જાણીતા ચિંતક શ્રી ગુણવંતભાઈ શાહ જેને ‘તેજસ્વી અને ઓજસ્વી શિક્ષણકાર’ કહીને સન્માને છે તે પ્રા. ડૉ. ભદ્રાયુ વછરાજાની, બૅંક ઑફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યા…. બૅંક છોડી પ્રાથમિક શિક્ષક થઈને છત્રીસ વર્ષની સફર બાદ તેઓ ઉચ્ચ શિક્ષણના ટોચના સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ છે. કે.જી. થી પી.જી. સુધીની ડૉ. ભદ્રાયુ વછરાજાનીની આ શિક્ષણ સફર બહુ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે. હાલ તેઓ અદાણી ફાઉન્ડેશન, અમદાવાદ ખાતે ડાયરેકટર – એજયુકેશન તરીકે રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરી રહેલ છે.
ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ Ph.D.ના માર્ગદર્શક છે. બાર સ્કૉલર્સ તેમના માર્ગદર્શન હેઠળ ડૉક્ટરેટ કરી ચૂક્યા છે, જેમાં વિદેશના સ્કૉલર્સ પણ છે. ડૉ. ભદ્રાયુ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી.ની ઇન્ટર યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટના પ્રૉફેસર અને ડાયરેક્ટર રહ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુએ વિક્રમજનક પરીક્ષાલક્ષી સુધારા કરેલ, જેની સમગ્ર દેશે નોંધ લીધી હતી.
ડૉ. ભદ્રાયુ વછરાજાની ઉત્તમ વક્તા છે અને પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનાર લેખક છે. તેમના વીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમનુ પુસ્તક: ‘હૈયું-મસ્તક-હાથ’ (૨૦૧૦) અને માનવ વર્તનના ઘડવૈયાઓ વિષેનું તેમનું પુસ્તક : ‘નાની પાટીમાં શિલાલેખ’ (૨૦૧૨) બેસ્ટ સેલર પુસ્તક છે. તેઓને પૂજ્ય મોટા રિચર્સ પેપર ઍવોર્ડ એનાયત થયેલ છે. તેઓ ગુજરાતી દિવ્યભાસ્કર અને ફૂલછાબ વર્તમાનપત્રોના ખ્યાતનામ કટાર લેખક છે. પુષ્કળ વાંચવું, અમાપ વિહરવું અને ભરપૂર જીવવું એ ભદ્રાયુ વછરાજાનીના નિજાનંદો છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
મારી મા જે સૌ પ્રથમ બોલી તે…માતૃભાષા
મારા કાને મારી માતાનો સંભળાયેલો પહેલો ટહુકો…તે માતૃભાષા
કશા જ આયાસ વિના મારાથી બોલાય જાય તે મારી માતૃભાષા
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
એવાં ફરી આ બાગમાં ફૂલો ઉગાડીએ જેના થકી ખુદ આપણી શોભા વધારીએ…. – મેઘબિંદુ
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ટૂંકી વાર્તા – પોસ્ટઑફિસ (ધૂમકેતુ)
ટૂંકી વાર્તા – બદલી (મણિલાલ હ. પટેલ)
નવલકથા – પ્રિયજન (વિનેશ અંતાણી)
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
ભાષા સંસ્કૃતિની દ્યોતક છે, તેથી ભાષા અને સંસ્કૃતિને અલગ તો કેમ કલ્પી શકાય? એક સિક્કાની બે બાજુઓ છે, આ બન્ને. બોલાયેલી કે ન બોલાયેલી ભાષા અંતે તો જે તે દેશની-સમાજની સંસ્કૃતિની જ અભિવ્યક્તિ છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
વર્ષો પહેલાં નિહાળેલી ફિલ્મ : કંકુ
કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, દર્શન ઝરીવાલા
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
‘આતમને ઓઝલમાં રાખ મા….’, ‘અમે બરફના પંખી’
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
હરીન્દ્ર દવે – કવિ
ગુણવંત શાહ – લેખક
વિનેશ અંતાણી – નવલકથાકાર
વાર્તા – મણિલાલ હ. પટેલ
વિશિષ્ટ સ્વરૂપો – દિનકર જોશી
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
‘માધવ ક્યાંય નથી…’ હરીન્દ્ર દવે
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
‘આજ આજ ભાઈ અત્યારે….’, ‘કૂવામાં હોય તો હવાડામાં આવે.’
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
આ સાબિત કરવાની વાત નથી, અનુભવવાની + માણવાની + પામવાની ઘટના છે.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
(1) પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં ફરજિયાત કરવું જોઈએ.
(2) અંગ્રેજી/અન્ય માધ્યમની શાળાઓમાં પણ ધોરણ – 10 સુધી માતૃભાષા એક ભાષા તરીકે ફરજીયાત ભણાવવી જોઈએ.
(3) માતૃભાષા માધ્યમ તરીકે હોય અને અંગ્રેજી એક ભાષા તરીકે ઉત્તમ ભણવાતું હોય તેવી કૉન્વેન્ટ શિસ્તવાળી શાળાઓ શરૂ કરવી જોઈએ.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
હરિભાઈ કોઠારી અને તેમની સંસ્થા (નામ બરાબર સ્મરણમાં નથી)
ગુણવંત શાહ અને તેઓની માતૃભાષા વંદના યાત્રા (30.1.2010 થી 06.02.2010)
માતૃભાષા અભિયાન – રાજેન્દ્ર પટેલ અને સાથીઓ
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો
થઈ શકે તેમાં ‘ના’ નહીં પાડું.
ન થઈ શકે તેમાં ‘હા’ નહીં પાડું.
‘હા’ પાડીશ તેમાં પૂર્ણત્વ માટે મથ્યા કરીશ.
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
‘માતૃભાષા વંદના યાત્રા : 2010’, આગેવાની – ગુણવંત શાહ; સમગ્ર વ્યવસ્થાપન મારા દ્વારા !!
અમારી ગુજરાતીલેક્સિકન વેબસાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે ?
સમાચારો… ભગવદ્ગોમંડળમાં ખુલતો દરવાજો…
માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં (GL) નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?
ઇન્ટરનેટના માધ્યમે અંગ્રેજી સિવાય પણ સવારી કરી શકાય તેની સિદ્ધિ પ્રાપ્ત ઓળખ એટલે GL.
શ્રી ભદ્રાયુ વછરાજાની
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.