ધવન પ્રવિણચંદ્ર મેવાડા પ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા છે. સદા હસમુખ તથા પ્રસન્નચિત્ત ચહેરો, મળતાવડો સ્વભાવ તેમના વ્યક્તિત્વની ખાસ વિશેષતાઓ છે. સખત મહેનત એ સફળતાની સૌથી મોટી ચાવી છે – તેવું દૃઢપણે માનનારા તેઓ પોતાના ક્ષેત્રમાં આગળ વધવા રાતદિવસ પુષ્કળ પુરુષાર્થ કરતાં રહે છે. નૃત્યકલા તેમનું જોશ અને ઝનૂન છે. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે તેમણે સ્વબળે પોતાની પ્રતિભા વિકસાવેલ છે. પોતાનામાં રહેલ કાર્યકુશળતા, સખત મહેનત કરવાની ઘગશ જ તેમને સફળતાનાં શિખરો સર કરાવશે – તેવો પ્રબળ આત્મવિશ્વાસ ધરાવે છે. પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ સભાન અને વફાદાર છે. આગામી વર્ષોમાં બહુમુખી પ્રતિભાશાળી કલાકાર તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાની તેમની તમન્ના છે.
તેમણે ૨૮ જેટલી ગુજરાતી ફિલ્મો કરેલ છે. ૮ ગુજરાતી શ્રેણીઓમાં સુંદર અભિનય આપ્યો છે. ૯૫ ગુજરાતી લોકસંગીત તથા ગરબાના કાર્યક્રમમાં ભૂમિકા ભજવેલ છે. ૧૨ ગુજરાતી સીડી ફિલ્મ અને ૧ ગુજરાતી શૉર્ટ ફિલ્મ કરે છે, જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થયેલી. માતૃભાષા ગુજરાતી પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવે છે. ગુજરાતી ભાષા સાથે પોતાનો અતૂટ, અમાપ અને લાગણીસભર નાતો હોવાનું સહર્ષ સ્વીકારે છે. ગુજરાતી સાહિત્યનો પણ આસ્વાદ માણે છે. તેમના વિશેની વિશેષ માહિતી તેમની વેબસાઇટ http://www.dhawanmewada.com/ પરથી મળી રહેશે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
મે ક્યાંક વાંચ્યું હતું અને મને વાક્ય ગમ્યું હતું કે… વ્યક્તિ જે ભાષામાં સપનાં જુએ એ એની માતૃભાષા. આપણા ગુજરાતી લોકો જ્યાં પણ ગયા ત્યાં આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ જળવાઈ રહી તેની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે તેઓ પોતાની ભાષા ન ભૂલ્યા. તેના જ પ્રતાપે આપણે જોયું કે અમેરિકાના પ્રેસિડેન્ટે પણ બોલવું પડ્યું …” કેમ છો ? ” માતૃભાષા એ મા છે, બીજી પ્રાદેશિક ભાષા એ માસી છે જ્યારે આપણે અંગ્રેજી પ્રત્યે ઘેલા છીએ તે મામી છે. હું મારી મામી માટે મારી મા ને તો ના જ છોડું.
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
નસીબની બલિહારી ફિલ્મનું ગૌરાંગ વ્યાસે સંગીતબદ્ધ કરેલું, ” સાંવરિયો રે મારો સાંવરિયો રે…” અને મંગળફેરા ફિલ્મનું અવિનાશ વ્યાસે લખેલું અને સંગીતબદ્ધ કરેલું, “ રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે…..”
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
આમ તો બહુ છે, પણ હમણાં શરદ ઠાકરની ” મને વરસાદ ભીંજવે……” વાંચી, જે સરસ છે અને અશ્વિની ભટ્ટની હાસ્યસભર ‘કમઠાણ’.
