‘ફ્રૉમ ધ અર્થ ટુ ધ મૂન’, ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન એઈટી ડેઝ’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઑફ ધ અર્થ’, ‘ફાઈવ વીક્સ ઇન અ બલૂન’ના નામે અંગ્રેજીમાં ભાષાંતરિત થયેલી ફ્રેન્ચ વિજ્ઞાન-સાહસકથાઓના સર્જક જૂલે વર્નની અન્ય એક અમર કૃતિ એટલે 1870ની સાલમાં લખાયેલ ‘20000 લીગ્ઝ અંડર ધ સી’. સબમરીનની કલ્પના કરી સમુદ્રના તળિયે રહેલી એક અભૂતપૂર્વ સૃષ્ટિની સફરે લઈ જતી આ કૃતિને સંક્ષિપ્ત સ્વરૂપે ‘સાગરસમ્રાટ’ નામે ગુજરાતી વાચકો સુધી પહોંચાડી મૂળશંકર મો. ભટ્ટે.
1866ની સાલમાં અમેરિકા અને યુરોપના દરિયામાં શાળના કાંઠલાના આકારનું, લગભગ અઢીસોથી ત્રણસો ફૂટની લંબાઈનું, વીજળી જેવો પ્રકાશ ફેંકતું અને ખૂબ જ ઝડપથી તરતું એક વિચિત્ર જળચર દેખાતા ચારેબાજુ ખળભળાટ મચી જાય છે. અમેરિકાનું સંયુક્ત રાજ્ય આ બાબતને ગંભીરતાથી લઈ ‘અબ્રાહમ લિંકન’ નામની સ્ટીમરના કેપ્ટનને આ પ્રાણીની શોધ કરવા મોકલે છે. તેમની સાથે છે પ્રો. એરોનેક્સ (જેમના મુખે આ વાર્તા કહેવાઈ છે.), તેમનો વફાદાર નોકર કોન્સીલ અને હારપૂનથી કોઈપણ દરિયાઈ પ્રાણીનો શિકાર કરવામાં ઉસ્તાદ એવો નેડલેન્ડ. ઘણા લાંબા સમય પછી આ પ્રાણી દેખાતાં સ્ટીમરનો કેપ્ટન તેને મારી નાખવાના આદેશો આપે છે પરંતુ આમ કરતાં તે પ્રાણી જ સ્ટીમરને મોટું નુકસાન પહોંચાડે છે અને આ ત્રણેય ‘તરતા બેટ’ પર આવી પહોંચે છે, જે ખરેખર તો કેપ્ટન નેમોએ બનાવેલી સબમરીન ‘નૉટિલસ’ છે. કેપ્ટન નેમોએ દુનિયા સાથેનો પોતાનો સંબંધ ઘણાં વર્ષોથી તોડી નાખ્યો છે. અને નૉટિલસ પર રહેનાર દરેક માટે આ વાત લાગુ પડે છે. દરિયો જ તેનું સર્વસ્વ છે. તે આ ત્રણેયને દરિયાના પેટાળમાં રહેલી સૃષ્ટિની સેર કરાવે છે એટલું જ નહીં, તે પ્રોફેસરને નૉટિલસની કાર્યશૈલીથી પણ પરિચિત કરાવે છે. સમુદ્રના પેટાળમાં શિકાર, દરિયાઈ વનસ્પતિમાંથી તૈયાર થયેલાં વસ્ત્રો, પાપુઅન લોકોથી બચાવ, શાર્ક સાથે કેપ્ટન નેમોની લડાઈ, જ્વાળામુખીના ગર્ભમાંથી કોલસા અને સોડિયમ મેળવી વીજળી પ્રાપ્ત કરવાનો પ્રસંગ, દક્ષિણ ધ્રુવ પાસેના સમુદ્રમાં બરફની દીવાલમાં નોટિલસનું ફસાવું અને તેનો બચાવ, દરિયાઈ પ્રાણી પૉલ્પનો હુમલો અને લડાઈ સમયે કેપ્ટન નેમોનું ભયંકર સ્વરૂપ .. જેવાં અનેક રોમાંચક પ્રસંગો છતાં આ ત્રણેય ત્યાંથી નાસી છૂટવાની યોજના ઘડે છે. એક દિવસ નૉટિલસ જ્યારે વમળમાં સપડાય છે, ત્યારે તેમને અહીંથી નાસી છૂટવામાં સફળતા મળે છે અને કેપ્ટન નેમો ફરી એકવાર નોટિલસ સાથે સમુદ્રની રહસ્યમય દુનિયામાં સમાઈ જાય છે.
વિજ્ઞાન અને સાહસના અદ્ભૂત સમન્વયની આ કથા વાચકને તેના રંગમાં રંગી નાખે છે.
– ઈશા પાઠક
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.