કોઈ પણ ક્ષેત્રનો સર્વોચ્ચ માણસ તીર્થ સમાન છે, પરિવારનો મોભી તીર્થ છે, શાળાનો આચાર્ય તીર્થ છે, ગામડાંનાં સરપંચથી માંડીને મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ તીર્થ છે. જો તીર્થની પવિત્રતા અકબંધ હોય તો તીર્થમાં જવાથી માણસને ઉત્તમ પ્રકારની અનુભૂતિ થાય છે એવી રીતે વિવિધ ક્ષેત્રનાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન માણસની પવિત્રતા અકબંધ હશે તો એના સહવાસમાં આવનાર દરેક માણસને દિવ્ય શાંતિનો અનુભવ થાય છે.
એક શેઠ હરદ્વારની તીર્થયાત્રાએ જતાં હતા, માણસનાં પ્રવાસમાં ધર્મ ભળે તો પ્રવાસ તીર્થયાત્રા બની જાય છે, માનવી સાચા હૃદયથી ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરેથી ધંધા કે નોકરીનાં સ્થળે જાય તો પણ એ પ્રવાસ તીર્થયાત્રા છે અને મનમાં દ્વેષ, ઇર્ષા અને અહંકાર સાથે કાશી, મથુરા કે અયોઘ્યા જાય તો પણ એ માત્ર પ્રવાસ ગણાશે. એ પ્રવાસને તીર્થયાત્રાનો દરજજો મળશે નહીં.
માનવીનાં પ્રવાસમાં ધર્મ ભળે તો પ્રવાસ તીર્થયાત્રા બની જાય, માનવીનાં કાવ્યમાં ધર્મ ભળે તો એ કવિતા ભજન બની જાય, ખોરાકમાં ધર્મ ભળે તો ખોરાક પ્રસાદી બની જાય, મકાનમાં ધર્મ ભળે તો મકાન મંદિર બની જાય તે રીતે માનવીનાં જીવનમાં ધર્મ ભળે તો આત્મા મહાત્મા બની જાય.
શેઠ પોતાના પ્રવાસમાં ધર્મનું મેળવણ નાખીને પ્રવાસને તીર્થયાત્રા બનાવવા માટે હરદ્વાર જતાં હતા. અમદાવાદનાં રેલવે સ્ટેશને ટિકિટ લેવા માટે રૂપિયા બહાર કાઢયા ત્યારે ભૂલ એ કરી કે પોતાની પાસે હતા તે તમામ રૂપિયા બહાર કાઢયા. માનવી પાસે રહેલી સંપત્તિ અને સમજણ બંને જેટલી હોય તેટલી એક સાથે બહાર કાઢવાની જરૂર નથી, પરંતુ બંનેનો જયારે જેટલો ખપ પડે તેટલી જ બહાર કાઢીને એને વિગતે વાપરવી એ સાચી આચારસંહિતા છે.
વાણિયાનો દીકરો આવી ભૂલ કરે નહીં છતાં થઈ ગઈ, મોટી રકમની થેલી બહાર કાઢી અને નાની રકમની ટિકિટ ખરીદી. ટિકિટ લેવાવાળાની લાઇનમાં શેઠની બરાબર પાછળ એક ઠગ ઊભો હતો તે આ થેલીને જોઈ ગયો. આમ તો એ ધૂતારાને મુંબઈ જવું હતું પણ સંપત્તિ જોઈને એણે તાત્કાલિક વિચાર બદલી નાખ્યો, જે રીતે ઘણાં લોકો સંપત્તિને જોઈને પોતાનો માર્ગ બદલી નાખતા હોય છે.
એણે પણ શેઠની સાથે હરદ્વારની ટિકિટ લીધી. શેઠ જે ડબ્બામાં બેઠા એમાં જ ચોર બેઠો. રસ્તામાં શેઠ સાથે પરિચય પણ કરી લીધો. શેઠે સામેથી કહ્યું કે તમે પણ હરદ્વાર જાવ છો અને હું પણ હરદ્વાર જઉ છું. તેથી આપણે એક જ ધર્મશાળાનાં એક જ ઓરડામાં ઊતરીશું જેથી બંને એકલા હોવાથી એકબીજાની કંપની મળી રહે અને ચોર માટે સંપત્તિ લૂંટવાનો માર્ગ સરળ બની ગયો.
