પહેલાં લગ્નોમાં ફટાણાં ગવાતાં. એમાં ક્યારેક અભદ્ર કોમેન્ટ સાથે ગીતો ગવાતાં, તો ક્યારેક ચાબખા મારતાં ફટાણાં હોય. જેને અમારા મિત્ર બંસલ, ‘મખમલ મેં લપેટ કે જૂતા મારના’ કહે છે તેવું હોય. ‘ઘરમાં નો’તી સોપારી તો શીદને તેડાવ્યા વેપારી મારા નવલા વેવાઈ’ આ મખમલ લપેટીને મારેલું જૂતું કહેવાય. પણ કેટલીક જગ્યાએ હલકી ભાષામાં પણ એ વખતે કહેવાતું. હવે એ ફટાણાં બંધ છે. પણ હવે બૅન્ડવાજા અને માંડવામાં વાગતી ‘ઑડિયો સિસ્ટમ’ છે. તેમાં ગીતો વાગે છે, પણ ઘણી વાર ઢંગધડા વગરનાં.
એક લગ્ન પ્રસંગમાં વરરાજા વરઘોડા સાથે (ઘોડા વગરના વરઘોડા સાથે) મંડપમાં પ્રવેશ્યા. વરરાજા એકદમ કાળા…વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી હોય એટલી હદે કાળા. જેવા લગ્ન મંડપમાં વરરાજા પ્રવેશ્યા કે કેસેટ વાગવી શરૂ થઈ ‘યે કાલા કૌવા કાટ ખાયેંગા…’ વરરાજા ઝંખવાણા પડી ગયા.
સદાબહાર કલાકારની જેમ કેટલાંક ગીતો પણ સદાબહાર છે. ‘યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા…’ આ ગીત પણ એ જ હરોળમાં છે એ સદાબહાર વરઘોડા ગીત છે. સાહેબ… તમે મને એક એવો વરઘોડો બતાવો જેમાં આ ગીત ન વાગ્યું હોય. હમણાં પરણી ઊતરેલો વિશ્વેશ કહે છે, “મારા વરઘોડામાં આ ગીત વાગેલું પણ મારા દાદાના વરઘોડામાં પણ આ જ ગીત બેન્ડમાં વાગેલું.” પેઢી દર પેઢી વરઘોડા વખતે ‘યે દેશ હૈ વીર જવાનો કા’ વાગે છે અને વાગશે, સિંદબાદ કહે છે, યુધિષ્ઠિરે આપેલા યક્ષના જવાબની શૈલીમાં કે અનેક લોકોને લગ્ન કરી બેહાલી ભોગવતા જોયા પછી પણ માણસો લગ્ન કરવા જઈ રહ્યા છે, તે જોયા પછી એ લોકોને ‘વીર’ કહેવા જોઈએ, જેથી લગ્ન વખતે ‘યે દેશ હૈ વીર જવાનો કા’ ગીત બેન્ડવાળા વગાડતા રહે છે. આ ગીત લખ્યું પાકિસ્તાન રિટર્ન શાયર સાહિર લુધિયાનવીએ, આટલાં બધાં લગ્નમાં વાગતા આ ગીતના શાયર કુંવારા હતા. પારકા છોકરાને જતિ (પતિ વાંચવું) કરવા તે આનું નામ.
અમને કિશોરકુમાર પ્રિય છે. એણે ગાયેલું ગીત ‘તૂં ઔરો કી’ ગીત ઘણું સુંદર છે. પણ લગ્નમાં આ ગીત વાગે છે ત્યારે અયોગ્ય અને અસ્થાને લાગે છે. એક સજ્જનની પુત્રીનાં લગ્ન હતાં. હસ્તમેળાપ વખતે જ કેસેટ વાગવા માંડી, ‘તૂં ઔરો કી ક્યું હો ગઈ! કલ તક તો હમારી થી…આજ ઔરો કી ક્યું હો ગઈ?’ લગ્નની ધમાલમાં હાજર રહેલા લોકોને આ ગીત તરફ ધ્યાન નહીં ગયું હોય, પણ અમારા અળવીતરા મગજમાં સુંદર ગીતના અસુંદર અર્થ નીકળવા માંડ્યા. કન્યાના મુખ ઉપર અમને અપરાધભાવ દેખાવા માંડયો. જાણે એ વિચારતી હોય ‘મારી પોલ ખૂલી ગઈ.’
વરસો જૂની ફિલ્મ ‘આન’ ના એક ગીતનો તો મિમિક્રીના કાર્યક્રમોમાં ભરપૂર ઉપયોગ થઈ ચૂક્યો છે તે પણ યાદ આવે છે. કન્યા લઈને પરત ફરતા વરરાજા જાન સાથે પ્રસ્થાન કરતા હોય અને માંડવે ગીત શરૂ થાય ‘હમ આજ અપની મૌત કા સામાન લે ચલે’ જો કે આ ગીતની રમૂજ હવે તો ચવાઈ ગયેલી ગણાય. પણ કન્યાવિદાયનાં ઘણાં ગીતો પ્રચલિત છે. એક ખૂબ જાણીતું ગીત ‘બાબૂલ કી દૂઆયેં લેતી જા, જા તૂજ કો સુખી સંસાર મીલે’ હાસ્ય કલાકાર જ્હોની લીવરે એની ખિલ્લી ઉડાડતી પેરોડી કરી હતી, ‘ડાબર કી દવાએ લેતી જા… જા તૂજે પતિ બીમાર મીલે…’
પ્રસંગોમાં વાગતાં ઢંગધડા વગરનાં ગીતો વચ્ચે, કેટલાંક ખૂબ જ પ્રસંગોચિત ગીતો પણ છે. કન્યાવિદાય માટે શંકર-જયકિશને અદ્ભુત ગીત લખેલું ‘ન્યૂ દિલ્હી’માં ‘ગોરી તેરે સપનો કે સજના ખડે તેરે અંગના, લેકે ડોલી ખડે હૈ કહાર હો, જા જાને કો તૈયાર’ ગીતનો ઉપાડ જ ગજબ છે.
પ્રસંગને મજાક બનાવતાં ગીતો છે, તો કેટલાંક અર્થસભર ગીતો પણ છે. યજમાનની સમજ ઉપર આધાર છે.
ફટાણાં – સ્ત્રીનાં હલકાં ગીતો
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.