Gujaratilexicon

સ્મરણયાત્રા (નાનપણનાં કેટલાંક સંસ્મરણો)

Author : કાકાસાહેબ કાલેલકર
Contributor : ઈશા પાઠક

‘સવાયા ગુજરાતી’ તરીકે ઓળખાતા ગુજરાતના માનીતા લેખક કાકાસાહેબ કાલેલકરના નાનપણનાં પ્રસંગોને તેમની જ કલમે સંભારણાંરૂપે આ પુસ્તકમાં રજૂ કરાયાં છે. તેમના જ કહેવા મુજબ આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી પરંતુ તેમના બાળપણના અનુભવોની તેમજ તે વખતે તેમણે અનુભવેલી લાગણીઓ, મુગ્ધ મૂંઝવણો, ગુણદોષ, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર અને સહજ સ્વાર્થત્યાગ જેવી ભાવનાઓની નિખાલસ અને નિ:સંકોચ રજૂઆત છે.

73 પ્રકરણોમાં લખાયેલી આ સ્મરણયાત્રાની શરૂઆત તેમના નામકરણથી થાય છે. કોઈ સાધુના કહેવાથી રાશિ પ્રમાણે નામ ન રાખતાં તેમના માતાપિતાએ તેમનું નામ ‘દત્તાત્રેય’ રાખ્યું અને સૌથી નાના અને લાડકા હોવાથી તેમનું જીવન પરિવારના અન્ય લોકો પર કેટલી હદે નિર્ભર હતું અને કઈ રીતે તેઓ સૌ માટે મજાકનું પાત્ર બનતા તે અંગેના વિવિધ પ્રસંગો રમૂજ પમાડે તેવા છે. બાળપણની નિર્દોષ રમતો, શાળાએ જવાની અદમ્ય ઈચ્છા, માસ્તરનું તેમને સોટી વડે રોજ મારવું, માસ્તરની હકાલપટ્ટી થતાં વિદ્યાર્થીઓમાં પ્રિય બનવું, બાળકોને પૈસાને અડવાની મનાઈ હોવાથી તેને હાથમાં પકડવાની અદમ્ય ઈચ્છા અને પછી પૈસા ગુમાવવા જેવા પ્રસંગો વાચકને સતત જકડી રાખે છે. પરિવારના સભ્યો સાથે ઉષ્માભર્યા સબંધની તેમજ પ્રેમાળ મોટીબહેનના અવસાનના પ્રસંગની રજૂઆત લાગણીસભર છે. દીકરો બહારના છોકરાઓ સાથે રમીને બગડી ન જાય અને ગાળો ના શીખે તે માટે પરિવારના પ્રયત્નોની રજૂઆત વિનોદપૂર્ણ છે. માતાપિતા સાથે કરેલી યાત્રાના અનુભવો, ભયંકર દરિયાઈ તોફાનમાંથી આબાદ બચાવ, બિલાડી પકડી પાળવાનો અનુભવ, નાનપણમાં જ અસ્પૃશ્યતાને લગતાં તેમને થયેલાં અનુભવો, ગણિત સાથેનો તેમનો પ્રથમ પરિચય, ટાચકાં ફોડવાનો આનંદ, ફોટાની ચોરીનો પ્રસંગ,  કૉલેજકાળના દરમિયાન પિતાએ ભણાવેલો પ્રામાણિકતાનો પાઠ જેવા અનેક પ્રસંગોથી સભર આ પુસ્તક લેખકના જીવનના પ્રસંગોની રજૂઆતમાત્ર જ નથી પરંતુ તે સમયના સમાજજીવનનો અને માતાપિતા તરફથી બાળકોને મળેલા સુસંસ્કારોના અમૂલ્ય વારસાનો ચીતાર આપતો દસ્તાવેજ છે. પુસ્તકના અંતે લેખકના જીવનના ઈ.સ. 1892થી લઈને 1903 સુધીના વર્ષોના સંસ્મરણોની પાર્શ્વભૂમિ પણ રજૂ કરવામાં આવી છે.

સ્મરણયાત્રા (નાનપણનાં કેટલાંક સંસ્મરણો) (લે.: કાકાસાહેબ કાલેલકર)અબાલવૃદ્ધ સૌને માટે પોતાના બાળપણની યાદ તાજી કરાવતું અને સંસ્કારસિંચન કરતું આ પુસ્તક કાકાસાહેબ કાલેલકરની સાહિત્યજગતને અણમોલ ભેટ છે. આ પુસ્તકના પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર છે

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

Latest Video

GL Projects