Gujaratilexicon

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા

January 06 2020
GujaratilexiconGL Team

કહેવાય છે કે , શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને કચ્છડો બારે માસ. તો ચાલો આજે આપણે કચ્છ અને તેમાંં આવેલ વિવિધ સ્થળો એટલે કે Places to Visit in Kutch વિશે માહિતી મેળવીએ.

ગુજરાતમાં આવેલ કચ્છ એટલે ભારતનો સહુથી પ્રાચીન અને વિશાળ જિલ્લો. ગુજરાતના ઇતિહાસ, પુરાતત્વ, શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના સંવર્ધનમાં કચ્છનું સ્થાન મોખરે આવે છે. પુરાણકાળમાં રાજાઓ અને સૈન્ય તો ત્યારબાદ વર્ષ 2001માં આવેલ ભૂકંપ જેવા કુદરતી વિનાશના કારણે આ પ્રદેશ અનેક ઉથલપાથલનો ભોગ બન્યું છે, અને છતાં હંમેશા બેઠું થયું છે.

Explore more than 30 meaning of word : કચ્છ from Bhagwadgomandal.

કચ્છ જિલ્લાથી લઈ પાકિસ્તાનની સિંધુ નદીના મુખ સુધી 30,000 કિ.મી.માં વિસ્તરેલો પ્રદેશ એટલે કચ્છનું રણ. વરસાદી મોસમ જૂનથી સપ્ટેમ્બરમાં સમુદ્રના ક્ષાર અને પાણીથી આ પ્રદેશ ભરાય છે અને ત્યારબાદના સમયમાં બાષ્પીભવન થઈને આખો પ્રદેશ સૂકાઈ જાય છે. મીઠાના ક્ષારથી બનેલા નાના મોટા પોપડાઓથી આખી જમીન સફેદ કડક પાટ બની જાય છે, જે સફેદ રણ, કે મીઠાના રણ તરીકે ઓળખાય છે. કચ્છનો આ વિસ્તાર ભારતનો સહુથી ગરમ પ્રદેશ ગણાય છે.

Explore the details about Kutch district

શું તમે જાણો છો દુનિયામાં કઈ બે જગ્યાએ સફેદ રણ (white desert) આવેલા છે ?

અંગ્રેજીમાં ડેઝર્ટ એટલે રણ કહેવાય, પણ અફાટ સફેદ પ્રદેશ વિષે અંગ્રેજીમાં પણ રણ જ લખાય છે. દુનિયામાં બે જ જગ્યાએ આ પ્રકારના રણ છે, એક કચ્છ અને બીજું બોલિવિયા.

ભુજોડી ગામ શેના માટે પ્રસિદ્ધ છે ?

સફેદ રણ જવા માટે કચ્છ જિલ્લાના પાટનગર ભૂજ આવવું પડે. ભૂજથી સફેદ રણ આશરે 100 કિમીના અંતરે આવેલું છે. જે અનેક જોવાલાયક સ્થળો માટે જાણીતું છે. ભૂજમાં આવો એટલે ભૂજોડી ગામની મુલાકાત લેવાનું ન ભૂલાય! ભૂજોડીમાં વંદે માતરમ મેમોરિયલ અને હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક જોવાલાયક સ્થળો છે. જ્યાં કચ્છી ભરતકામ, હાથવણાટથી બનાવેલા પર્સ, ભાતીગળ કારીગરી કરેલા કાપડની ચપ્પલ-મોજડી, તોરણ, લાકડાં પરનું કોતરણી કામ, પટોળા, બાંધણીની સાડી-ઓઢણીઓ, શાલ, રણઝણતા ઝુમ્મર, ઘરસુશોભનની વસ્તુઓ વગેરે સુંદર કલાકારીના ઉત્તમ નમૂનાઓ અહીં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. ગુજરાતની અને કચ્છની સંસ્કૃતિના હાથ કલાકારીના ઉત્કૃષ્ઠ સર્જનો માટે ભુજોડી પ્રસિદ્ધ છે.

ભૂજમાં કયા કયા જોવાલાયક સ્થળો છે ?

