21 જુલાઈ, 1911 આ દિવસે ઉમાશંકર જોષીનો જન્મ થયો હતો. જૂની પેઢી માટે આજે પણ ઉમાશંકર જોષી – ‘ગુજરાતી ભાષામાં લખનાર ભારતીય સાહિત્યકાર’ જેવા સાહિત્યકારની ઉણપ વર્તાઈ રહી છે. જ્યારે આજની નવી પેઢી કદાચ તેમને ફક્ત એક કવિ તરીકે જ જાણતી હશે અને તે પણ જો ગુજરાતી પાઠ્યપુસ્તકની ક્રમણિકામાં યાદીમાં કવિના નામ તરીકે ઉમાશંકર જોષીના નજર પડી હોય તો જ.
ગઈ કાલે 21 જુલાઈ, 2011ના રોજ શ્રી જોષીનો જન્મશતાબ્દી મહોત્સવ ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે યોજાયો હતો. હું એક નવા અનુભવ અને તદ્દન પ્રકૃતિવિરોધી કાર્ય કરવા હિંમત કરીને ટાગોર હોલ ખાતે શ્રી ઉમાશંકર જોષીનો આ મહોત્સવ કાર્યક્રમ તરફ પ્રયાણ કર્યું હતું. પ્રકૃતિવિરોધી એટલે લખ્યું છે કારણકે કાવ્ય અને ગઝલ હંમેશા મને મૂંઝવી નાંખે છે કારણકે ગુજરાતી ભાષાના એ ભારે શબ્દો ક્યારેય મારા કાનથી દિલમાં ઉતર્યા નથી. જો કે આમ જોઈએ તો મારો પણ કોઈ વાંક નથી કારણકે મારો જન્મ મોડર્ન ગુજરાતમાં થયો અને કેળવણી ગુજલીશ (ગુજરાતી-ઈંગ્લીશનું મિશ્રણ) સાંભળી અને બોલીને થઈ છે. વળી, આજે બુક કરતાં વધારે ફેસબુકનો ઉપયોગ કરતો થયો છું ત્યારે સાહિત્યનું વાંચન તેમ જ તેની મહત્તા ક્યાંથી સમજાય?
તેમ છતાં એક ગુજરાતી હોવાના કારણે ગુજરાતી ભાષામાં ઊંડી સમજ ન હોવા છતાં પણ હંમેશા તેમાં મનના ખૂણે ક્યાંક (સોફ્ટ કોર્નર) તેના માટે પ્રેમ તો રહેલો જ હતો. બસ, ગઈ કાલે સાંજે કદાચ આ જ પ્રેમ કોર્નરમાંથી સેન્ટર પર આવી ગયો અને ટાગોર હોલ પર શ્રી ઉમાશંકર જોષી વિશે વધુ જાણવાની ઈચ્છાએ જન્મ લીધો. પ્રામાણિકપણે કહું તો મારા માટે ઉમાશંકર જોષી એટલે અભ્યાસ દરમ્યાન પુસ્તકમાં કવિ તરીકે વાંચેલ નામ અને એક જાણીતા કવિ હતાં, બસ આટલું જ.
ટાગોર હોલ પહોંચ્યો ત્યારે હોલની બહારના પેસેજમાં પ્રોજેક્ટર મૂકીને 50-60 સફેદ ખુરશી નાંખીને લોકો એક વ્યાખ્યાન સાંભળતા હતા તેના પર નજર ગઈ. મનમાં એક મૂકહાસ્ય થયું કે જે કાર્યક્રમ જોવા આવ્યો તેની આવી વ્યવસ્થા? આટલા જ શ્રોતાઓ? એ પણ પ્રોજેક્ટર પર? આવા અમુક ઘણાં પ્રશ્નોએ મારા મનમાં શંકા પેદા કરી દીધી. જો કે એટલામાં જ આમંત્રિત કરેલા મિત્ર બિનીત મોદી મળ્યાં અને તેમણે હોલની અંદર જઈને સાંભળવા જણાવ્યું ત્યારે શંકાઓનું મૃત્યુ થયું.
