આપણે આપણા વેપારધંધાનો – આપણી ધંધામાં થતી આવક-જાવકનો હિસાબ રાખીએ છીએ પરંતુ આપણે આપણા તન-મનના ચલણ-વલણનો હિસાબ રાખીએ છીએ ખરા ? એમ મનાય છે કે ભગવાન જ્યારે કોઈ જીવને મનખાવતાર આપે છે ત્યારે તેને આ ધરતી પર રહી કેટલા શ્વાસ લેવા તે પણ એના થકી નક્કી થયેલું હોય છે ! ઑટોરિક્ષામાં બેસતાં જેમ ભાડાનું મીટર શરૂ થઈ જાય તેમ આપણે મનખાદેહે અવતરીએ એ સાથે આપણું આયખાનું મીટર ચાલુ થઈ જતું હોય છે. આપણે ખાઈએ, પીએ કે ઊંઘીએ ; શ્વાસોચ્છ્વાસનું આપણું મીટર તો અવિરત ચાલતું જ રહે છે. ગોળીમાંથી પાણી ઝમે-ટપકે એમ આપણામાંથી આયખાની માત્રા પલ-વિપલના હિસાબે ઓછી થતી જ રહેતી હોય છે. તેથી જ ખિસ્સામાંથી પૈસા ઓછા થાય તો જેમ એ આપણને ગમતું નથી એમ ફાલતુ – નકામી બાબતોમાં આપણા આયખાનું કિંમતી દ્રવ્ય વેડફાય તે પણ આપણને ન જ પોષાય – ન જ ગમવું જોઈએ.
આપણે આપણી જાગૃતિને ઊંઘમાંથી કે તંદ્રામાંથી મુક્ત થવા પૂરતી મર્યાદિત ન કરવી જોઈએ. આપણે આપણા આયખાની એકેએક પળ સોનામહોરની જેમ સાવધાનીપૂર્વક ઉત્તમ રીતે – સાર્થક રીતે કામમાં લેવાય એ જોવાનું રહે છે. એ રીતે આપણે જોતા-કરતા થઈએ ત્યારે જ આપણામાં સાચી જાગૃતિ આવી એમ ગણી શકાય.
સાચી જાગૃતિ એટલે આપણી જાતની પૂરેપૂરી ચોકી અને તેની સારસંભાળ. પ્રમાદ નામનો ચોર આપણા તન-મનમાં ઘૂસી જઈને, જેમ ઊધઈ લાકડાને કોરે છે તેમ તે આપણને બરબાદ ન કરે એ માટેની પૂરી સાવધાની એ જ ખરી જાગૃતિ. જ્યાં જાગૃતિ ત્યાં જ પ્રકાશ અને જ્યાં પ્રકાશ ત્યાં જ ખરો વિકાસ. જે જાગે છે એનું નસીબ – એનું જીવતર જાગતું રહે છે ; જે સૂઈ રહે છે એનું નસીબ – એનું જીવતર પણ સૂતું જ રહે છે.
સવાર થાય પછી જાગીએ એમ નહીં ; પહેલાં આપણે જાગીએ, આપણી સવાર તો આપણા જાગ્યા પછી જ ઊગે. આપણે જાગીશું – જાગતા રહીશું તો જ આપણા મનજી મુસાફરની જીવનયાત્રામાં પરિવર્તનની નવી હવા, પ્રફુલ્લતાનો પ્રોત્સાહક પરિમલ અનુભવવાનો રૂડો અવસર સાંપડશે.
આપણે પ્રશ્નથી – પરિપ્રશ્નથી ખરેખર તો આપણી જ સતત ચાંપતી તપાસ કરતા રહેવાની છે. સવારની પ્રાર્થના શરૂ કરતાં પહેલાં તનમનની શુદ્ધિ કેટલી ને કેવી કરી એ અંગેની પૃચ્છા આપણે આપણા મનને કરવાની રહે છે. કોઈ તત્ત્વદર્શી જ્ઞાનીનો સત્સંગ કરી એની પાસેથી ઘણું જાણવા – સમજવા જેવું જાણીએ – સમજીએ ; પરંતુ એ પહેલાં આપણે આપણા તન-મનની હાલત કેવી છે તેનો પણ યથાતથ ખ્યાલ મેળવી લેવાનો રહે છે અને તે માટે આપણી જાતની તરતપાસ નિર્મમભાવે કરવાની રહે છે. બાલ્યાવસ્થાથી જ ધ્રુવ-પ્રહ્લાદે જેવી દાખવેલી એવી જાગૃતિ અને ચાનક આપણે પણ દેખાડવાની રહે. ‘जो सोवत है सो खोवत है’ – એ બાબત જરાયે ભૂલી જવી આપણને ન પાલવે. જેમ રોગાણુઓ કે વિષાણુઓ આપણા શરીરમાં ન પેસી જાય તેમ અનિષ્ટ તત્ત્વો આપણા અંતઃકરણને અભડાવી કે આભડી ન જાય તે માટે આપણે સાવધ અને સક્રિય રહેવું જરૂરી છે. અધ્યાત્મના માર્ગે આગળ વધવું હોય તો તન-મનની શુદ્ધિ, એમનું નરવાપણું ને ગરવાપણું બરોબર સચવાય એ છે માટે સતત સાવધાન – સતર્ક રહેવાનું અપેક્ષિત છે.
જેમ સવારે ઊઠી, નિત્યકર્મ કરી, સ્નાનશુદ્ધ થઈ પૂજાની ઓરડીમાં દેવતા આગળ ધૂપદીપ કરી, કૃતજ્ઞતાભાવે આપણા ઈષ્ટદેવતાને વંદીએ છીએ તેમ આપણે શક્ય તેટલા અંતઃશુદ્ધ થઈ આપણી અંદર પરમશક્તિ રૂપે સંસ્થિતા પરમ ચેતના સાથેના આપણા અંતરતમ સાયુજ્યને પ્રત્યક્ષપણે સુદૃઢતાથી અનુભવગોચર કરવાની વંદનાપ્રેરિત સાધના કરવાની રહે છે. રાત્રે સૂતાં પૂર્વે પણ એવી રીતની વંદનાપ્રેરિત સાધના થતી રહે તો જ આપણી અંદરની આંખ સજાગ થઈને આપણામાં અંતર્હિત સચ્ચિદાનંદમયતાનો ભાવસંદર્ભ પ્રતીત કરી શકે અને તો જ આપણને આપણા મનખાવતારની સાર્થકતાનો ખ્યાલ આવે અને એ રીતે આપણા જીવનના ચોપડે જમાપક્ષે આપણો હિસાબ કેવો રચનાત્મક ને રૂડો છે તેનો વાસ્તવિક અંદાજ પણ આવે.
(લેખકઃ શ્રી ચંદ્રકાન્ત શેઠ, ‘અખંડ આનંદ’ સામયિકમાંથી સાભાર)
આયખા – જીવનભર; જીવનપર્યંત, આજીવન
તંદ્રા – ઊંઘના પ્રકારનું ઘેન, નિદ્રાની પૂર્વ અસર, આછી ઊંઘ
પ્રમાદ – અસાવધપણું, ગફલત. (૨) આળસ. (૩) બેદરકારી, બેપરાઈ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં