Gujaratilexicon

ઉર્વીશ કોઠારી

June 15 2014
Gujaratilexicon

ઉર્વીશ કોઠારી

શ્રી ઉર્વીશભાઈ કોઠારી એક વરિષ્ઠ પત્રકાર, લેખક, સંશોધક તથા વિનોદી વક્તા છે.

તેઓ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં ‘નવાજૂની’, ‘દૃષ્ટિકોણ’ તથા ‘બોલ્યું-ચાલ્યું માફ’ કોલમ લખે છે.

તેમણે બત્રીસ કોઠે હાસ્ય, સરદાર – સાચો માણસ, સાચી વાત, નોખા ચીલે નલસર્જન વગેરે પુસ્તકો લખ્યાં છે.

તેઓ તેમના નામ ‘ઉર્વીશ’ અર્થતઃ ‘રાજા’ પ્રમાણે વિચારોના પણ રાજા છે.

ગુજરાતીલેક્સિકોન સાથે ખૂબ આત્મીયતાથી જોડાયેલા છે.

માતૃભાષા ગુજરાતીને ખૂબ વહાલ કરે છે અને તેના પ્રત્યે આદરભાવ છે.

તેઓને હિન્દી ફિલ્મોનાં મોસમી ગીતો ખૂબ ગમે છે. તે સિવાય વિવિધ કાર્ટૂન્સ સાથે ખૂબ લગાવ છે. તે પોતાના વતન મહેમદાવાદ (જિલ્લોઃ ખેડા) ને ખૂબ ચાહે છે. એકવાર કોઈકે તેમને પૂછ્યું હતું કે – તમે કયા ‘વાદ’માં માનો છો ? ત્યારે તેમણે રમૂજ સાથે વતનપ્રેમ પ્રગટ કરતાં જણાવ્યું હતું કે – મહેમદાવાદ.

GL ગોષ્ઠિ પ્રોજેક્ટ અંતર્ગત, માતૃભાષા ગુજરાતીના પ્રચાર હેતુ તૈયાર કરાયેલી પ્રશ્નાવલિના તેમણે આપેલા રસપ્રદ ઉત્તરોને ચાલો વાંચીએ.

અમારી ગુજરાતીલેક્સિકોન (GL) સાઇટમાં કયા વિભાગો આપને વધુ ગમે છે?

હું સૌથી વધારે ઉપયોગ હોમ પેજ પર રહેલી ડિક્શનેરીનો જ કરું છું.છું. ક્યારેક થિસોરસ, કહેવતો પણ ખરાં.

માતૃભાષાનાં સેવાકાર્યોને બિરદાવતાં GL નો એક-બે વાક્યોમાં પરિચય આપવો હોય તો શું આપો ?

છાંયો આપવા માટે આપણે કદી વૃક્ષનો સ્પષ્ટ શબ્દોમાં આભાર માનતા નથી, પણ જેટલી વાર ત્યાંથી પસાર થઈએ એટલી વાર મનમાં એના માટેની આભારની લાગણી ઊગે છે. ગુજરાતીલેક્સિકનની વેબસાઇટની બાબતમાં પણ એવું જ કહી શકાય.

આપના મતે GL સાઇટને વધુ સમૃદ્ધ બનાવવા માટે કયાં બે પગલાં લેવાં જોઇએ ?

સૂઝતું નથી.

આપને ગમતા કોઈ ગુજરાતી ગીતનું નામ જણાવો.

ઘણાં છે. પણ અત્યારે આ યાદ આવે છે – ’ઘનશ્યામ ગગનમાં’ (વેણીભાઇ પુરોહિત, સંગીત- અજિત મર્ચંટ, ગાયકો- જગજિતસિંઘ-સુમન કલ્યાણપુર, ફિલ્મ- ધરતીનાં છોરુ)

આપને ગમતી કોઈ ટુંકીવાર્તા તથા નવલકથાનું નામ જણાવશો ?

ઘણાં નામ છે. પણ અત્યારે યાદ આવતી બે ટૂંકી વાર્તાઃ ’વાત’ (રજનીકુમાર પંડ્યા), ’ઇંટોના સાત રંગ’ (મધુ રાય)

આપણી ભાષાઃ આપણી સંસ્કૃતિ – આ સૂત્રને આપના વિચારો મુજબ ટુંકમાં સમજાવશો ?

ભાષા સંસ્કૃતિનું અભિન્ન- અવિભાજ્ય અંગ છે. એ સંસ્કૃતિના વારસાનું જીવંત અનુસંધાન છે. સંસ્કૃતિનો તે એવો દસ્તાવેજ છે, જેમાં પરિવર્તન થતાં રહે છે.

ગુજરાતી ભાષાની કઈ ફિલ્મ આપને સૌથી વધુ ગમેછે? તથા આપના પ્રિય ગુજરાતી ફિલ્મી કલાકારો કોણ છે ?