હોલમાં પ્રવેશ્યો ત્યારે દાદરા સુધી પહોંચતી વખતે મનમાં ફરી શંકા પેદા થઈ અને તેનું કારણ હતું નિરવ (પિનડ્રોપ) શાંતિ હતી. શંકાને વાચા મળી અને મનમાં બોલી બોસ હોલ ખાલીખમ લાગે છે એટલે કોઈ અવાજ નથી. કોણ આવે આજના જમાનામાં કાવ્ય અને સાહિત્યની મજા લેવા? ફેશન શો અને ડાન્સ શો જોવા માટે જ આવનારી ઈ-યુગ જનરેશનની પ્રજા ટાગોર હોલમાં ક્યાંથી ફરકે? દાદરના ત્રણ પગથિયા ચઢ્યો ત્યાં ફરી એકવાર શંકાઓનું મૃત્યુ થયું. કારણ શું? કારણ એ જ કે મારી નજર હોલમાં ચારેબાજુ ફરીવળી. પરંતુ ત્યાં કેટલાં હાજર છે તે જોવા માટે નહીં પરંતુ એટલા માટે કે અહીં તો કેટલાં બધાં હાજર છે તેવા આશ્ચર્યની સાથે આંખો પહોળી થઈ ગઈ. ચારેબાજુ ખીચોખીચ મેદની જોઈ હું દંગ રહી ગયો. વળી, બેસવાની જગ્યા ન મળતા છેવટે ચાલવાની જગ્યાએ પણ મદમસ્ત થઈને લોકો નીચે બેઠાં હતાં. પરંતુ આ મેદનીમાં જ્યારે 50 ટકાની વસ્તીમાં યંગિસ્તાન જોવા મળ્યું ત્યારે તો બાકી રહી ગયેલી મારી અંદરની શંકાઓનું જાણે મેં હત્યા કરવાનું ચાલુ કરી દીધું.
પોણો કલાક ઊભા રહીને માંડ માંડ બેસવા માટે ખુરશી મળી. શ્રી ઉમાશંકર જોષીના જીવનયાત્રાની સફરે મને પોણો કલાક ઊભો તો રાખ્યો અને તે પણ હોલમાં એ મારા માટે સૌથી આશ્ચર્યની વાત છે. વધુ રસ જાગ્યો અને ખુરશી પકડીને બેસી રહ્યો. એટલામાં શ્રી જોષી દ્વારા રચાયેલા કાવ્યોનું પઠન થવા લાગ્યું, તેમના કાવ્યો પર નૃત્ય થવા લાગ્યું ત્યારે કાવ્ય અને શાસ્ત્રીય સંગીત બંને પ્રત્યે માન અને રસ વધી ગયો. પરંતુ તેમના ‘જઠરાગ્નિ’એ રીતસર મારા જઠરમાં એક કંપન ઉભું કરી દીધું એવું લાગ્યું. આ વાક્યને જરાપણ અતિશયોક્તિ ન ગણતાં કારણકે હું ક્યારેય સાહિત્યરિસક નથી રહ્યો અને ક્યારેય પુસ્તકનું વાંચન નથી કર્યું માટે અહીં કોઈ લાગવગ કે કોઈ ભલામણ નથી. ફક્ત ને ફક્ત મારા પ્રામાણિક અનુભવો છે.
સૌથી વધુ રસ તેમ જ આનંદ એટલે મળ્યો કારણકે હોલમાં સાંભળેલા તેમના કાવ્યો વર્ષો પુરાણા હતાં પરંતુ અમારી ભાષામાં કહીએને તેનો ‘ટચ’ આજના જમાનાને પણ સ્પર્શે એવો હતો. પ્રિન્ટ થયેલા કાવ્યોના પાનાં પીળા અને ઝાંખા પડી ગયાં હતાં પરંતુ તેમનો મર્મ અને ચિતાર આજે પણ એટલાં જ તાજાં અને આજની પેઢીને પણ સ્પર્શે તેવા જ હતાં. અને આ જ કારણોસર હોલની મેદનીમાં મને મારા જેવાં યુવાન ચહેરાઓ પણ જોવા મળ્યાં હતાં.
બીજા દિવસે આવીને ઉમાશંકર જોષી વિશે વાંચવાનું અને જાણવાની મારી તીવ્ર ઈચ્છાને રોકી ન શક્યો. ત્યારે તેમની જીવનયાત્રા વાંચીને મારા મનમાંથી ફક્ત એક કવિ તરીકેની તદ્દન ‘ખોટી છાપ’ ભૂંસાઈ ગઈ. બસ, આ તેનું જ પરિણામ છે કે મારો સાહિત્યમાં રસ વધ્યો અને આટલું લખી કાઢ્યું. આટલી મહાન વ્યક્તિ વિશે લખ્યું છે ત્યારે ભૂલચૂક માફ કરશો.
કુનાલ પંડ્યા, અમદાવાદ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.