નામ : અજય પાઠક
જન્મ : તા. ૨૬ – ૦૭ –૧૯૪૩,
જન્મ સ્થળ : ભાવનગર
અભ્યાસ : એમ. એ. (૧૯૬૭), વિષયો : ગુજરાતી (મુખ્ય), અંગ્રેજી (ગૌણ)
નોકરી : શિક્ષક (ઈ.સ. ૧૯૬૫થી ઈ.સ. ૧૯૬૯), બૅન્કર (ઈ.સ. ૧૯૬૯થી ઈ.સ. ૨૦૦૧)
(સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્ર જે હવે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ભળી ગઈ છે.)
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ચૂંટાયેલા સભ્ય તરીકે કાર્યરત છે.
શોખ : વાચન, લેખન, વકતૃત્વ.
લેખન : ગ્રન્થ, વિશ્વમાનવ, બુદ્ધિપ્રકાશ, નિરીક્ષક, પરબ, શબ્દસૃષ્ટિમાં પુસ્તક સમીક્ષા પ્રકારના લેખો લખે છે.
છેલ્લા ૧૦ વર્ષથી અસ્મિતાપર્વ, સંસ્કૃત પર્વ, સદ્ભાવના પર્વ, કેળવણી પર્વ, ગુજરાતી સાહિત્ય
પરિષદના અધિવેશનો, જ્ઞાનસત્રોના અહેવાલો મુખ્યત્વે પરબ, નિરીક્ષક, સદ્ભાવના કે શબ્દસૃષ્ટિના માધ્યમથી તૈયાર કરે છે.
પ્રવૃત્તિ : બુધસભા – શિશુવિહારનું સંચાલન ૧૦ વર્ષ સુધી કરેલ છે. શૈશવ સંસ્થામાં પ્રસંગોપાત વિચાર- વિમર્શ અર્થે સામેલ થાય છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
જય જય ગરવી ગુજરાત…જય જય ગરવી ગુજરાત
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
હંકારી જા…..કવિ શ્રી સુન્દરમ્
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ટૂંકી વાર્તા – મુકુન્દરાય (રામનારાયણ વિશ્વનાથ પાઠક)
નવલકથા – માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ)
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે……’ એ નરસિંહ વાણીમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો પરિચય એક સાથે મળે છે. એ વાણીનું વ્યક્તિ રૂપે અવતરણ થયું ગાંધીજીમાં. ‘મારું જીવન એ જ મારી વાણી’ વાણી અને જીવનનું ઐક્ય સાધનાર ગાંધીજી ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિનો પરિચય આપે છે.
કવિ કાન્ત તેમના સહજ રચાયેલા કાવ્ય ‘હિન્દમાતાને સંબોધન’માં “ઓ હિન્દ ! દેવભૂમિ સંતાન સૌ તમારાં, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારાં.. ” એમ શરૂઆત કરીને સૌ ભારતવાસીઓના નામ લે છે અને એ દ્વારા સર્વ ધર્મ સમભાવ વ્યક્ત કરે છે. નરસિંહ પછી ગુજરાતી ભાષામાં ગુજરાતનો સંસ્કૃતિભાવ પ્રગટ કરવાનું આ ગુજરાતી કવિતાનું બીજું શિખર છે.
આ ક્રમમાં ત્રીજું શિખર છે કવિ શ્રી ઉમાશંકર જોષી રચિત ‘વિશ્વશાંતિ’ ખંડકાવ્ય. ૨૦-૨૨ વર્ષનો યુવાન કવિ પોતાનું પ્રથમ કાવ્ય સર્જન કરે છે ત્યારે તેનો વિષય રહે છે – વિશ્વશાંતિ. આ ત્રણ કાવ્ય શિખરોમાં ગુજરાતી ભાષા અને ગુજરાતની સંસ્કૃતિનો સાચો પરિચય પ્રાપ્ત થાય છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
ચલચિત્ર : કંકુ
કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
નાટક : વેવિશાળ (રૂપાંતરિત)
ગુજરાતી કવિઓ, સંગીતકારો વગેરેનાં ઇન્ટર્વ્યૂ રજૂ કરનાર કુ. ઐશ્વર્યા મજમુદારનો કાર્યક્રમ.
