દાદાનો ડંગોરો લીધો
તેનો તો મેં ઘોડો કીધો…..
(લેખક: એમ. એફ. હુસેન, અનુવાદ: જગદીપ સ્માર્ત)
ભારતીય ચિત્રકારોની આત્મકથાઓ એટલા પ્રમાણમાં લખાઈ નથી. ગુજરાતીમાં તેનું પ્રમાણ એથી ઓછું છે. આવા માહોલમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર મકબૂલ ફિદા હુસેને લખેલી આત્મકથા ગુજરાતીમાં ઉપલબ્ધ થાય એ મોટી વાત છે. મૂળ હિન્દી(ઉર્દૂ)માં ‘એમ. એફ. હુસૈન કી કહાની, અપની જુબાની’ના શિર્ષકથી લખાયેલી આ કથાનો અંગ્રેજી અનુવાદ ખાલિદ મહમ્મદ દ્વારા કરવામાં આવ્યો છે. પણ જગદીપ સ્માર્તે તેનો ગુજરાતીમાં અનુવાદ મૂળ હિન્દી પુસ્તકમાંથી જ કર્યો છે. આ પણ એક સુયોગ કહી શકાય. કેમ કે, જગદીપભાઈ ખુદ એક ચિત્રકાર હોવાની સાથે સાથે અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.
આ પુસ્તકનું આયોજન અનેક રીતે વિશિષ્ટ કહી શકાય એવું છે. એક ચિત્રકારની પીંછીના લસરકાઓથી ચિત્ર ઉપસતું જાય એમ કથામાં અનેક સ્થળો, પાત્રો, પ્રસંગો ઉઘડતાં રહે છે. પુસ્તકમાં લગભગ પાને પાને કહી શકાય એ રીતે હુસેનસાહેબનાં બનાવેલાં રેખાંકનો છે, જે વાચકને પ્રતીતિ કરાવતાં રહે છે કે આ એક ચિત્રકારની આત્મકથા છે. આ રેખાંકનો અંગ્રેજી અને હિન્દી પુસ્તકમાં મૂકાયાં છે એનાથી અનેક ગણાં અને વૈવિધ્યસભર છે.
આત્મકથા હોવા છતાં તેને ત્રીજા પુરુષમાં લખાઈ હોય એ ઢબે લખવામાં આવી છે. આથી તેમાં ‘મકબૂલ’, ‘હુસેન’, ‘એમ.એફ.’ એક પાત્રની જેમ જ દેખાય છે.
એક ચિત્રકારની ચેતના શી રીતે ઘડાતી જતી હોય, દરેક વયમાં પોતાની આસપાસના વાતાવરણ અને પાત્રોને તે શી રીતે પોતાના મનોજગતમાં સંગોપતો જતો હોય છે અને વખત આવ્યે એ કેવી રીતે વ્યક્ત કરતો હોય છે એ આ કથા દ્વારા જાણવા મળે છે.
આ અનુવાદની વિશેષતા એ છે કે તેમાં મોટે ભાગે હુસેનસાહેબની ગદ્યશૈલી, તેમના શબ્દો, વાક્યરચના વગેરેને મોટે ભાગે એમના એમ રાખવામાં આવ્યા છે, જેથી વાચકને તેના થકી ‘હુસેની શૈલી’નો પરિચય થઈ શકે. એમ. એફ. હુસેને એક વિશિષ્ટ ફિલ્મ ‘ગજગામિની’નું પણ નિર્માણ કર્યું હતું. ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’માં મુખ્ય ભૂમિકા કરનાર અભિનેત્રી માધુરી દીક્ષિત પ્રત્યેનો તેમનો અનુરાગ જગજાહેર હતો. આ અને આવી અનેક બાબતો રસપ્રદ રીતે આત્મકથામાં મૂકી શકાઈ છે.
સમગ્ર કથાના વાંચન દરમિયાન એમ. એફ. હુસેનની તડપ અને સતત ખોજનો અહેસાસ વાચકને થયા કરે છે. એ તડપ ક્યાંક માને શોધવા માટેની છે, ક્યાંક કોઈ બચપણમાં જોયેલા પાત્રની છે, તો ક્યાંક તે પોતાની જાતની પણ છે.
-બીરેન કોઠારી
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.