ભારતના ‘લોખંડી પુરુષ’ તરીકેની વિશિષ્ટ ઓળખ ધરાવતા અખંડ ભારતના રચયિતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અત્યાર સુધીમાં ઘણું કહેવાયું અને લખાયું છે. પણ સરદારના વ્યક્તિત્વનાં કેટલાંક એવાં પાસાં છે, જે આજદિન સુધી લોકોથી અજાણ્યાં જ રહ્યા છે. આવાં દરેક પાસાંને આવરી લેતું જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીએ લખેલું આ પુસ્તક સરદારના વ્યક્તિત્વનું અલગ જ દૃષ્ટિકોણથી સર્વાંગી ચિત્રણ રજૂ કરે છે.
પુસ્તકમાં આલેખાયેલા સરદાર પટેલના અંગત જીવનના નાના-નાના પ્રસંગો તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ છતો કરે છે. 34 વર્ષની વયે વિધુર થયા પછી ફરી લગ્ન ન કરતાં પોતાના સંતાનોની એક માતાની જેમ સંભાળ લેતા સરદાર વાચકો પર અલગ જ છાપ છોડે છે. આ જ સરદાર જ્યારે ભારતના ગૃહમંત્રી બને છે ત્યારે તેમનાં સંતાનોને દિલ્હીથી દૂર રહેવાની કડક સૂચના આપે છે એમાં પણ પોતાના સંતાનોનો કોઈ ગેરલાભ લઈ ન જાય એવી તકેદારી દેખાઈ આવે છે.
સ્વભાવના કડક જણાતા સરદાર પોતાનો નિર્ણય સંતાનો પર ઠોકી ન બેસાડતાં વ્યવહારૂ દૃષ્ટિથી વિચાર કરી તેમને તેમના મનની ભાવના પ્રમાણે વર્તવાની છૂટ આપે છે. પુસ્તકમાં પિતાની અને દેશની સેવામાં જીવન સમર્પિત કરી દેનાર મણિબહેન સાથેનો સરદારનો સબંધ પણ સુંદર રીતે આલેખાયેલો છે. સરદાર અને ગાંધીજીનો સબંધ અનોખો હતો. ગાંધીજીને મળતાં પહેલાંના ‘બૅરિસ્ટર વલ્લભભાઈ’ અને ગાંધીજીને મળ્યા પછી તેમના સ્વભાવમાં આવેલા પરિવર્તનોની વાત કરતાં ગાંધીજીના ‘અંધ અનુયાયી’ તરીકેની તેમની છાપનું વિવિધ પ્રસંગો ટાંકીને ખંડન કર્યું છે, તો જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલના સંબંધો અને વિવાદોની વાત પણ કરી છે.
અખંડ ભારતના નિર્માણમાં સરદારની ભૂમિકા અને સરદારની નેતા તરીકેની ખાસિયત જેવી કે તેમનો પ્રભાવ, વ્યંગવૃત્તિ, રમૂજી સ્વભાવ અને આકરી ભાષાની સાથે-સાથે સત્તા, સંગઠન અને લોખંડી વહીવટના પ્રતીક તરીકે તેમનું સુંદર ચિત્રણ કર્યું છે. સરદાર અંગેની ગેરમાન્યતાઓ અંગે વિશેષ છણાવટ અહીં જોવા મળે છે, તો ‘ફિલ્મ ઈન્ડિયા’ના તંત્રી બાબુરાવ પટેલ અને નવમાનવવાદી એમ. એન. રૉય સાથેના ખૂબ ઓછા જાણીતા પ્રસંગો તેમજ ગાંધીહત્યા નિમિત્તે દેશવાસીઓને સરદારનો સંદેશો વાચકોને રસપ્રદ ભાથું પૂરું પાડે છે.
સરદારની વિવિધ તસવીરો, સરદાર અને તેમના સમકાલીનોના પ્રતિષ્ઠિત ચિત્રકાર વૃંદાવન સોલંકીએ બનાવેલા સ્કેચ, ‘ફિલ્મ ઈન્ડિયા’માં પ્રગટ થયેલાં સરદારનાં વ્યંગચિત્રો અને ‘એડિટર્સ મેઈલ’ વિભાગમાં પુછાયેલા સરદાર-સંબંધિત સવાલોના બાબુરાવ પટેલે આપેલા તોફાની જવાબ આ પુસ્તકની વિશેષતા છે.
સરદાર અંગે જિજ્ઞાસા ધરાવતા દરેક માટે આ એક અનોખું અને અચૂક વાંચવાલાયક પુસ્તક છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.