આજે ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલિકા, નિબંધ, નવલકથા વગેરે બધાય પ્રકારોમાં સારું એવું સાહિત્ય સર્જાય છે, પરંતુ તેની સરખામણીએ તેટલું બાળસાહિત્ય લખાતું નથી. કારણો અનેક હોઈ શકે. આવા સંજોગોમાં આપણા જાણીતા બાળસાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાની જરૂર યાદ આવી જાય. તેમણે વિપુલ પ્રમાણમાં બાળસાહિત્ય સર્જ્યું છે. ચાલો, તેમની બે સુંદર બાળવાર્તાઓને માણીએ.
એક હતી કાબર અને એક હતો કાગડો.
બન્ને વચ્ચે દોસ્તી થઈ.
કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.
કાબરે કાગડાને કહ્યું – કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.
કાગડો કહે – બહુ સારું; ચાલો.
પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.
થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો – કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.
કાબર કહે – ઠીક.
પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.
કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.
કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.
કાગડો કહે –
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.
કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ !
એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.
આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.
વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે – કાગડાભાઈ ! હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.
લુચ્ચા કાગડાએ કહ્યું –
ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.
પછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.
પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે – કાગડાભાઈ ! હવે તો ચાલશો ને ? બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.
તેણે કાબરને કહ્યું – ચાલો બહેન ! તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.
કાબર મનમાં ને મનમાં બોલી – તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઈ !
પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે – ભાઈ ! તમને ગમે તે ઢગલો તમારો..
કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા !
પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધું, પીધું ને મોજ કરી.
………………………………………………………………………………………………………………………………………………………
એક હતો તરવાડી. એનું નામ હતું દલો.
દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !
તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?
ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?
તરવાડી કહે – ઠીક.
તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?
છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.
દલો કહે – વાડી રે બાઈ વાડી !
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છો, દલા તરવાડી ?
દલો કહે – રીંગણાં લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !
દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે.
વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં.વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા – વાડી રે બાઈ વાડી !
વાડીને બદલે દલો કહે – શું કહો છો, દલા તરવાડી ?
દલો કહે – રીંગણા લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી.એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !
દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?
દલો કહે – કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછીને લીધાં.
માલિક કહે – પણ વાડી કાંઈ બોલે ?
દલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?
માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા !
કૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા ?
વશરામ કહે – ડબકાં ખવરાવું બે-ચાર ?
કૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ ને, ભાઈ ! દસ-બાર.
દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો – ભાઈસા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !
પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો.
ઢોંગી – hypocritical; pretentious.
મોલ – crop (esp. standing).
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.