિકોનનો અંત:કરણપૂર્વક આભાર માન્યો.
આ ઉપરાંત આ સમગ્ર સત્રો દરમ્યાન અંગત રીતે મારા માટે પણ એક નવો અનુભવ રહ્યો જે માટે હું બધાની અને સૌથી વધુ તો રતિકાકાની આભારી છું.
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લેક્સિકોન તરફથી સૌ વક્તાઓનો ખૂબ આભાર.
આભાર સહ
મૈત્રી શાહ
સંયુક્ત – joined together, united, joint, done jointly.
સચિત્ર – illustrated.
ચંચુપાત – dipping the beak into; slight entrance (into) or acquaintance (with)
મોકૂફ – stopped; left unfinished; postponed..
સંપાદક – one who collects or assembles; editor.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.