આ એક સહેલું–સસ્તું–સ્વાદિષ્ટ અને તરત જ ચડી જાય તેવું ભોજન છે. ગરીબોને ગમે તેવું – વૃદ્ધોથી ચાવી શકાય તેવું. મકર સંક્રાન્તિ પર ખીચડીનું દાન કરવું તેનું મોટું પુણ્ય છે. તે દિવસે ઘણાં ખીચડી પણ ખાય છે.
આ ખીચડી પણ કહેવતમાં ઝડપાઈ છે. કહે છે કે ખીચડીના મિત્ર ચાર છે.
ખીચડી કે ચાર યાર. પાપડ–દહીં–ઘી અને અચાર એટલે કે અથાણું.
ભોજપુરી કહેવત પણ છે–બુઢિયા સરાહે ઘીવ ખીચડી. એટલે કે વૃદ્ધને ઘી–ખીચડીનો સ્વાદ લાગી ગયો.
ગુજરાતીમાં ખીચડીને અંગેની કહેવતો છે. કેટલીક જોઈએ.
ખીચડી કહે છે :-
ખીચડી કહે મેં આવન જાવન,
રોટી કહે મેં મજલ કપાવન
ભાત કહે મેરે સરૂલે ખાને,
મેરે ભરૂંસે ગામ નહીં જાના.
બીજો પાઠભેદ
ખીચડી કહે મેં આવન જાવન,
રોટી કહે મેં મજલ કપાવન;
દાલભાતકા પોચા ખાના,
ઉસકે ભરોંસે ગામ મત જાના.
એક આરોગ્યને લગતી કહેવત પણ છે :-
દૂધ પૌંવા ને ખીચડી
વળી ઉપર ખાટું દહીં
તાવે સંદેશો મોકલ્યો
કે ખાટલો ઢાળ્યો છે કે નહિ?
આ ચીજો સાથે ખાવામાં આવે તો આરોગ્યને માટે તે હાનિકારક છે. આયુર્વેદમાં પણ આ ચીજ–વસ્તુઓ સાથે ખાવાની મના છે. આ લોકોક્તિ શુદ્ધ ગ્રામ્ય પ્રદેશની છે અને જ્યારે ઘરગથ્થુ ઔષધનો પ્રચાર હતો ત્યારે આવી કહેવતો સારા પ્રમાણમાં પ્રચલિત હતી.
ખાલપાડા ગામમાં કોઈક બનાવ બની ગયો હશે. ખીચડીને બનાવતાં કે ચડતાં વાર લાગી હશે યા તો મહાજન ચર્ચાએ ચડ્યું હશે અને ખીચડી મોડી રંધાઈ હશે તે ઉપરથી નીચેની કહેવત પડી હોય તેમ લાગે છે :-
ખાલપાડાની ખીચડી મોડી મોડી થાય,
નાના નાના સૂઈ જાય ને મોટા મોટા ખાય.
*
એક ભીખારી એક શાહુકારને બારણે આવ્યો. ભીખ માંગી. તેના મનને આશા હતી કે અહીં ઠીકઠીક માલપાણી મળશે.
પણ શાહુકાર હતો કરકસરવાળો. ‘ખીચડી તો શાહુકારની દીકરી‘ આ કહેવતમાં માનનારો. એટલે તેણે ભીખારીને ખીચડી આપી.
ભીખારીનું મુખ પડી ગયું. ખીચડી ખાઈ ખાઈને તો તેણે દિવસો કાઢ્યાં હતાં. અહીં પણ ખીચડી જ મળી. એટલે તેણે બળાપો કાઢતાં કહ્યું :-
ખીચડી ખાયા
પેટ કૂટાયા,
તેરે રાજ્યમેં સુખ ક્યા પાયા?
એક જોરદાર કહેવત છે – ‘વખાણી ખીચડી દાંતે વળગે.’ ખીચડીના ખાતાં પહેલાં વખાણ કરવામાં આવે તો તે અવશ્ય કાચી રહી જાય અને દાંતે વળગી જાય. કોઈક ચીજવસ્તુના વખાણ કરતી વખતે પણ કહેવામાં આવે છે – ‘બહુ વખાણ નહિ કરો– નહિ તો વખાણી ખીચડી દાંતે વળગી જશે.’ આ એક સચોટ ગુજરાતી કહેવત છે. અને ગ્રામ્ય જગતની પેદાશ છે.
ખીચડીનો ધીરા તાપે ચડવા દેવી જોઈએ. તેને બહુ હલાવવામાં આવે તો તે બગડી પણ જાય છે. આથી જ ખીચડીની સાથે એક કહેવત પડી છે કે –
વણસે ખીચડી હલાવી,
ને વણસે દિકરી મ્હલાવી.
સાસુ વહુનો કજીયો તો રોજ થાય છે. ઘર હોય તો વાસણ ખખડે જ. સાસુ–વહુ ભલે બાજી પડે. પણ તેમની આ લડાઈ – તકરાર કેવી? ખીચડીની સાથે તેની તુલના કરતી એક કહેતી છે :-
સાસુ વહુનો કજીયો કેટલો,
તો ખીચડીમાં ઉભરો આવે એટલો.
કોઈક ચીજ–વસ્તુ સગાંનો ત્યાં કે પછી ભાઈ–ભાણજાંને ત્યાં પહોંચી જાય. વધુ રકમ ત્યાં ખરચાઈ જાય કે અપાઈ જાય કે પછી આવા કોઈ સ્થળે વધુ ખર્ચ થઈ જાય તો કહેવામાં આવે છે–હરકત નહિ–
‘ઘી ઢળ્યું તો ખીચડીમાં‘
ખીચડીમાં ઘી વધારે નંખાઈ જાય તો અફસોસ થતો નથી. ખાવાના ઉપયોગમાં તે લેવાઈ જાય છે. ઘી સાથે ખીચડી વધુ ખવાય છે. સ્વાદ પણ સુંદર લાગે છે. બીજી એક કહેવત છે – ઘી ને ખીચડી એકના એક.
એક કહેવત વધુ જોઈએ –
‘ઘી ખીચડીના બે બોલ‘ અથવા
ઘી ખીચડીના શબ્દ બે.
તમને કોઈ પૂછે – આજે શું ખાધું?’
‘ઘી ખીચડી.’
આમ બે શબ્દમાં જ તમે જે ખાધું હોય તે સ્પષ્ટ રીતે કહી શકો છો. ખરી વાત કરી દેવી હોય ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે.
*
વધુ એક કહેવત જોઈએ. કહેવત છે – ‘મીઠા વાસ્તે ખીચડી બગાડવી.’
આ કહેવત ઉપદેશાત્મક છે. કરકસર કે લોભને નામે કંઈ બચાવવા જઈએ – પરિણામે નુકશાન થઈ જાય છે અને ચીજ વખણાતી નથી– આપણે ખરચેલી રકમ પણ માથે પડે છે. જે પ્રકારે ખીચડી સારી થઈ હોય પણ એમાં મીઠાની જો કરકરસર કરવામાં આવી હોય તો સારી થયેલી ખીચડી આપણને ખાવી ગમતી નથી. મોળી ખીચડીમાં ગમે એટલું ઘી નાખો તો પણ તે સારી લાગતી નથી.
Source : shri bruhad kahveat katha sagar (story no.180)
ખીચડી – ચોખા અને મગની દાળ યા તુવેર દાળના મિશ્રણનો પાક. (૨) (લા.) કોઈ પણ એકથી વધુ વસ્તુઓ, ભાષાઓ વગેરેનું સંમિશ્રણ
ઉપદેશાત્મક – ઉપદેશથી ભરેલું
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.