ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ખૂબ મોટુ પ્રદાન કરેલું છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો પરંતુ તેઓ મૂળ વતની અમરેલી જિલ્લાના બગસરાના હતા.
તેમની માતાનું નામ ધોળીબા અને પિતાનુ નામ કાળીદાસ હતું. ઇ.સ.1912માં તેમને મેટ્રીક પાસ કર્યું. ત્યારબાદ તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો.
તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે કાવ્ય 6 સંગ્રહ, 13 નવલકથા, 7 નવલિકા, 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે. તુલસીનો ક્યારો તેમની શ્રેષ્ઠ નવલકથા કહી શકાય.
1929 માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. 1918 થી 1921 સુધી તેમને કલકત્તામાં એક એલ્યુમિનીયમના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરી. 1922 માં દમયંતી સાથે લગ્ન થયાં.
ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના, વૈવિશાળ, અપરાધી, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતાં પાણી જેવી ઘણી બઘી સાહિત્ય રચનાઓ આપી હતી. તેની વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી શકો છો.
http://jhaverchandmeghani.com/
ઝવેરચંદ મેઘાણીએ ગાધીજી જ્યારે 1931માં ગોળમેજી પરિષદમાં જતાં હતાં ત્યારે તેમને સંબોધીને છેલ્લો કટોરો કાવ્ય લખ્યું હતું. જે નીચે પ્રમાણે છે.
(ગોળમેજી પરિષદમાં જતી વખતે)
છેલ્લો કટોરો ઝેરનો આ : પી જજો, બાપુ!
સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો, બાપુ!
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું.
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ!
કાપે ભલે ગર્દન : રિપુ–મન માપવું, બાપુ!
સુર–અસુરના આ નવયુગી ઉદધિ–વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને?
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે?
હૈયા લગી ગરવા ગરલ ઝટ જાઓ રે, બાપુ!
ઓ સૌમ્ય–રૌદ્ર! કરાલ–કોમલ! જાઓ રે, બાપુ!
કહેશે જગત : જોગી તથા શું જોગ ખૂટ્યાં ?
દરિયા ગયા શોષાઈ શું ઘન–નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ–ચન્દ્રમાંનાં તેજ ખૂટ્યાં ?
દેખી અમારાં દુ:ખ નવ અટકી જજો, બાપુ!
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ!
ચાબૂક, જપ્તી, દંડ, ડંડામારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારનાં,
એ તો બધાંય ઝરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ!
ફ્હૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ!
શું થયું ત્યાંથી ઢીંગલું લાવો ન લાવો!
બોસા દઈશું, ભલે ખાલી હાથ આવો!
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ.
દુનિયા તણે મોંએ જરી જઈ આવજો, બાપુ!
હમદર્દીના સંદેશડા દઈ આવજો, બાપુ!
જગ મારશે મેંણાં : ન આવ્યો આત્મજ્ઞાની!
ના’વ્યો ગુમાની પોલ પોતાની પિછાણી!
જગપ્રેમી જોયો! દાઝ દુનિયાની ન જાણી!
આજાર માનવ–જાત આકુળ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!
જા, બાપ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને.
ઘનધોર વનની વાટને અજવાળતો બાપુ!
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ!
ચાલ્યો જજે! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ!
ધૂર્ત – ધૂતનારું, છેતરનારું, ઠગનારું. (૨) લુચ્ચું. (૩) પું○ ઠગ
રિપુ – શત્રુ, દુશ્મન
ઉદધિ – સાગર, સમુદ્ર
ગરલ – ગિલોડી, ગરોળી
કરાલ – ભયકારક, બિહામણું, વિકરાળ. (૨) ભયજનક ઊંચાઈવાળું. (૩) (લા.) મોટું વિશાળ, પ્રચંડ
બોસા – ચુંબન; બચી.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.