નાટક પ્રત્યેનો લગાવ જીન્સમાં મેળવેલ અભિષેક શાહ બાલ્યાવસ્થાથી નાટક પ્રત્યે ઊંડું ખેંચાણ ધરાવે છે. બી.એસ.સી વિથ મેથેમેટિક્સ કર્યા બાદ નાટકના આ જીવે પોતાની જીવનસંગીનીના કહેવાથી ભવન્સમાં જર્નાલિઝમ એન્ડ માસ કોમ્ય્નિકેશનનો અભ્યાસ કર્યો સાથે સાથે સૌમ્ય જોશીની સાથે થિયેટર કરતા હતા
Q. શા માટે પત્રકારત્વ ?
પત્રકારત્વ કરી મુખ્ય હેતુ સરકારી નોકરી લઈને ગમતું કામ કરવાનું હતું કારણકે પત્રકારત્વની ડિગ્રીના કારણે આકાશવાણીમાં નોકરી મળી, આકાશવાણીને લીધે નાટક તરફ અને નાટકથી ફિલ્મ તરફની સફરની શરૂઆત થઈ.
Q. મનોરંજન ક્ષેત્રે કેવી રીતે પદાર્પણ અને અત્યાર સુધીની સફર વિશેની માહિતી ?
2014માં ‘બે યાર’ ફિલ્મથી કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રદાર્પણ કર્યું અને ત્યારબાદ છેલ્લો દિવસ, થઈ જશે, રોંગ સાઇડ રાજુ, શુભારંભ, કરસનદાસ પે એન્ડ યુઝ, પપ્પા તમને નહીં સમજાય, યુનિયન લીડર, વાંઢા વિલાસ, શું થયું, ફેમિલી સર્કસ વગેરે 15 જેટલી ફિલ્મોમાં પણ કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યું.
દિગ્દર્શક અને નિર્માતા તરીકેની ‘હેલ્લરો’ પહેલી ફિલ્મ છે જેણે ૬૬મો નેશનલ એવોર્ડ મેળવેલ છે.
આ ઉપરાંત ઘણા બધા નાટકો ડાયરેક્ટ કરેલા છે.
Q. ફિલ્મનું નામ ‘હેલ્લારો’ રાખવા પાછળનો કોઈ ખાસ ઉદ્દેશ ?
“હેલ્લારોનો અર્થ થાય છે એક મોજું, એક લહેર. એક એવું મોજું જે આવે અને બધું બદલી નાખે, એક ધક્કો અથવા એક ધક્કા સાથે આવેલું મોજું. જ્યારે તમે ફિલ્મ જુઓ તો દર્શકને સમજાય કે શબ્દનો અર્થ ફિલ્મ સાથે બહુ સુંદર રીતે જાય છે. માટે હેલ્લારો સિવાય અન્ય કોઈ નામ ના વિચારી જ ના શકાય.
જ્યારે ફિલ્મના શીર્ષક વિશે ચર્ચા થઈ રહી હતી ત્યારે અમે આ શબ્દનો શું અર્થ થાય અને ક્યાં એનું મૂળ છે તે ચકાસી રહ્યા હતા. આ માટે જ્યારે અમે ભગવદ્ગોમંડલમાં જોયું તો હેલારો શબ્દ જોવા મળ્યો જેનો અર્થ એક ધક્કો, મોજું એમ હતો. પરંતુ રમેશ પારેખની કવિતા હેલ્લારો છે, બહુ બધી જગ્યાએ હેલ્લારો સંભળાય છે હેલારો નહિ. તેથી ભાષા નિષ્ણાત સતીશ વ્યાસ સાથે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે હેલ્લારો એ હેલારોથી અપભ્રંશ થયેલો શબ્દ છે અને આમ કરવાથી આવો ભૂલાયેલો શબ્દ લોકો સમક્ષ ફરી રજૂ થશે તેથી અમે હેલ્લારો નામ રાખવાનું નક્કી કર્યું”
Q “ગુજરાતી સાહિત્યના ક્યાં સાહિત્યકાર તમને સૌથી વધારે સ્પર્શી ગયા છે?”
મને કવિતાઓ વાંચવાનો શોખ છે, આ ઉપરાંત મેં સૌમ્ય જોશીને બહુ વાંચ્યા છે. મને એમની બધી કવિતાઓ મોઢે છે. બહુ ધારદાર અને સબળ કલમ છે એમની. બીજા મરીઝ મને બહુ ગમે છે. આ ઉપરાંત શિશિર રામાવત અને ઉર્વિશ કોઠારીના લખાણો વાંચવા મને ગમે છે.”
Q “ગુજરાતીલેક્સિકન વિષે તમારો શું અભિપ્રાય છે?”
“મને ગુજરાતી ભાષા પ્રત્યે બહુ જ પ્રેમ છે અને એવા લોકો પ્રત્યે બહુ માન છે જે લોકો ગુજરાતી ભાષા માટે કામ કરી રહ્યા છે અને એમાંથી એક ગુજરાતીલેક્સિકન છે. જેમ કે હેલ્લારો જેવા શબ્દો જે લોકોને નથી ખબર તો આવા શબ્દો તમે લોકો સુધી પહોંચાડો છો જે પ્રસંશનીય છે.”
Q “‘હું ગુજરાતી’ તરીકે તમારે ગુજરાતી ભાષાના ચાહકોને કોઈ સંદેશ આપવો હોય તો શું આપશો?”
“આપણી ભાષાનું સિનેમા છેલ્લા કેટલાક વર્ષોથી ક્યાંક ખોવાઈ ગયેલું જે ફરી વાર એક નવા પટલ પર આવ્યું છે. તો હું આ માધ્યમથી એવું કહેવા માંગુ છું કે ગુજરાતી ભાષાની ફિલ્મ તમારી ફિલ્મ છે, જો તમે એ ફિલ્મ જોશો અને એ ફિલ્મને વધાવશો તો અમારા જેવા બીજા ફિલ્મ મેકરો જે સરસ વાર્તા સંઘરીને બેઠા છે એ પોતાની વાર્તા લઈને બહાર આવશે, એટલે ગુજરાતી ભાષા માટે એટલું ખાસ કહેવાનું કે તમે એ ભાષાને વધાવો, એને જુઓ.”
Abhishek Shah
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.