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
કવિ : કવિ શ્રી ઉમાશંકર જોશી તથા સુન્દરમ્ અને કાન્ત, વિદ્યમાન કવિઓમાં હરિકૃષ્ણ પાઠક તથા માધવ રામાનુજ
લેખક : ગાંધીજી, કાકા કાલેલકર
નાટ્યકાર : રમણભાઈ નીલકંઠ, વિદ્યમાન સર્જકોમાં સતીશ વ્યાસ
નવલકથાકાર : ગો. મા. ત્રિપાઠી, પન્નાલાલ પટેલ; વિદ્યમાનમાં રઘુવીર ચૌધરી
વિવેચક : રામનારાયણ વિશ્વનાથ પાઠક; વિદ્યમાનમાં રઘુવીર ચૌધરી
ચરિત્ર લેખક : મુકુન્દ પારાશર્ય, વિદ્યમાનમાં રઘુવીર ચૌધરી
ટૂંકી વાર્તા : ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, રા.વિ.પાઠક, વિદ્યમાનમાં સુમંત રાવલ, ગોરધન ભેસાણિયા
પત્રસાહિત્ય : કલાપી, કાન્ત
બાળસાહિત્ય : કરસનદાસ લુહાર
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
કવિશ્રી ‘કાન્ત’નો કાવ્યસંગ્રહ ‘પૂર્વાલાપ’
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
ન બોલ્યામાં નવ ગુણ… બોલે તેનાં બોર વેચાય.
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
વાચન, મનન તથા પત્રલેખન દ્વારા આપણો ભાષાપ્રેમ વ્યક્ત કરી શકીએ.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
– શિક્ષિત લોકોમાં ગ્રુપ મીટિંગ યોજીને સંવાદ – કાર્યક્રમો કરવા.
– અભણ લોકોમાં જઈને વાર્તાકથન દ્વારા રસ નિષ્પન્ન કરવો.
– શેરી નાટકોના પ્રયોગો તમામ જગ્યાએ કરી શકાય.
– ગામડાંઓમાં જઈને (સ્વખર્ચે) માતૃભાષા શિક્ષણ અભિયાન – એક વર્ષ.
– અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં જઈને હળવા કાર્યક્રમો યોજી શકાય.
– ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં જઈને એક પુસ્તકને માધ્યમ બનાવી સર્વગ્રાહી ચર્ચા – વિચારણા – સંવાદ – વિસંવાદ વગેરે યોજી શકાય.
– નિવૃત્ત એવા ભાષાપ્રેમી સજ્જનોનો સહયોગ લઈ શકાય. .
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
કવિ શ્રી દલપતરામ તથા કવિ શ્રી પ્રેમાનંદ
સંસ્થા : મિલાપ (ભાવનગર)
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
પુસ્તક જેવો કોઈ મૂલ્યવાન મિત્ર નથી.
લાગણી, વિચારને મિત્રો પાસે રજૂ કરવાનું ઉત્તમ માધ્યમ પત્રલેખન છે.
ભલા બનો, ભલું કરો.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
ટીનેજ અવસ્થામાં કાવ્યાસ્વાદ કરાવવાના પ્રસંગો બનતા હતા. તે પૈકી એક પ્રસંગે બે-ત્રણ સહાધ્યાયી મિત્રો સાથે એક સમવયસ્ક વિદ્યાર્થિની પણ હતી. સ્વાભાવિક રીતે ભાવપૂર્ણ કાવ્યાસ્વાદ કરાવ્યો. સૌ મિત્રો પ્રસન્ન થયા. ‘આવજો’ કહેવાની વેળાએ વિદ્યાર્થિનીએ ગુજરાતી ભાષાના વિકલ્પે વિશ્વવ્યાપ્ત ભાવભાષા પસંદ કરીને એક અપૂર્વ સંવેદન સંદેશ આપ્યો, જાણે કાવ્યવિશ્વમાંથી તે મારા અંગત ભાવવિશ્વમાં પ્રવેશી ગઈ ! અંગતજીવનની આ યાદગાર ઘટના.
અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
હું ટેક્નોલૉજીના મુદ્દે અભણ છું આમ છતાં, GUJARATILEXICON RESOURCES મારી પસંદગીનો વિભાગ બની શકે. ભગવદ્ગોમંડલ અંગે કામ ખૂબ જ પ્રશસ્ય ગણાય.
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ટેકનોલૉજીની દુનિયામાં ગુજરાતી ભાષાનો પર્યાય GL
જોડણી, શબ્દાર્થ, સમાનાર્થ, વિરુદ્ધાર્થી, કહેવત કે રૂઢિપ્રયોગ… બધી વાતે એક જવાબ – GL
શ્રી અજય પાઠક
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં