જન્મઃ ૧૯-૧૨-૧૯૪૩, અમદાવાદ.
અભ્યાસ: બી.એ., બી.કોમ., એલ.એલ.બી. ‘નયા માર્ગ’ પાક્ષિકના તંત્રી (1981થી). ઉંઝા પરિષદે ઠરાવ્યા મુજબની જોડણીમાં તૈયાર થતું આ મૅગેઝિન છે. વંચિતલક્ષી વિકાસ પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહિન સમાજરચના માટે પ્રતિબદ્ધતા કેળવવાનું કામ તેઓ આ મૅગેઝિનના તંત્રી સ્થાનેથી કરી રહ્યા છે. તેઓ ગુજરાત ખેતવિકાસ પરિષદના કાર્યકારી પ્રમુખના સ્થાને હાલ સેવા બજાવી રહ્યા છે. શ્રી ઇન્દુભાઈ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અનેક પુસ્તક/પુસ્તિકાઓ પણ લખ્યાં છે.
GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
અરદેશર ખબરદારને યાદ કરીને લખીશઃ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !’
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
કુલીન પંડ્યા કૃત: ‘એક દી’ ગરીબનું સ્વરાજ લાવશું….’
આપને ગમતી કોઈ ટૂંકી વાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
ટૂંકી વાર્તા: લોહીની સગાઈ, નવલકથા: ગુજરાતનો નાથ
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
આપણી ગુજરાતી ભાષા ભેળસેળવાળી અને અશુદ્ધ બોલાય છે તે દુ:ખદ છે. એવું જ આપણી સંસ્કૃતિમાંથી ભવાઈ નાશ પામેલ છે; ગરબો-રાસ વગેરે પર ફિલ્મી અસર જોવા મળે છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
વર્ષો અગાઉ જોયેલ કંકુ, જીગર અને અમી તેમજ તેના કલાકારો ગમ્યા છે. હાલની ફિલ્મો જોવાનું બન્યું નથી.
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
ગુજરાતી નાટક: વિસામો
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
કવિ: ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ્, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ
લેખક: કનૈયાલાલ મુનશી, જોસેફ મેકવાનનાં રેખાચિત્રો
નાટ્યકાર: પ્રભુલાલ દ્વીવેદી (એમનાં ઘણાં નાટકો જોયાં છે) કાંતી મડીયા
નવલકથાકાર: ઝવેરચંદ મેઘાણી, જોસેફ મેકવાન, દિલીપ રાણપુરા
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
ગાંધીજી કૃત ‘સત્યના પ્રયોગો’
ગુજરાતી ભાષાના એકાદ-બે રૂઢિપ્રયોગો તથા કહેવતો જણાવશો ?
રૂઢિપ્રયોગો: આંધળે બહેરું કુટાવું, દેખાદેખી કરવી.
કહેવતો : અક્કલ બડી કે ભેંસ? જીવ્યા કરતાં જોયું ભલું.
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
શુદ્ધ માતૃભાષા બોલીએ-લખીએ. તેનો પ્રચાર-પ્રસાર કરીએ.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે
(1) તેને હજી સરળ કરીએ. એક જ ‘ઈ’ (દીર્ધ ઈ) અને એક જ ‘ઉ’(હ્સ્વ ઉ) અપનાવીએ.
(2) મરાઠીમાં કથાવાચન થાય છે તેમ ગુજરાતીમાં રસ પડે તેવી વાર્તાઓ કિશોર-કિશોરીઓ સમક્ષ રજૂ કરીએ.
(3) નવી પેઢી ગુજરાતી સાચું બોલે-લખે તે માટે પ્રોત્સાહિત કરીએ.
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
દિવંગત જયંત કોઠારી, હાલ રામજીભાઈ પટેલ – ગુજરાતી ભાષાશુદ્ધિ અભિયાન. આ ઉપરાંત સર્વશ્રી યોગેન્દ્ર વ્યાસ, સોમાભાઈ પટેલ, દયાશંકર જોશી, ઉત્તમભાઈ ગજ્જર વગેરે. (આ કાર્ય નયા માર્ગ દ્વારા ચાલુ છે.)
ગુજરાતી ભાષાને લગતી કોઈ યાદગાર ઘટના આપના જીવનમાં બની હોય તો જણાવશો.
આદિવાસીઓ વચ્ચે વધુ કાર્યરત છું. તેમના માટે ગુજરાતી ‘ફોરેન લેંગ્વેજ’ છે એવું જોવા મળે છે.
શ્રી ઇન્દુકુમાર જાની
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં