પોતે ગંભીર ચહેરો રાખી અન્યને હસાવીને લોથપોથ કરી દેનાર, ‘રમૂજના રાજા’ તરીકે ઓળખાતા શાહબુદ્દીન રાઠોડનો ૯ ડિસેમ્બરના રોજ જન્મદિન છે. તેમના જીવન ઝરમર વિશે ટૂંકમા જાણીએ તો –
અનેક વાર વિદેશ પ્રવાસ – ૨૨ દેશોની મુલાકાત લીધી છે. થીયેટર, આકાશવાણી અને દૂરદર્શન પર અનેક હાસ્ય કાર્યકમો આપેલ છે.
તેમના પ્રેરણામૂર્તિ – ચાર્લી ચેપ્લિન, માર્ક ટ્વેઇન,
સૌથી પ્રથમ પ્રકાશિત કૃતિ – ‘શો મસ્ટ ગો ઓન’ ,
તેમના બહુ જાણીતા લેખો : વનેચંદનો વરઘોડો, નટા જટાની યાત્રા, શિક્ષકોનું બહારવટું.
તેમને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં ચાલો તેમના દ્વારા રજૂઆત પામેલી કેટલીક મજાની વાતો વાંચીએ.
……………………………………………………………………………………………………………………………………..
એક આક્ષેપ સ્ત્રીઓ પર અવારનવાર કરવામાં આવે છે. સ્ત્રીઓના પેટમાં વાત ટકતી નથી. સ્ત્રીઓ કોઈરહસ્ય છુપાવી શકતી નથી. આ બાબત તદ્દન ખોટી છે. સ્ત્રીઓ અમુક રહસ્ય જીવનભર છુપાવી શકે છે. ખાતરી ન થતી હોય તો પછી વર્ષો સુધી તેમની સાચી ઉંમર છુપાવવી એ કાંઈ સહેલી વાત નથી.
મેકઅપની સજાવટથી સજ્જ, સુંદર વસ્ત્રો પરિધાન કરેલ એક શ્રીમંત મહિલાએ જ્યોર્જ બર્નાર્ડ શૅાને પૂછ્યું, ‘મારી ઉંમર આપ કેટલી ધારો છો?’
શૉએ કહ્યું, ‘દાંત પરથી જો અનુમાન કરવામાં આવે તો તો આપની ઉંમર અઢાર વર્ષ જણાય છે. ભૂરા વાંકડિયા વાળ પરથી તો ઓગણીસ વર્ષ હોય એવું જણાય છે અને તમારી આ અદા પરથી ઉંમરનો અંદાજ લગાડવામાં આવે તો એમ માનીને ચૌદ વર્ષ જણાય છે.’
મહિલા બહુ ખુશ થઈ. શૉની પ્રશંસા કરતાં તેણે કહ્યું, ‘આપના અભિપ્રાય બદલ આભાર, પરંતુ આપને હું કેટલાં વર્ષની લાગું છું?’
બર્નાર્ડ શૉએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘મેં તો ઉંમર જણાવી દીધી છે. છતાં આપ અઢાર, ઓગણીસ અને ચૌદનો સરવાળો કરી લ્યો.’
બર્નાર્ડ શૉ કટાક્ષ કરવા માટે જાણીતા હતા, પરંતુ ક્યારેક એમને પણ ઊભા વેતરી નાખે એવા કટાક્ષ સહી લેવા પડતા.
સ્ટ્રેટફર્ડ અપૉન એવોનમાં શેક્સપિયર દિવસની ઉજવણીમાં એવન નદીને કાંઠે રૉયલ શેક્સપિયર થિયેટરમાં શેક્સપિયરનું નાટક ભજવવાનું હતું. જગતના માંધાતાઓ આ સમારંભમાં ઉપસ્થિત હતા. શૉ પણ ત્યાં આવી પહોંચ્યા. શૉને જોઈ હાજર રહેલા સૌને ખૂબ આશ્ર્ચર્ય થયું, કારણ કે બર્નાર્ડ શૉએ વિલિયમ શેક્સપિયરની પણ કટુ આલોચના કરી હતી. શૉનું સ્વાગત કરવા આગળ આવેલા જી. કે. ચેસ્ટરને કટાક્ષ કર્યો, ‘આવો, મિ. શૉ આપ આવ્યા તે બહુ સારું કર્યું. મરેલા સિંહ કરતાં જીવતા ગધેડાની કિંમત વધારે હોય છે.’
કટાક્ષ સાંભળી શૉ સમસમી ઊઠ્યા પણ પ્રસંગની મહત્તાનો સ્વીકાર કરી એક શબ્દ પણ બોલ્યા નહીં.
હેનરી ફોર્ડને સફળ લગ્નજીવન અને સફળ દાંપત્યનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બંને સફળતાને બે જ શબ્દોમાં સમાવી: ‘એક જ મોડેલ.’
અસહકારના આંદોલનમાં વિદેશી ભારતીયોનો સહકાર મેળવવા સરોજિની નાયડુને પૂર્વ આફ્રિકાનાપ્રવાસે મોકલવામાં આવ્યાં હતાં. જુદા જુદા ભારતીય સમાજો તરફથી તેમનું સન્માન કરવામાં આવતું અને પ્રવચનો યોજાતાં એમાં એક ભારતીય સમાજ તરફથી વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું. પ્રમુખ વક્તા એક શ્રીમંત ગૃહસ્થ હતા. તેમની સંપત્તિ જેટલી હતી તેના પ્રમાણમાં જ્ઞાન ઓછું હતું અને અંગ્રેજીનું જ્ઞાન સાવ સીમિત. એક શિક્ષકે તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું હતું, જેમાં સરોજિની નાયડુની પ્રશંસા, સન્માન અને અભિનંદન આવરી લેવામાં આવ્યાં હતાં.
શિક્ષકે તૈયાર કરેલા પ્રવચનમાં એક જગ્યાએ સરોજિની નાયડુનું લોકપ્રિય બીજું નામ ‘સુપ્રસિદ્ધ ભારતીય મહિલા’, ‘ભારતીય કોકિલા’, ‘ફેમસ નાઈટિંગેલ ઓફ ઈન્ડિયા’નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય વક્તા પ્રવચન વાંચતાં વાંચતાં અહીં સુધી પહોંચ્યા અને મુશ્કેલી સર્જાઈ. ‘નાઈટિંગેલ’ શબ્દ તેમને સમજાયો નહીં, પરંતુ પોતાની બુદ્ધિથી એમણે અર્થ બેસાડ્યો, ‘ફેમસ નોટી ગર્લ ઓફ ઈન્ડિયા’, ‘ભારતની સુપ્રસિદ્ધ શરારતી છોકરી’. વક્તા આ બોલ્યા અને સભાજનો ખડખડાટ હસી પડ્યા. સરોજિની નાયડુ પણ ખૂબ હસ્યાં. ઘણી વાર તેઓ પોતે આ પ્રસંગ વર્ણવી ખુશ થઈ જતાં અને અન્યને પણ તેનો આનંદ આવતો.
આવા જ એક સમારંભમાં શાળાના હેડમાસ્તરસાહેબે તમામ મહેમાનોને આવકાર આપતાં સૌની આગળ ‘મરહૂમ’ શબ્દ વાપર્યો. મરહૂમ પ્રમુખસાહેબ, મરહૂમ મંત્રીશ્રી આ રીતે સૌને નવાજવા લાગ્યા. હેડમાસ્તરને પૂછવામાં આવ્યું ત્યારે ભોળા ભાવે તેમણે જણાવ્યું. ‘સાહેબ, અમે તો રાણી વિક્ટોરિયાને મરહૂમ કહીએ છીએ, એટલે મને થયું આપના માટે આ જ સંબોધન યોગ્ય લેખાશે.’
અમેરિકાના સુપ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈન કાર્યક્રમ આપવા એક શહેરમાં આવી પહોંચ્યા. શહેરમાં પોતાના કાર્યક્રમનો પ્રચાર બરાબર થયો છે કે નહીં, તેની બારીક તપાસ તેમણે કરી, પરંતુ દીવાલો પર પોસ્ટર કે ચોપાનિયાં અથવા છાપામાં મોટી જાહેરાત આવું કાંઈ તેમના જોવામાં ન આવ્યું. એક દુકાનદાર પાસે ઊભા રહી તેમણે તપાસ કરી, ‘આ શહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ આજે છે?’ દુકાનદારે વિચારીને કહ્યું, ‘હા કોઈનો છે ખરો.’ માર્ક ટ્વેઈન કહે, ‘કોનો કાર્યક્રમ છે?’ દુકાનદાર કહે, ‘એ તો ખબર નથી.’ માર્ક ટ્વેઈન કહે, ‘તો પછી કાર્યક્રમની કેમ ખબર પડી?’ દુકાનદારે શાંતિથી કહ્યું, ‘આ તો અહીં ઈંડાં બહુ વેચાયાં છે એટલે અનુમાન કરું છું.’
માર્ક ટ્વેઈને તપાસ કરવાનું માંડી વાળ્યું.
અબજોપતિ જૉન ડી. રૉકફેલર એક સંસ્થાની મુલાકાતે ગયા. ફરતાં ફરતાં એક વર્ગ પાસે આવી પહોંચ્યા. વર્ગમાં દાખલ થયા. શિક્ષણકાર્યનું નિરીક્ષણ કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને વ્યવસાય અને વ્યાપાર વિશે સમજાવી રહ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું, ‘કોઈ બતાવી શકશો, પ્રોમિસરી નોટ કઈ રીતે લખાય?’
એક તેજસ્વી વિદ્યાર્થી ઊભો થયો અને તેણે બ્લેકબોર્ડ પર લખ્યું, ‘હું આ સંસ્થાને દસ હજાર ડોલર આપવાનું વચન આપું છું. – જૉન ડી. રોકફેલર’.
લખાણ વાંચી રોકફેલર ખુશ થયા અને સંસ્થાને દસ હજાર ડોલરનો એક ચેક એ જ વખતે લખી આપ્યો.
પ્રોફેસર તીર્થરામ સંન્યાસી થયા પછી સ્વામી રામતીર્થ નામથી પ્રસિદ્ધિ પામ્યા. તેમણે વર્ગમાં એક સીધી રેખા દોરી. વિદ્યાર્થીઓને કહ્યું, ‘આ રેખાને નાની કરી આપો.’ ભૂંસવાનો પ્રયાસ કરનારને બેસાડી દીધા. એક તેજસ્વી વિદ્યાર્થીએ બાજુમાં મોટી લીટી દોરી દીધી. સાહેબ ખુશ થઈ ગયા. તેમણે સમજાવ્યું, જીવનમાં કદીય બીજાની લીટી ભૂંસવાનો પ્રયાસ કરશો નહીં.
સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક અન્યની રેખા ભૂંસ્યા વગર પોતાની રેખા મોટી દોરનાર. બીજાની રેખા પાસે મોટી રેખા દોરનારની રેખા આપોઆપ મોટી થતી જાય છે, જ્યારે બીજા પ્રકારના જીવનભર કોઈની રેખાઓ ભૂંસવામાં જ રહી જાય છે. પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી અબ્રાહમ લિંકનને એક સંસદસભ્યે કહ્યું, ‘મિ. લિંકન, એ ન ભૂલો, તમારા પિતાએ રિપેર કરેલા બૂટ હજી મારા ઘરમાં પડ્યા છે.’
અબ્રાહમ લિંકનના પિતા મોચીકામ કરતાં. તેમણે લિંકનની રેખાને ભૂંસવા પ્રયાસ કર્યો, લિંકને કહ્યું, ‘એ બૂટ રિપેર તો બરાબર થયા છેને? એમાં કોઈ ઊણપ, કોઈ ફરિયાદ તો નથીને? યાદ રાખો શ્રીમાન, મારા પિતા જેટલું સારું મોચીકામ શીખ્યા એટલો સારો હું પ્રેસિડન્ટ નહીં બની શકું. માનવીનું મૂલ્યાંકન તેણે કરેલાં નિષ્ઠાપૂર્વકના જીવનકાર્યોથી થાય છે, સ્થાનથી નહીં.’
લિંકનનું વક્તવ્ય સાંભળી સૌ ચૂપ થઈ ગયા.
…………………………………………………………………………………………………………………………………..
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.