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
આપણી ભાષા એ જ આપણી સંસ્કૃતિ , જો ભાષા જળવાશે તો સંસ્કૃતિ જળવાશે અને સંસ્કૃતિ જળવાશે તો ભાષા જળવાશે. આમ, ભાષા અને સંસ્કૃતિ એ એક બીજાના પર્યાય છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
“ભવની ભવાઈ”, કે. કે. સાહેબની “વિસામો”
ફિલ્મી કલાકારો – રણજીત રાજ, ઉપેન્દ્ર ત્રિવેદી, રાગિણી શાહ, અરવિંદ રાઠોડ
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
બા એ મારી બાઉન્ડ્રી
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
ઝવેરચંદ મેઘાણી, શરદ ઠાકર, કાજલ ઓઝા
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
સૌરાષ્ટ્રની રસધાર
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
ન બોલવામાં નવ ગુણ
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
વ્યવહારો અને રોજીંદી વાતચીતમાં આપણી ભાષા આપણે ઓછી વાપરવા લાગ્યા છીએ, આપણે આપણી ભાષાનો બને તેટલો વધારે ઉપયોગ કરીએ અને ગુજરાતી બોલવામાં શરમ ના અનુભવીએ….બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા પણ તેને ગુજરાતી ભાષાનું જ્ઞાન પણ મળવું જ જોઈએ.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
ગુજરાતીમાં બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજી જે ભાષાઓ છે તે આપણા માટે ચશ્માં છે, જ્યારે ગુજરાતી ભાષા એ આંખો છે, ચશ્માં વગર ચાલે પણ આંખો વગર ના ચાલે.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
ગાંધીજી, નવજીવન પ્રેસ અને નરેન્દ્ર મોદીજીએ ચલાવેલું અભિયાન ‘વાંચે ગુજરાત…’
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
અધીરો છે ઈશ્વર તમને બધું આપવા માટે પણ તમે ચમચી લઈને ઊભા છો દરિયો માંગવા માટે..
તમે કોઈ અદ્ભુત કાર્ય કરો અને કોઈ એની નોંધ ના લે તો નિરાશ ના થતા, દરરોજ સવારે સૂર્યોદય થાય છે ત્યારે મોટાભાગનાં લોકો સૂતા હોય છે.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
કાંકરિયામાં અમારી એક ફિલ્મ ‘નમો મહાવીર’ના ગીતનું શુટીંગ કરી રહ્યા હતા ત્યારે થોડા વિદેશી પર્યટકો ત્યાં આવ્યા. તે લોકો માટે શુટિંગ જોવું તે નવાઈની વાત ન હતી પણ તે લોકો તો ત્યાં વાગી રહેલું અમારું ગુજરાતી ગીત માણવા માટે આવ્યા હતા અને ત્યારબાદ અમે તે લોકોને તે ગીતનો અર્થ સમજાવ્યો. તે લોકોએ પણ પોતે તે ગીત ગાવાનો પ્રયત્ન કર્યો. તે અનુભવ ખૂબ જ મજાનો હતો. ત્યારે ભાષાનો પ્રભાવ અને શબ્દો તથા સંગીતની તાકાતની ખબર પડી..
અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
Saras-spellchecker
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજીએ ‘ભગવદ્ગોમંડલ’ જેવા અદ્વિતીય જ્ઞાનકોશની ગુજરાતી પ્રજાને ભેટ તો ધરી, પરંતુ તે જ્ઞાનને સમયસર રીતે નવી ટેકનોલૉજીની મદદથી લોકભોગ્ય બનાવી અને દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા ગુજરાતી સુધી તે પહોંચાડવાનું ભગીરથ કાર્ય ગુજરાતીલેક્સિકને કર્યું છે. તે ઉપરાંત ડિજીટલ શબ્દકોશ બનાવી તેને ભાષાપ્રેમીઓ સુધી પહોંચાડીને સૌથી ઉપયોગી કાર્ય કર્યું છે, જેના માટે ગુજરાતી ભાષા સદાય તમારી ઋણી રહેશે.
શ્રી ધવન મેવાડા
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