ગુજરાતી ફિલ્મો બહુ જોઇ નથી. આશિષ કક્કડની ’બેટરહાફ’ અને અભિષેક જૈનની ‘કેવી રીતે જઇશ?’ જોઈ હતી. તેમાં ધર્મેન્દ્ર ગોહિલનો અભિનય ગમ્યો હતો.

કયું ગુજરાતી નાટક આપને સૌથી વધુ ગમેછે?

ગુજરાતી નાટક ખાસ જોયાં નથી. એટલે ‘સૌથી વધુ’ નો બહુ પ્રશ્ન નથી. સૌમ્ય જોષીનું ‘૧૦૨ નોટઆઉટ’ સરસ હતું.

આપના પ્રિય ગુજરાતી સાહિત્ય સર્જકોનાં નામ જણાવશો? ( કવિ – લેખક – નાટ્યકાર – નવલકથાકાર વગેરે…)

લાંબી યાદી છે. એટલે સંપૂર્ણ તો નહીં થાય. પણ કેટલાંક નામઃ ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ, જ્યોતીન્દ્ર દવે, રજનીકુમાર પંડ્યા, મધુ રાય, વિનોદ ભટ્ટ, મરીઝ અને બીજા ઘણા..

આપનું મનગમતું ગુજરાતી પુસ્તક કયું છે ?

ધરતીની આરતી (સ્વામી આનંદ)

આપને ગમતી એક-બે ગુજરાતી કહેવતો અથવા રૂઢિપ્રયોગો જણાવો કે જેનો અર્થ GLમાંથી શોધવાની આપને ઇચ્છા થાય.

સૂઝતું નથી. પણ સૂઝે ત્યારે જોઈ જ લેતો હોઉં છું.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઇએ ? આપનાં મંતવ્યો જણાવો.

ગુજરાતી ભાષાના સાહિત્યિક તથા સાંસ્કૃતિ કાર્યક્રમો ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટમીડિયા દ્વારા મોટા પાયે થવા જોઈએ. એટલા જોરશોરથી તેનો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ. કોઈ ફિલ્મનો હીરો જે હદ સેલિબ્રિટી હોય તે હદે કોઈ લેખક થાય, ત્યારે ગુજરાતી ભાષાના સર્જકો અને ગુજરાતી ભાષા વધારે વેગવંતી થાય એવું મને અંગત રીતે લાગી રહ્યું છે.

એવા બે-ત્રણ ગુજરાતી તથા અંગ્રેજી શબ્દો જણાવો કે જે તમને GL માંથી જોવાનું મન થાય.

ઘણા. લખતી વખતે અંગ્રેજી શબ્દોના અર્થ અને ગુજરાતી શબ્દોની જોડણી માટે જીએલ જોવાનું મન થાય.

આપણે માતૃભાષાને ચાહીએ છીએ – આ બાબત કેવી રીતે સાબિત કરી શકીએ ?

માતૃભાષા આનંદપૂર્વક લખી-બોલી-વાંચીને.

માતૃભાષાના રક્ષણ, પ્રચાર, પ્રસાર માટે શું કરવું જોઇએ ? આપનાં મંતવ્યો જણાવો.

સમૃદ્ધ વાચનસામગ્રી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ બનાવવી જોઇએ. એ કામ કરનારા લોકોને યોગ્ય રીતે બિરદાવવા જોઇએ. ‘ગુજરાતી ભાષાને તમે નહીં ચાહો તો એ મરી જશે’ એવા ભયને બદલે ‘અરે, તમને ખ્યાલ છે, ગુજરાતી કેવી મસ્ત ભાષા છે? વાપરી તો જુઓ. મઝા પડશે.’ એવો અભિગમ રાખવો જોઈએ.

ગુજરાતી ભાષાના પ્રચાર માટે બહુમૂલ્ય યોગદાન આપનાર એક-બે મહાનુભાવો તથા સંસ્થાઓનાં નામ જણાવશો?

‘સફારી’ સામયિક સહિત ઉત્તમ સામગ્રીનું ગુજરાતી ભાષામાં પ્રકાશન કરીને એકવીસમી સદીની જ્ઞાનભાષા તરીકે ગુજરાતીનો મહિમા કરનાર નગેન્દ્ર વિજય-હર્ષલ પુષ્કર્ણા અને તેમની પ્રકાશન સંસ્થા.

આપના પ્રેરણાદાયી વિચારો ગુજરાતી ભાષાના એક-બે સુવિચારો દ્વારા અમારા મિેત્રોને કહો.

સુવિચારો કે ચબરાક સૂત્રો સિવાય, કેવળ નિષ્ઠાપૂર્વકની નક્કર કામગીરીથી પણ જીવન સાર્થક અને ઉપયોગી બની શકે છે.

Gujaratilexicon

શ્રી ઉર્વીશ કોઠારી

:

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects