વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ગુજરાતી પંચાંગ વિક્રમ સંવતને અનુસરે છે. એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એની યાદમાં ઈસવીસન પૂર્વે સત્તાવનમાં આ સંવતની શરૂઆત કરવામાં આવી હતી.
ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યો છે. આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે છેલ્લા અને ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે.
આ વિક્રમ સંવત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે.
• પહેલો મહિનો – કારતક
• બીજો મહિનો – માગશર
• ત્રીજો મહિનો – પોષ
• ચોથો મહિનો – મહા
• પાંચમો મહિનો – ફાગણ
• છઠ્ઠો મહિનો – ચૈત્ર
• સાતમો મહિનો – વૈશાખ
• આઠમો મહિનો – જેઠ
• નવમો મહિનો – અષાઢ
• દસમો મહિનો – શ્રાવણ
• અગિયારમો મહિનો – ભાદરવો
• બારમો મહિનો – આસો
• પુરુષોત્તમ માસ – અધિક માસ
(આપણે હાલ જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વગેરે મહિનાનું જે કેલેન્ડર વાપરીએ છીએ તે ‘ગ્રેગોરિયન’ કેલેન્ડર છે.)
પ્રસિદ્ધ ગુજરાતી શબ્દકોશ ભગવદ્ગોમંડલમાં આપેલ માહિતીઃ
ઈ. પૂ. ૫૬ થી શરૂ થયેલ એ નામનો શક; વિક્રમ રાજાએ ચલાવેલો સંવત્સર. ટૂંકમાં વિ. સં. લખાય છે. આ સંવત કલિયુગ સંવતનાં એટલે યુધિષ્ઠિરના ૩,૦૪૪ વર્ષ પછી શરૂ થયો મનાય છે. આખા ઉત્તર ભારતમાં અને ઘણે સ્થળે દક્ષિણ ભારતમાં પણ તે ચાલુ છે. માળવાના રાજા વિક્રમે શકનો પરાજય કરીને પોતાના નામનો સંવત ચલાવ્યો છે. માલવ અથવા માળવાના રાજા કે રાજ્યની સ્વતંત્ર સ્થાપના જે સમયથી થઈ તે સમયથી એ સંવતનો પ્રારંભ થયો છે તેથી તેને વિક્રમ સંવત કે માલવ સંવત પણ કહે છે. આ સંવતમાંથી ૫૬ વર્ષ બાદ કરવાથી ઈસવીસન આવે છે અને ૧૩૫ વર્ષ બાદ કરવાથી શક સંવત આવે છે. આ સંવતનો પ્રારંભ ઉત્તર ભારતમાં ચૈત્ર સુદ એકમથી, દક્ષિણમાં કાર્તિક સુદ એકમથી અને સૌરાષ્ટ્ર, ગુજરાત તથા રજપૂતાનાના કેટલાક ભાગમાં અષાઢ સુદ એકમથી થાય છે. ઉદેપુર વગેરે રાજ્યોમાં રાજકીય વિક્રમ સંવત શ્રાવણ વદિથી શરૂ થાય છે. તે સંવતને અષાઢાદિ સંવત પણ કહે છે; કેમકે, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં અષાઢથી તે સંવત શરૂ થાય છે.
કારતક સુદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૧ (તા. ૨૪ ઑક્ટોબર, ૨૦૧૪)થી શરૂ થયેલા નવા વર્ષે ગુજરાતીલેક્સિકોન તરફથી તમામ વાચકમિત્રોને નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવત ૨૦૭૧નું વર્ષ આપ સૌની માટે આનંદોલ્લાસથી ભરપૂર, નીરોગી, શુભ ફળદાયી નીવડે એવી અભિલાષા.
(માહિતી સ્રોતઃ ગુજરાતી વિકિપીડિયા, ભગવદ્ગોમંડલ)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.