આ પુસ્તકમાં વિવિધ લેખકોએ રચેલાં તેર એકાંકીઓનો સમાવેશ થયો છે. સંપાદક શ્રી ચંદ્રવદન મહેતાએ આ સંગ્રહની પ્રસ્તાવનામાં સંગ્રહનું કારણ આપતાં લખ્યું છે કે, ‘અત્યાર સુઘીનાં એકાંકીઓમાં આવેલા વળાંકો અને પ્રોયોગોને આ સંગ્રહમાં સ્થાન આપ્યું છે.’ સંપાદકનો આ પુસ્તક પ્રગટ કરવા પાછળનો ખ્યાલ, વાચકો સમક્ષ ગુજરાતી એકાંકીઓનો નકશો મૂકવાનો હતો.
આ પુસ્તકમાં જે લેખકોનાં એકાંકીઓ પ્રગટ થયાં છે, એ લેખકો છેઃ ફીરોઝ આંટીઆ, યશવંત પંડયા, ઉમાશંકર જોશી, ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ, દુર્ગેશ શુકલ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, ‘આદિલ’ મન્સૂરી, શ્રીકાંત શાહ, મધુ રાય, વિહંગ મહેતા અને ઇન્દુ પૂવાર.
લેખકોએ આ એકાંકીઓની રચના વિવિધ પ્રસંગો, બોલીઓ, કથાઓ, સામાજિક વ્યવહારો, વગેરેના આધારે કરી છે. કોઈ એકાંકીમાં પારસી બોલીના પ્રયોગ દ્વારા રમૂજની રજૂઆત થઈ છે તો કોઈ એકાંકીમાં ઉત્તર ગુજરાતની બોલીના પ્રયોગ દ્વારા પ્રાદેશિક પાત્રો અસરકારક રીતે રજૂ થયાં છે. કોઈ એકાંકીની રચના પૌરાણિક કથાના આધારે થઈ છે, કોઈની રચના પંચતંત્રની કથાના આધારે થઈ છે, તો કોઈની રચના અરબી કથાના આધારે થઈ છે. પ્રયોગશીલ એકાંકીઓમાં પ્રતીકો, કલ્પનો,એકોક્તિઓ, માઈમ, વગેરેનો આધાર લેવાયો છે.
લેખકોએ એકાંકીઓ દ્વારા પ્રેક્ષકોને સીધી અને આડકતરી રીતે વિવિધ સંદેશા આપ્યા છે. આ સંદેશા માનવીય વૃત્તિઓ, મૂલ્યો, સંવેદનાઓ, વ્યવહારો, વગેરે વિષે છે.
પુસ્તકના અંતે, આ એકાંકીઓ વિષેની ડૉ. સતીશ વ્યાસની લઘુ સમીક્ષાઓ પણ જોડવામાં આવી છે, જે વાચકોને અને અભ્યાસીઓને ઉપયોગી થાય એવી છે.
આ એકાંકીઓમાંથી કેટલાંક એકાંકીઓ શાળાઓ અને કૉલેજોના વિદ્યાર્થીઓએ અનેકવાર ભજવ્યાં છે. પ્રેક્ષકોએ એકાંકીઓ અને વિદ્યાર્થીઓને ઉમળકાથી વધાવ્યાં પણ છે.
આ પુસ્તકના પ્રકાશક: આદર્શ પ્રકાશન, અમદાવાદ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.