બંને હરદ્વાર પહોંચ્યા. એક જ કમરામાં સ્થાન લીધું. શેઠ જેવા સ્નાન કરવા ગયા ત્યાં ધૂતારાએ આખો ઓરડો તપાસ્યો પણ રૂપિયાની થેલી મળી નહીં. એને થયું કે શેઠ થેલીને બાથરૂમમાં સાથે લઈને સ્નાન કરવા ગયા હશે. અંતે રાત પડી. શેઠ ઘસઘસાટ ઊઘી ગયા. ચોર જાગ્યો અને શેઠની પથારી, શેઠનો સામાન અને ફરી આખો ઓરડો બરાબર તપાસ્યો પણ થેલી મળી નહીં.
બીજા દિવસે સવારે શેઠે ચોરને ચા–નાસ્તો લેવા મોકલ્યો ત્યારે ફરી થેલી કાઢી. એમાંથી રૂપિયા આપ્યા, પરંતુ ચોર તપાસ કરે ત્યારે થેલી મળે નહીં. આવો ખેલ ત્રણ દિવસ સુધી ચાલ્યો, ત્રીજા દિવસે તો ચોરની ધીરજ ખૂટી ગઈ. એણે શેઠનાં પગમાં આત્મસમર્પણ કરીને કહ્યું તારો છું. તમારી સંપત્તિ જોઈને છેક અમદાવાદથી તમારો પીછો કર્યો છે, પરંતુ થેલી ચોરવાની મારી તમામ ચાલાકી નિષ્ફળ જવાથી મારી જાતને ઇમાનદારીથી પ્રગટ કરું છું. હવે મારે તમને લૂંટવા નથી કારણ આજથી તમે મારા ગુરુ અને હું તમારો ચેલો છું, પરંતુ તમે રૂપિયાની થેલી કયાં સંતાડતા હતા તે જણાવવાની આપના શિષ્ય ઉપર કપા કરો.
આજના માણસમાં આ ચોર જેટલી પણ માણસાઈ ન હોય એવું બની શકે કારણ અત્યારે કળિયુગ ચાલે છે. ચોર એટલો પ્રામાણિક ખરો કે એણે પોતાના ગુરુ પાસે પોતાના દુર્ગુણને પ્રગટ કર્યો અને ગુરુને લૂંટવા નહીં એવી પ્રતિજ્ઞા પણ કરી. ચોરની વાત સાંભળીને શેઠ મંદમંદ હસ્યા અને કહ્યું કે તને અમદાવાદથી હરદ્વાર સુધી લઈ આવવા માટે જ મેં રૂપિયા ભરેલી થેલી તને બતાવી હતી. જે માણસમાં સંપત્તિ કે સમજણને સંતાડવાની શક્તિ હોય એને જ એ દેખાડવાનો સાચો અધિકાર છે. હું રૂપિયાની થેલી તારા ઓશીકા નીચે સંતાડતો હતો, કારણ મને વિશ્વાસ હતો કે તું આખો ઓરડો જોઈશ પણ ખુદનાં ઓશીકા નીચે જોવાનો નથી.
જે રીતે આખી દુનિયાની આંખોમાં પડેલી કાંકરીને આપણી આંખ જોઈ શકે છે, પણ આપણી ખુદની આંખમાં કાંકરી પડે તો આપણે જોઈ શકતા નથી તેવી જ રીતે માનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યા છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી. જે રીતે વાદળો પાછળ ઢંકાઈ ગયેલા સૂર્યને આપણે જોઈ શકતા નથી, પરંતુ પવન આવે અને વાદળો દૂર થાય કે તુરત જ પ્રકાશ પૂંજ પ્રગટે છે.
તેવી જ રીતે જીવનમાં જ્ઞાનનો સૂર્ય અજ્ઞાનનાં વાદળો પાછળ ઢંકાઈ ગયો હોય છે. કોઈ પ્રજ્ઞાવાન પુરુષનાં માર્ગદર્શનનો પવન અજ્ઞાનનાં વાદળોને હટાવશે તો તરત જ જ્ઞાનનો પ્રકાશ પ્રગટશે એમાં શંકા નથી, પરંતુ જ્ઞાનની જ્યોત જલાવી શકે તેવો પ્રજ્ઞાવાન પુરુષ કેવો હોવો જોઈએ? તો એનો જવાબ છે કે જે પુરુષનો પાવરફુલ પ્રભાવ હોય, પુઅર સ્વભાવ હોય અને પ્યોર ભાવ હોય તે જરૂર સાચો પથદર્શક બની શકે.
પાવરફુલ પ્રભાવ એટલે જે પ્રભાવશાળી હોય. ત્યાર બાદ પુઅર સ્વભાવ એટલે સ્વભાવથી જે ગરીબ હોય. અહીં ગરીબનો અર્થ આર્થિક રીતે પછાત એવો કરવાનો નથી, પરંતુ જેનાં સ્વભાવમાં મીરાં અને નરસિંહનાં સ્વભાવ જેવી ગરીબી હોય અથવા એમ પણ કહેવાય કે ગંગાસતીએ ભજનોમાં જે ગરીબીની વાત કરી છે એવી ગરીબી જેના સ્વભાવમાં હોય તે સાચો ગરીબ છે, ગંગાસતીએ લખ્યું છે કે ભકિત રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ, એણે મેલવું અંતરનું અભિમાન, અભિમાનને છોડીને પ્રાપ્ત થઈ શકે એવી ભકિતની ગરીબી જેનામાં હોય તેનું નામ પુઅર સ્વભાવ છે.
પ્રજ્ઞાવાન પુરુષનું ત્રીજું લક્ષણ એનો પ્યોર ભાવ છે. ભાવનો અર્થ અહીં કિંમત બદલે મૂલ્ય કરવાનો છે અને એ પણ કોઈ ચીજનાં બજારું મૂલ્યની વાત નથી પણ જીવનનાં મૂલ્યોની વાત છે. મૂલ્યનિષ્ઠ જીવનમાં જેનો ભાવ શુદ્ધ છે, અણીશુદ્ધ છે તેવાં માણસની વાત છે.
જે પુરુષનું વ્યકિતત્વ પ્રભાવશાળી હશે, જેનાં સ્વભાવમાં અહંકાર શૂન્ય ભકિતપ્રધાન ગરીબી હશે અને જેની ભાવના શુદ્ધ હશે તે તૃપ્ત હશે અને વિવેકી પણ હશે. એક શિયાળે સિંહને ગુરુ બનાવ્યો, કોઈ કે કહ્યું કે તને સિંહની બીક લાગતી નથી? ત્યારે શિયાળે કહ્યું કે મેં એમને બરાબર ઓળખીને ગુરુ બનાવ્યા છે. મારો ગુરુ તૃપ્ત છે.જો તૃપ્ત ન હોત તો આટલા વરસથી સાથે રહું છું એ મને જરૂર આરોગી ગયા હોત. માટે જે ખુદ ભૂખ્યો હોય તે બીજાને તૃપ્તીનો અહેસાસ કરાવી શકતો નથી. તેથી મેં પ્રજ્ઞાવાન પુરુષનાં ત્રણ લક્ષણો કહ્યાં છે તેવા કોઈ પુરુષનાં માર્ગદર્શનનો પવન માનવજીવનમાં અજ્ઞાનનાં વાદળો હટાવે તો જરૂર જ્ઞાનનો પ્રકાશ પ્રગટશે એવી મારી સાત્વિક શ્રદ્ધા છે.
Source : www.divyabhaskar.co.in/article/mandarshan-moraribapu-883686.html
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં