એક પરદેશી ગવલીએ પરદેશમાં જઈને દુધ વેચવાનો ધંધો શરૂ કર્યો. ઘણા વર્ષો સુધી તેનો વેપાર સારી રીતે ચાલ્યો એટલે તેની પાસે પુષ્કળ દ્રવ્ય એકઠું થયું. પરંતુ તેની એક ખાસ ટેવ હતી કે તે રૂપીયા અને સોના મહોરો જ એકઠી કરતો.
નોટોનાં કાગળીયાં તે કદી લેતો નહિ. આ પ્રમાણે તેણે રૂપીયા અને સોનામહોરોથી એક થેલો ભર્યો હતો, અને તેને પોતાના જીવની પેઠે સાચવતો હતો.
ઘરડો થવાથી તે એકઠું કરેલું દ્રવ્ય સાથે લઈ પોતાના દેશમાં જવા નિકલ્યો. તે એક વહાણમાં બેઠો અને પોતાના વતન તરફ સફર કરવા મંડ્યો. પોતાનો થેલો તે પાસે જ રાખતો. હવે આ વહાણના ખલાસીએ એક મોટો વાંદરો પાળ્યો હતો. તે વાંદરાની નજર આમતેમ કુદતાં કુદતાં પરદેશીના થેલા ઉપર પડી. આ થેલામાં કાંઈક ખાવાનું હશે એમ વાંદરાના મનને થયું; અને એક દિવસ ગવલીની નજર ચુકાવી તેણે તે થેલો ઉપાડી લીધો. તે લઈને કુદકો મારી ને તે વહાણની અંદર ઉંચા પાટીઆ ઉપર ચઢી ગયો, અને કાંઈ મિષ્ટાન્ન ખાવાની આશામાંને આશામાં થેલો છોડ્યો; પરંતુ તેને નતો કાંઈ મિષ્ટાન્ન મળ્યું કે ન કાંઈ ફળ મળ્યાં. તેની અંદર તો દાંતની સાથે કુસ્તી કરે એવા સોના અને રૂપાના કકડા હતા.
વાનરજાતિના સ્વભાવ પ્રમાણે આ વાંદરો પણ ચીઢાઈ ગયો અને રામચંદ્રજીના નામ ઉપર સમુદ્રને આહુતિ આપવા તે કોથળી ઉંચકી ફેકી; ફેંકતી વખતે તેણે કોથળીને તળીએથી ઉંચકી એટલે કોથળી ઉંધી વળતાં જ અરધા સિક્કા વહાણમાં જ પડ્યા અને બાકીના સિક્કા સહિત કોથળી સમુદ્રને તળીયે જઈ બેઠી.
ગવલીની કેબીન આ પાટીયાની નીચે જ હતી. જેથી તે તરત જ બહાર આવ્યો અને પોતાના જીવ જેવા વ્હાલા દ્રવ્યની આ સ્થિતિ જોઈને બુમાબુમ કરવા મંડ્યો. વહાણના બધા ઉતારૂઓ ત્યાં ભેગા મળી તેને આશ્વાસન આપવા લાગ્યા. ગવલીએ પોતાના નુકશાન માટે ખેદ કરતાં બધા ઉતારૂઓ સમક્ષ કહ્યું,
“ભાઈઓ ! ખુદાની લાકડીને અવાજ નથી. જેનો મને આજે પ્રત્યક્ષ અનુભવ થયો છે. જેટલું દુધ મેં આજ સુધીમાં વેચ્યું છે તેમાં અરધો અરધ પાણી ભેળવ્યું હતું. એટલે તમે બધા જુઓ છો તેમ દુધના પૈસા મારા બાકી હતા તેજ રહ્યા છે અને પાણીના પૈસા પાણીમાં ગયા“.
Source : kahevatmool (Story No. 92)
ગવલી – ગોવાળિયો. (૨) ઢોર રાખી દહીં, દૂધ, છાસ વેચવાનો ધંધો કરનાર ભરવાડ, રબારી વગેરે
દ્રવ્ય – ભૌતિક હરકોઈ પદાર્થ, ‘મૅટર.’ (૨) મૂર્ત કે અમૂર્ત કોઈપણ પદાર્થ, ‘ઓબ્જેક્ટ’ (કે○હ○). (તર્ક.). (૨) ધન, પૈસો. (૩) સંપત્તિ, માલમિલકત
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.