શ્રી જિજ્ઞેશભાઈ (જન્મઃ ૧૯ – ૦૧ – ૧૯૮૦ )વ્યવસાયે મરીન જીઓટેકનિકલ એન્જિનિયર છે. પીપાવાવ શિપયાર્ડમાં મરીન કન્સ્ટ્રક્શન અને ડ્રેજિંગ વિભાગમાં સીનિયર મેનેજર તરીકેની ફરજ બજાવે છે. નોકરી સિવાયના સમયમાં અક્ષરનાદ.કોમનું સંચાલન કરે છે. છેલ્લાંલગભગ નવેક મહિનાથી રીડગુજરાતી.કોમનું પણ સંચાલન કરે છે, સાહિત્ય વાંચનનો ખૂબ…જ શોખ ઉપરાંત અક્ષરનાદ તથા રીડગુજરાતી પર સાહિત્ય વહેંચવું અને ગુજરાતી વેબસાઇટ બનાવવી એ એક આગવો શોખ છે. મોજમાં હોય ત્યારે ગીતો ગાય છે, ગીરમાં રખડે છે, દરિયામાં તો લગભગ રોજ હોય જ છે. ટેક્નોલૉજી અને પ્રવાસવર્ણનોને લગતા લેખો લખે છે, એક શૉર્ટ ફિલ્મમાં ગાંધીનું પાત્ર કર્યું છે અને સમય મળે હજી અનેક ક્ષેત્રોમાં ઘણું કામ કરવાની તેમની અદમ્ય અભિલાષાઓ છે. પોતાના સાહિત્ય સંપાદન અને લેખનને ભાષાના સમુદ્રમાં એક ટીપું ઉમેરવાના પ્રયત્ન જેવું ગણે છે.
તેમનાં ભાષા તથા સાહિત્યકર્મોને જોતાં જણાય છે કે તેઓ ઉત્તમ ગુજરાતી સાહિત્યપ્રેમી તથા ભાષાપ્રેમી છે. ટેક્નોલૉજીના માધ્યમથી વિવિધ વેબસાઇટ – બ્લોગ દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર – પ્રસારના કાર્યમાં સેવારત છે. (તેમના દ્વારા સંપાદિત થતા લેખોનો સ્રોતઃ aksharnaad.com, readgujarati.com)
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે ગુજરાતીલેક્સિકનને તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો માણીએ…
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
માતૃભાષા ગુજરાતી એ મારા અને મારા જેવા અનેક ગુજરાતીઓનું પોતાની સાથેના સંવાદનું, સમજનું, વિચાર અને જીવનને વધુ ઊંડાણમાં સમજવા માટેનું માધ્યમ છે. એ હોઠથી નહીં દિલથી બોલાતી ભાષા છે, એ ઔપચારિકતા નિભાવવા માટે નહીં, હૃદયની વાતો વહેતી મૂકવાનું માધ્યમ છે.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
અનેક ગીતો ગમે છે, શ્રી ધ્રુવભાઈ ભટ્ટનું ‘ઓચિંતું કોઈ મને રસ્તે મળે…’, મેઘાણીજીનું ‘ચારણકન્યા’ કે સુરેશ દલાલનું ‘શ્યામ તને હું સાચે કહું છું..’ કે બરકત વિરાણી ‘બેફામ’નું ‘થાય સરખામણી તો ઊતરતા છીએ…’ – આ ગીતો લગભગ કાયમ ગણગણતો હોઉં છું.
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
અનેક વાર્તાઓ અને નવલકથાઓ ગમે છે, ટૂંકી વાર્તાઓમાં ‘લોહીની સગાઈ’, ‘અપરમાં’ અને ‘જુમો ભિસ્તી’ મુખ્ય છે, તો નવલકથાઓમાં ‘જોગ સંજોગ’, ‘જય સોમનાથ’, ‘અકૂપાર’, ‘કટિબંધ’ અને ‘લાઈટહાઉસ’ સમાવિષ્ટ છે.
