૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે ત્યારે જે ભાષા લઘુમતીમાં છે તેના સંરક્ષણ માટે, દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે. એકવીસમી ફેબ્રુઆરી જ કેમ અને શા માટે આંદોલન દિવસ. તો તેનું કારણ છે, ૧૯૫૨માં પોતાની માની ભાષા–બંગાળી ભાષાના ઉપયોગના અધિકાર માટે આંદોલન કરતાં ઢાકા યુનિર્વિસટીના વિદ્યાર્થીઓ પર પાકિસ્તાની સેના અને ઢાકા પોલીસે ગોળીઓ છોડીને અબુલ બરકાત, રફિકુદ્દીન અહમદ, સફલુર રહેમાન, અબ્દુલ જબ્બર ચાર વિદ્યાર્થીઓને મારી નાખવામાં આવેલા તેમની યાદમાં આ દિવસ નક્કી કરવામાં આવેલ છે.
૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન જુદા પડ્યા બાદ પૂર્વ પાકિસ્તાનના લોકો માનતા હતા કે, તેમનું રાજકીય, સામાજિક, આર્િથક અને સાંસ્કૃતિક રીતે પશ્ચિમ પાકિસ્તાન દ્વારા શોષણ થઈ રહ્યું છે. ૨૧ માર્ચ, ૧૯૪૮માં મહંમદ અલી ઝીણાએ જાહેરાત કરેલી કે, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન માટે ઉર્દૂ ભાષા જ રાષ્ટ્રીય–બંધારણીય ભાષા બની રહેશે તથા સરકારી પત્રો, પોસ્ટકાર્ડ વગેરે પર ઉર્દૂ કે અંગ્રેજીમાં જ છાપકામ કરવું. તેમાં બળતામાં ઘી હોમાયું. પ્રધાનમંત્રી ખ્વાજા નિઝુમુદ્દીનને ફરીથી કહ્યું કે, પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દૂ જ રાજ્યભાષા બનશે. પાકિસ્તાન (આજનું બાંગલાદેશ)ના લોકો કે જેમાંથી ૫૬%ની મુખ્ય ભાષા બંગાળી હતી તેમણે આ જાહેરાતનો વિરોધ કરેલ. જે માટે તેમણે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨– બંગાળી કેલેન્ડર મુજબ ૮ ફાલ્ગુન, ૧૩૫૯ના રોજ ઢાકામાં વિરોધ પ્રર્દિશત કરવા રેલીનું આયોજન કરેલ. જેની સામે પોલીસ અને સેનાએ કરફ્યુ લાદી દીધેલ. આંદોલનને કચડવા સરકારનો હુકમ થયો. હજારો લોકોની ધરપકડ થઈ. લાઠીચાર્જમાં હજારો લોકો ઘવાયા અને બપોરના સમયે ચાર વિદ્યાર્થીઓને સેના–પોલીસે ગોળી મારીને મારી નાંખ્યા. ત્યારથી બાંગલાદેશમાં આ દિવસને શહીદદિન તરીકે ઉજવવામાં આવે છે. ફેબ્રુઆરી, ૨૯–૧૯૫૬થી પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષાને માન્યતા આપવામાં આવી. ત્યાર બાદ ૧૯૭૧માં બાંગલાદેશનું સર્જન થયું.
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદદિનની યાદમાં બાંગલાદેશમાં શહીદ મિનાર સ્મારક ઢાકામાં બનાવવામાં આવ્યું. જે બનાવવા ત્રણ વાર પ્રયત્નો થયેલા. પ્રથમ પ્રયત્ન ૨૨–૨૩ ફેબ્રુઆરી, ૧૯૫૨માં કરેલ, પરંતુ પોલીસ અને સૈન્યએ તેનો નાશ કરેલ. ત્યાર બાદ બીજો પ્રયત્ન ૧૯૫૭ નવેમ્બરમાં કરવામાં આવેલ, પરંતુ માર્શલ લોને કારણે કામ બંધ કરવું પડેલ અને ૧૯૭૧માં બાંગલાદેશ મુક્તિ યુદ્ધમાં ત્રીજો પ્રયત્ન શરૂ કરેલ. જેમાં સંગેમરમરના ચાર સ્તંભ ઊભાં કરેલ છે. જે ચાર શહીદોની યાદ અપાવે છે. ઉપરાંત વચ્ચેનો સ્તંભ અને માતૃભૂમિની યાદ અપાવે છે. બાંગલાદેશે યુનેસ્કોને ૨૧ ફેબ્રુઆરીએ માતૃભાષાદિન તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવને ઇટાલી, ઇન્ડોનેશિયા, ઓમાન, કોમોરોસ, ઝામિબ્યા, ચિલી, ડોમિનિકન ગણરાજ્ય, પાકિસ્તાન, પેરાગુયા, ફિલિપિન્સ, બહામા, બેનિન, ભારત, મલેશિયા, રશિયા, શ્રીલંકા, સઉદી અરબ વગેરે દેશોએ ટેકો આપેલ. ૨૦૦ના વર્ષથી અત્યાર સુધી યુનેસ્કોએ યોજેલ વિશિષ્ટ કાર્યક્રમની નોંધ લઈએ. ૨૦૦૦ આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિનનું ઉદ્ઘાટન, ૨૦૦૦ બીજો વાર્ષિક ઉત્સવ, ૨૦૦૨માં ૩૦૦૦ ભાષાની વિવિધતા મુશ્કેલીમાં (સૂત્ર : ભાષાની આકાશગંગામાં દરેક શબ્દ તારા સમાન છે), ૨૦૦૪ બાળકોના શિક્ષણમાં યુનેસ્કો (દુનિયાભરનાં બાળકોની વર્ગખંડમાં લખવાની અને તેમાં પારંગત થવાના કૌશલ્યને જાણવા માટેનો અભ્યાસ અને બાળકોની સ્વાધ્યાય પુસ્તિકાનું અજોડ પ્રદર્શન.)
