ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળા’નો માંગડાવાળો બનીને જેણે તલવારોના ઘા ઝીલ્યા છે, રાજા ભરથરી બનીને માળવાને ત્યાગી કરી દીધો છે તો વળી, રા’ નવઘણ બનીને ગીરનારનાં રખોપાં કર્યાં અને વળી માલવપતિ મુંજ બનીને લોકોના હૃદયમાં ‘રાજા’ તરીકે સ્થાન-માન પામ્યા તેવા ગુજરાતી ફિલ્મના પાયાના પથ્થર અને શિખરની ધજા જેવા શોભતા અને ગુજરાતની પ્રજાના લાડલા પ્રતિભાવાન વ્યક્તિ તે બીજું કોણ હોઈ શકે? તે મોભાદાર વ્યક્તિત્વ એટલે જ પદ્મશ્રી ‘અભિનય સમ્રાટ’ ડૉ. ઉપેન્દ્ર ત્રિવેદી.
ઉપેન્દ્ર ત્રિવેદી એ ગુજરાતી ચલચિત્રોના ખૂબ જાણીતા અભિનેતા છે. તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. એમની અને સ્નેહલતાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી છે.
રાજકારણી તરીકે વિધાનસભ્ય, પ્રધાન અને નાયબ સ્પીકર જેવા પદે પહોંચવા છતાં સત્તાનો ઉપયોગ એમણે હંમેશાં કોઈની મદદ માટે જ કર્યો છે. પોતાની જવાબદારીને તેઓ ફરજ સમજે છે. તેમને કળા અને રાજકારણ સિવાયના વિષયોમાં પણ ભરપૂર રસ છે. સાહિત્ય, ફિલસૂફી, માનસશાસ્ત્ર, પર્યાવરણ વગેરે અનેક વિષયમાં વિદ્વાનોએ પી.એચ.ડી.ની ઉપાધિ માટે રજૂ કરેલા મહાનિબંધો અને શાસ્ત્રીય પુસ્તકો તેઓ વાંચતા રહે છે. એટલે જ કોઈપણ સમારંભ – પરિસંવાદમાં એમનું પ્રવચન સાંભળવું એક લહાવો હોય છે.
કલા, સાહિત્ય, રાજકારણ વગેરે અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા અને કાર્યોથી લોકોનાં હૃદયમાં સ્થાન પામનાર ગરવા ગુજરાતી શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ ગુજરાતીલેક્સિકોનને માતૃભાષા ગુજરાતીના પ્રચાર – પ્રસાર માટે GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત આપેલા ઉત્તરોને ચાલો વાંચીએ.
માતૃભાષા ગુજરાતીનો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો આપ શું આપો ?
સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મધુરા વાણી
આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહ્યબીથી લેશ ફૂલાતા નથી – કવિ પ્રભુલાલ ત્રિવેદી
આપને ગમતી કોઈ ટૂંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?
શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા ‘રતન ગિયું રોળ’ નવલકથાઃ શ્રી પન્નાલાલ પટેલ કૃત ‘માનવીની ભવાઈ’
આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટૂંકમાં સમજાવશો ?
મનુષ્ય જ્યારે મુદ્દાઓ-ધ્વનિઓ-ચીસો અને સંકેતોથી ઉફરા ઊઠી ભાષાની શોધ થઈ ત્યારથી એ પોતાના વિચારો સહિત્યના જુદા જુદા આયામો દ્વારા પ્રકટ કરી એક સર્વમાન્ય જીવનશૈલી દ્વારા સંસ્કૃતિનું ઘડતર કરે છે, જે એક જ આધ્યાત્મિક તારથી બંધાયેલ હોય છે. ભાષામાં કાળે કરી ફેરફાર થાય છે પણ સંસ્કૃતિ અચળ રહે છે.
ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમે છે ? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?
ફિલ્મઃ ‘માલવપતિ મુંજ’ ગમતા કલાકારઃ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’, સ્નેહલતા, રમેશ મહેતા, અનુપમા, રાગિણી અને નારાયણ રાજગોર
કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમે છે ?
‘અભિનય સમ્રાટ’
આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો ? (કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)
સર્વ: શ્રી ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી,પન્નાલાલ પટેલ, ચંન્દ્રકાન્ત બક્ષી, કરસનદાસ માણેક, ઉમાશંકર જોષી, કલાપી. મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ.
આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?
ઝેર તો પીધાં જાણી જાણી, કાર્ડીયોગ્રામ, વેવિશાળ, પ્રકાશનો પડછાયો, માધવ ક્યાંય નથી મધુવનમાં.
આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો.
મોસાળમાં જમણવાર અને મા પિરસનાર, વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે, મોરનાં ઈંડાં ચિતરવાં ન પડે.
આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?
આપત્તિ કે દુઃખની પળોમાં અનાયાસે મોમાંથી નીકળી જતા ઉદ્દગારો
માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઈએ ? આપનાં મંતવ્યો જણાવો.
ગુજરાતી ગદ્ય અને પદ્યનું ભાવવાદી પઠન તથા SMS, મોબાઈલ તથા ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિવિધ પ્રયોગો
ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો ?
હેમચન્દ્રાચાર્યસૂરિ મહારાજ, નરસિંહ મહેતા, વીર નર્મદ, ભગવદ્ગોમંડળ, ગુજરાતી સાહિત્ય પરીષદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.
જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે…
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
એ તે કેવો ગુજરાતી જે કેવળ હોય ગુજરાતી.
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.