આ સિવાય ભૂજમાં પ્રાગ મહલ, આઈના મહલ, કચ્છ મ્યુઝીયમ, સ્વામિનારાયણ મંદિર, છતરડી બાગ (હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનું શૂટિંગ અહીં થયેલું) જોવાલાયક સ્થળો છે. 18મી સદીમાં બનાવેલો આઇના મહેલ નાગપંચમીની નીકળતી સવારીની, કચ્છી શૈલીના ચિત્રપટો, ગરમ પાણી માટેનું વરાળયંત્ર, પુરાણ કાળના કચ્છી ચલણના સિક્કાઓ, દસ્તાવેજો વગેરે મૂકેલા છે. આઇના મહલની બાજુમાં જ પ્રાગ મહલ આવેલો છે. પોતાનું વાહન લઈને અથવા કેબ નોંધાવીને સમયનું આયોજન કરીને ફરવા આવો તો એકથી દોઢ દિવસમાં આપ કચ્છને સાચી રીતે જાણી શકો છો.

Places to visit in Kutch, Bhujodi, Replica of Indian Parliament in Kutch

મિત્રો, લીલાછમ પ્રદેશની પોતાની ખાસિયત હોય છે તો વેરાન, ઉજ્જડ ભૂમિની પણ પોતાની ખાસિયત હોય છે. દરેક સ્થળ કંઈક કહેતું હોય છે, જો એને સાંભળવામાં ને સમજવામાં આવે તો! ભૂજથી કચ્છ તરફનો બે કલાકનો રસ્તો હરિયાળો નથી છતાં જાણે જીવનથી ભરપુર છે! કચ્છનું રણ જોવા માટે તમે ધોરડોના રિસોર્ટમાં રાત્રી રોકાણ પણ કરી શકો છો. ગારમાટીથી લીંપેલા ઘર, ને ઘરની દીવાલોમાં ફૂલ, પોપટ, મોર જેવા કલાત્મક ચિત્રો પર આભલા, મોતી મઢાવી કરેલ અદભૂત કોતરકામવાળા રિસોર્ટ જોઈને તમે હોટેલોની ભવ્યતા ભૂલી જશો. કચ્છના ગામડાઓ, ઉજ્જડ સુમસામ રસ્તાઓ, ત્યાંના લોકોની સાદગી, તેમના વર્તન અને કપડાંઓમાં ઝળકતી આપણી સંસ્કૃતિની છાયા, વાણીમાં છલોછલ થતો લાગણીનો ધોધ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી જાય છે.

કાળો ડુંગર વિશે તમે શું જાણો છો ?

કચ્છ રણ જોવા જઈએ તો કાળો ડુંગર કેમ ભૂલી શકાય? કાળો ડુંગર કચ્છ જિલ્લાનું સહુથી ઊંચું સ્થળ છે, અહીં ગ્રેવિટી –ગુરુત્વાકર્ષણ બળ ઉંધી દિશામાં જાય છે એવી માન્યતા છે.

ત્યારબાદ સફેદ રણ તરફ આગળ વધતા જઈએ તેમ તેમ છેક સુધી ફેલાયેલો દેખાય અફાટ સફેદ મીઠાનો પ્રદેશ..! જાણે કુદરતસર્જિત વિશાળ લેન્ડસ્કેપ જ જોઈ લો! શહેરના ઊંચા બિલ્ડીગો અને વાહનોની વચ્ચે લપાઈ જતું સૂર્યાસ્તના આકાશનું સૌંદર્ય અહીં આબેહુબ ઉઘડતું દેખાય. સૂર્યાસ્તના કેસરી, લાલઝાંયભર્યા આકાશની છાયામાં અફાટ રણભૂમિ પોતાની સુંદરતા વિખેરે ત્યારે આંખ પલકારા મારવાનું ભૂલી જાય!

જીવનમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા જેવી શાંતિદાયક અને સુંદર ઘટના કોઈ જ નથી! એમાં પણ દરિયા વચ્ચે ઉગતો અને આથમતો સૂર્ય, અફાટ વેરાન રણમાં અસ્ત થતો સૂર્ય કે પહાડોની વચ્ચે ઉગતા ને આથમતા સૂર્યની આભા પોતાનામાં જ એક અજાયબી છે. ઉપરાંત સફેદ રણમાં પૂનમના ચંદ્રનો નજારો જોઈએ તો તો ચંદ્રને જોવાની દૃષ્ટિ જ બદલાય જાય! ઈશ્વરે પ્રકૃતિનું આવું અવર્ણનીય સૌંદર્ય કેટલી સહજતાથી તદ્દન આપણી આંખો સામે મઢી આપ્યું છે, પણ કેટલા લોકો આ સૌંદર્યને હ્રદયની આંખોથી નિહાળતા હશે?!
સફેદ રણની બહાર કળા ઉત્સવ અને કચ્છી હેન્ડીક્રાફ્ટના, ખાણીપીણીના સ્ટોલ લાગેલા છે. જ્યાં પરંપરાગત ભારતીય સંસ્કૃતિની અનેક વસ્તુઓ તમે ખરીદી શકો છો.

માતાનો મઢ

Temple in Kutch, Mata No Madh

કચ્છ જિલ્લાનું અન્ય જાણીતું સ્થળ એટલે લખપત તાલુકામાં આવેલું કચ્છ રાજ્યના કુળદેવી માતા આશાપુરાનું પ્રાચીન અને પવિત્ર યાત્રાધામ માતાનો મઢ. નવરાત્રીના શુભ દિવસોમાં અહીં હવનાષ્ટમીનો મેળો ભરાય છે જેમાં કચ્છ તથા કચ્છ બહારથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતાં આવે છે.

માંડવી

જો તમે કચ્છ જઈ રહ્યા હો તો માંડવી જવાનું ન ચૂકશો. ભૂજથી 58 કિમીના અંતરે આવેલ માંડવી શહેરમાં બે સ્થળ પ્રચલિત છે – વિજય વિલાસ પેલેસ તથા માંડવીનો દરિયો. શ્રી રાવ વિજયરાજજી દ્વારા બનાવવામાં આવેલ વિજય વિલાસ પેલેસની સુંદર કોતરણી અને ભવ્યતા જોઈ તમે વિસ્મય થઈ જશો તો માંડવીના દરિયાના સ્વચ્છ ભૂરા પાણીથી લહેરાતો સમુદ્ર જોઈ દિલ ‘બાગ બાગ’ થઈ જશે! અનેક ગુજરાતી ફિલ્મોના શૂટિંગ માંડવી દરિયા ઉપર થયા છે છતાં અહીં પ્રવાસન જોઈએ તેવું વિકસ્યું નથી, જેની ગુજરાત સરકારે નોંધ લેવી ઘટે!

Vijay Vilas Palace, Shooting of Hum Dil De Chuke Sanam, Mandvi

આશરે 43000 ચો.કિમીનો ભૂ-વિસ્તાર ધરાવતા ભાતીગળ કચ્છમાં આ સિવાય અનેક પર્યટન સ્થળો આવેલા છે. હડપ્પીય સંસ્કૃતિના સ્થાપત્યના અવશેષો ધરાવતું ધોળાવીરા નગર, નારાયણ સરોવર, પ્રાચીન અને પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર, અંજાર શહેરની પાદરે આવેલ જેસલ તોરલની સમાધિ, ડેઝર્ટ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી વિગેરે. જો સમય લઈને કચ્છ આવો તો કચ્છ તમને નિરાશ તો નહીં જ કરે!

ગુજરાત સમૃદ્ધ છે જો આવા સ્થળોની સમૃદ્ધિને લોકો સુધી પહોંચાડવામાં આવે. અહીં પ્રવાસનનો વિકાસ થાય તો લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી શકે. છતાં કચ્છની શાંતિ અને એકાંત જાણે પોતાનામાં જ એક જણસ છે! તો પછી ગુજારો કુછ દિન તો કચ્છમેં.

જાણો આ બ્લોગમાં રહેલા કેટલાક જરૂરી ગુજરાતી શબ્દોનું અંગ્રેજી (Gujarati to English word meaning)

કોતરણી – Act of style of engraving; engraving; wages, instrument, for engraving
સૂર્યોદય – Sunrise
સૂર્યાસ્ત – Sunset
આવા અન્ય ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ જાણવા અહીં ક્લિક કરો.

  • મીરા જોશી

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects