ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સામાજિક આક્રમણને કારણે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે. જાણ્યે અજાણ્યે આજે આપણે પોતાની ઓળખ ગુમાવી રહ્યાં છીએ. તો ભાષા અને સંસ્કૃતિની જાળવણી માટે માતૃભાષા અભિયાન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો માતૃભાષા અભિયાન શું છે અને કેવી પ્રવૃત્તિઓ થાય છે તેની માહિતી મેળવીએ.
ભાષાના સંવર્ધન માટે નિસબત ધરાવનારાં ભાષાપ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. એની ભૂમિકા સંયોગીકરણ (નેટવર્ક ઑર્ગેનાઈઝેશન)ની છે. એનું માળખું બહુકેન્દ્રિ એકસ્તરીય અને અનૌપચારિક છે. આ સંસ્થા જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલી સંસ્થા છે. (ક્રમાંક ઈ/૨૦૩૯૨/અ’વાદ). સંસ્થાને અપાતું દાન(પત્ર ક્રમાંક341/MA/2013-14 \482 of 28.02.2014) કલમ ૮૦જી(૫) મુજબ મુક્તિ પાત્ર છે.
સમગ્ર સમાજને અને યુવાવર્ગને લક્ષમાં રાખીને ગુજરાતી ભાષા પરત્વે સભાનતા કેળવાય, તેના પ્રત્યે આદર અને ગૌરવની લાગણી જન્મે તથા ગુજરાતી ભાષા-સાહિત્યનું આસ્વાદલક્ષી આકલન થાય,તેના વિવિધ સ્વરૂપમાં માણી શકાય તે માટેના સઘન પ્રયત્નો કરવાનો છે. વિશ્વભરના ગુજરાતીઓ માટે અનેકસ્તરીય કાર્યક્રમો યોજવા અને એ રીતે સાહિત્ય-સંસ્કૃતિના ચાહકોને જોડવા એવો પણ આ અભિયાનનો ઉદ્દેશ છે.
માતૃભાષા ઑલિમ્પિઆડ:
વિદ્યાર્થીઓમાં ગુજરાતીભાષા અને તેને આનુસંગિક સંસ્કૃતિ માટે વિશેષ જાણકારી અને લગાવ ઉત્પન થાય તથા આવી સ્પર્ધાઓ ગુજરાતી ભાષાના શિક્ષણને રસપ્રદ અને ગુણવત્તાયુક્ત બનાવવા.
પુસ્તક પરબઃ
પુસ્તક-પરબની મુલાકાતે આવનાર કોઈપણ વ્યક્તિ બે પુસ્તક કાયમ માટે વાંચવા લઈ જઈ શકે છે. એ વાંચી લીધા પછી પાછા પણ આપી શકે છે અથવા જેમને વાંચવાની ઈચ્છા હોય તેમને આપી શકે છે, અથવા મહિનાના પહેલા રવિવારે મળતી પુસ્તક-પરબમાં પરત આપી શકે છે. સમાજમાં વધારેને વધારે પુસ્તકો વાંચે તે માટે માતૃભાષા અભિયાન દ્વારા થતી પુસ્તકની પરબનો ઉદ્દેશ છે.
ગ્રંથમંદિરઃ
ગ્રંથમંદિરમાં ચયન કરેલાં શિષ્ટ સાહિત્યના પુસ્તકો હોય છે. પુસ્તકાલયની જેમ તેમાંથી વાચક પુસ્તક વાંચવા લઈ જઈ શકે છે અને તે પરત કરવાનું હોય છે. ઉત્તમ વાંચન સામગ્રી લોકોને ધર આંગણે ઉપલબ્ધ થાય તે આ પ્રકલ્પનો આશય છે.
અલભ્ય પુસ્તક સંગ્રહાલયઃ
આ પ્રકલ્પમાં અલભ્ય પુસ્તકને યોગ્ય રીતે જાળવણી કરવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં વિષય નિષ્ણાંત વ્યક્તિ દ્વારા પુસ્તકોને અલગ તારવણી કરી તેના વિષય મુજબ તારવણી કરવામાંઆવે છે. લેખકના સહી કે ૧૦૦ વર્ષ જૂના પુસ્તકો જે પુનઃ મળતા ન હોય તેવા પુસ્તકોનો સગ્રંહ કરવામાં આવે છે અને તે પુસ્તકોનું ડિજીટાઈઝેશન કરી વેબસાઈટ પર મુકવું માતૃભાષા અભિયાનનો ઉદ્દેશ છે.
ઓનલાઈન ગુજરાતી અભ્યાસક્રમઃ
ભાષા નિયામકશ્રી, ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત ગુજરાતી અભ્યાસક્રમ તૈયાર કરવાનું કામ માતૃભાષા અભિયાને પૂર્ણ કર્યું છે. આ અભ્યાસક્રમ ૬૦ કલાકનો છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી આ અભ્યાસક્રમ તૈયાર થયો છે. તેને માતૃભાષા અભિયાનની વેબસાઈટ અને ગુજરાત સરકારની http://www.gujarationline.org/ વેબસાઈટ પર તૈયાર કરીને મુકવામાં આવ્યો છે.
બાળસાહિત્ય-શનિસભાઃ
આ પ્રકલ્પથી ઉત્તમ બાળસાહિત્ય તૈયાર થાય તે માટે સાહિત્યકારોના સાનિધ્યમાં શનિસભા કરવામાં આવે છે. જેથી બાળ-સાહિત્યમાં ઉત્તમ પ્રકારનું સાહિત્ય સમાજમાં મળે તે આશય છે.
ઉત્સવોની ઉજવણીઃ
વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામા આવે છે. જેથી સમાજ અને લોકો ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની જાળવણી થતી રહે તે ઉદ્દેશ રહેલો છે. ૨૧મી ફેબ્રુઆરી ઉપરાંત દલપતરામ જયંતિ ઉજવણી, નર્મદ-મેઘાણી પર્વ ઉજવણી જેવી પ્રવૃતિઓ પણ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે.
દાદા-દાદીનો ઓટલોઃ
બાળકોના વિસ્મયને વાર્તાઓ અને ગીતો વડે વિસ્તારવામાં આવે છે તથા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. બાળકોને દાદા-દાદીનો નૈસર્ગિક અનુભવ થાય એવો આશય આ પ્રકલ્પમાં છે.
પરસ્પરઃ
ગુજરાતી ભાષા, સાહિત્ય અને અન્ય લલિત કલાઓ પ્રત્યે પ્રેમ જાગે અને તેના પ્રત્યે રૂચી કેળવાય તે હેતુથી, ખ્યાતનામ કલામર્મજ્ઞોને અને સાહિત્યકારોને આમંત્રીને તેમની સાથે સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓનું વાંચન-પઠન, વાચિકમ અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે.
Website link : http://gujaratibhasha.org/index
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.