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
ભાષા એ સંસ્કૃતિની ઓળખ છે, સંસ્કૃતિને વિકસવા અને ટકી રહેવાનો આધારસ્તંભ છે ભાષા, ભાષા બદલાય કે લુપ્ત થઈ રહી હોય ત્યારે સંસ્કૃતિનું ટકવું પણ લગભગ અસંભવ બની જાય છે.
આપને ગમેલું ગુજરાતી ભાષાનું કોઈ ચલચિત્ર ? જેમનો અભિનય ગમ્યો હોય તેવા અભિનેતા ?
ખૂબ જૂજ ફિલ્મો ગમી, પહેલાંની ‘જિગર અને અમી’ અને હાલની ‘બેટરહાફ’ ગમે તેવી છે.
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
નાટકો ખૂબ ઓછાં જોયાં છે, ‘હું ચંદ્રકાંત બક્ષી’, ‘એક છોકરી સાવ અનોખી’ અને ‘બા રિટાયર થાય છે’ ગમ્યાં હતાં.
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
ઝવેરચંદ મેઘાણી, બરકત વિરાણી ‘બેફામ’, અમૃત ઘાયલ, રઈશ મણિયાર, ધૂમકેતુ, ધ્રુવ ભટ્ટ, ગુણવંતરાય આચાર્ય, અશ્વિની ભટ્ટ, ભાણદેવ, ચંદ્રકાંત બક્ષી અને હરકિશન મહેતાનાં ઘણાં સર્જનો માણ્યાં છે.
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
‘અડધી સદીની વાચનયાત્રા’.
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
એવી કોઈ વિશેષ કહેવત કે રૂઢિપ્રયોગ યાદ નથી.
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
માતૃભાષામાં વાંચન વધારીએ, ગમતાં પુસ્તકો વહેંચીએ અને અન્ય ભાષાઓ આપણી માતૃભાષાની સરખામણીએ ચડતી કે વધુ ઉપયોગી હોવાના વહેમને ફગાવીએ.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
માતૃભાષામાં વાંચન વધારવું, ભંડોળ સમૃદ્ધ કરતા રહેવું અને ભાષા માટેની નકારાત્મક માન્યતાઓથી દૂર રહેવું.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
મને શ્રી વિશાલ મોણપરા, સ્વ. મૃગેશ શાહ અને સ્વ. શ્રી રતિલાલ ચંદરયાનાં નામ તરત જ યાદ આવે, ગુજરાતીને આ લોકોએ આગવી રીતે ઓનલાઇન વધાવી અને ઓળખ આપી.
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
ક્યાંક વાંચેલી કડી અસ્પષ્ટ યાદ આવે કે, ‘તમારી ભાષા તમારા બ્લડગ્રૂપ જેવી છે.’
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
૨૦૦૫માં મારી બે કવિતાઓ સ્વ. મૃગેશભાઈએ રીડગુજરાતી પર મૂકી હતી અને એ પ્રસંગે જ પરોક્ષ રીતે અક્ષરનાદ શરૂ કરવાની પ્રેરણા આપી, મારા માટે અક્ષરનાદનું શરૂ થવું અને આટલાં વર્ષો ચાલતાં રહેવું યાદગાર અને વધુ તો ચમત્કારરૂપ ઘટના છે.
અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
GL અદ્રુત અને અત્યંત ઉપયોગી ખજાનો છે, હું મુખ્યત્વે અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ (ડિક્ષનરી) વાપરું છું, જો કે GL ના જૂના ફૉર્મેટમાં ડિક્ષનરી વાપરવી અત્યાર કરતાં વધુ સરળ હતી એમ મને લાગે છે. ઉપરાંત ઍન્ડ્રોઇડમાં મને GL તરફથી મળેલ પૉપ-અપ ડિક્ષનરી ખૂબ ઉપયોગી છે.
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
GLનો પરિચય આપવો હોય તો હું એને આપણી ભાષાનું ઓનલાઇન ગૂગલ કહીશ, ગુજરાતીલેક્સિકન રતિકાકાના સમયથી આગળના વિચારોનો અનેરો પડઘો છે, અને આવનારા સમયમાં એ વિચાર લગભગ દરેક ગુજરાતીને સ્પર્શવાનો છે. .
શ્રી જિજ્ઞેશ અધ્યારુ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.