૨૦૦૫ બ્રેઈલ અને સાઈન લેન્ગ્વેજ, ૨૦૦૬ ભાષાઓ અને સાયબરસ્પેસ, ૨૦૦૭ બહુભાષી શિક્ષણ, ૨૦૦૮ બહુવિધ શિક્ષણ, ૨૦૧૦ સાંસ્કૃતિક ભાઈચારા માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ (આ દિવસે રવિવાર હોવાથી શાળા–કોલેજો પછીના બે દિવસ ૨૨–૨૩ ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવશે). આ વર્ષે યુનેસ્કો ખાતે માતૃભાષા નિમિત્તે થનાર વિવિધ સંશોધનોમાં ભારતમાંથી રાજસ્થાન રાજ્યના અધ્યાપક પોતાનું સંશોધન રજૂ કરશે. પહેલાં લોકો પોતાની માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે આંદોલન કરતાં અને ત્યારે સરકાર સામે પડતી. આજે તેનાથી ઊલટું થતું જોવા મળે છે. સરકાર માતૃભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયત્નો કરે છે. સમાજનો સહકાર માંગે છે ત્યારે કેટલાક લોકો તેનાથી દૂર ભાગે છે. સ્વિડન જેવા દેશમાં તો ત્યાંની સરકાર પોતાના દેશમાં વિવિધ પ્રદેશમાંથી આવેલા લોકો તેમ જ નવી પેઢી પોતાની માતૃભાષા શીખે વ્યક્તિને વેયક્તિક વિકાસ માટે તેમ જ સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે માતૃભાષા જરૂરી છે. માતૃભાષાનો ઉપયોગ કરવો, સંરક્ષણ અને સંવર્ધન કરવું, ગૌરવ વધારવું તે દરેક વ્યક્તિનો હક્ક છે, તો અન્યની માતૃભાષાને સન્માન આપવું તે પણ દરેકની ફરજ છે. માતૃભાષા માટે ગૌરવ પોષાય, પણ ઝનૂન ન પોષાય. યુનેસ્કોએ માતૃભાષાદિન ઉજવવા કરેલ નિર્ણય પરથી જ ખ્યાલ આવે છે કે, વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ અનન્ય છે. આમ છતાં આજનો ગાંડોઘેલો આમ આદમી પણ માતૃભાષા કરતાં અન્ય ભાષાને પોતીકી ભાષા કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે બાવાના બેય બગડે છે. દુનિયાને જાણવા અન્ય ભાષાનો ઉપયોગ કરવો જ પડશે, પરંતુ દુનિયાને સમજવા અને સમજાવવા માતૃભાષા જ તમારો સાથ નિભાવશે. અન્ય ભાષા પાંખ બની શકે, પણ આંખ ન જ બની શકે. આ વિધાન સમજીને આચરણમાં મૂકવું વધારે ડહાપણભર્યું છે. માટે તો દરેક દેશ–રાજ્યમાં વિવિધ માતૃભાષા ધરાવતી શાળાઓ સરકાર ઊભી કરે છે. માતૃભાષાનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? માતૃભાષાનું મહત્ત્વ જાણ્યા પછી જો તમારા હૃદયમાં પરિવર્તન આવ્યું હોય તો ૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષાના દિવસે તમારી માતૃભાષા માટે કશુંક કરીને સહેજ ઋણ ઉતારવાનો પ્રયત્ન કરો. અન્ય ગુજરાતી પ્રેમી વ્યક્તિ પોતાના ઘેર રહીને પણ પોતાની આદર્શ ભૂમિકા બજાવી શકે. જેમ કે ગુજરાતી ગીતો સાંભળી અને સંભળાવીને, બાળકને વાર્તા કહો, તમે વાંચેલ કે સાંભળેલ વાર્તા, ગીતો, ભજન વગેરેને ગણગણો. કોઈ બે–ત્રણ કવિ કે લેખકને યાદ કરી તેમનો પરિચય મેળવો. ગુજરાતી સાહિત્યનાં બે પુસ્તકો ખરીદીને વાંચો અને વંચાવો. મિત્રો સાથે ગુજરાતી ભાષાના ગૌરવ વિશે ચર્ચા કરો. આ માટે મિત્રોને પોતાના ઘેર આમંત્રી શકાય, સારા પુસ્તકાલયમાં જઈને ગુજરાતી સાહિત્ય વાંચો, સારા ગુજરાતી સામયિકનું લવાજમ ભરો. આવી અનેક બાબતમાંથી એકાદ બાબત કરીને ગુજરાતી માતૃભાષાનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કોઈ કરશે તો ભયોભયો.
Source : http://sandesh.com/sandesh_article.aspx?newsid=161240
વિરોધ -opposition; hostility, enmity; inconsistency; contrariety; disagreement; quarrel.
આચરણ – conduct, behaviour; character, practice, action, putting into execution.
આવા અન્ય ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ જાણવા અહીં ક્લિક કરો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.