નવલકથા, વાર્તા, હાસ્ય, જીવનચરિત્ર, અનુવાદ, સંપાદન જેવાં વિવિધ સાહિત્ય પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર હરેશ ધોળકિયાની અતિશય ચર્ચાયેલી અને વખણાયેલી આ નવલકથા છે. તેના કથાવસ્તુની પૃષ્ઠભૂમિ શિક્ષણ જગત છે. લેખક પોતે શિક્ષક હોવાથી તેની સૃષ્ટિ અને વિવિધ પાત્રોનું આલેખન કરવામાં સરળતા રહે એ માટે તેમણે આમ કર્યું છે, પણ તેમનો મૂળ હેતુ જુદો છે.
રશિયન મૂળનાં ખ્યાતનામ અમેરિકન લેખિકા આયન રેન્ડની વિશ્વપ્રસિદ્ધ કૃતિઓમાંની બે કૃતિઓ એટલે ‘ધ ફાઉન્ટન હેડ’ અને ‘એટલાસ શ્રગ્ડ’. આ બન્ને નવલકથાઓમાં રજૂ થયેલા ‘ફર્સ્ટ રેટર્સ’ એટલે કે પ્રથમ કક્ષાના લોકો અને ‘સેકન્ડ રેટર્સ’ એટલે કે ઉતરતી કક્ષાના લોકો અંગેના વિચારને ગુજરાતીમાં કોઈક સ્વરૂપે ઊતારવા જોઈએ એમ લેખકને સતત થયા કરતું હતું. વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય. પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે, પણ વિશ્વનો કબજો હંમેશાં ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશાં પ્રતિભાશાળીઓને હેરાન કરવા, હટાવવા, પછાડવા પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે, પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. આ વિચારોને વ્યક્ત કરવાની લેખકની મથામણે આખરે નવલકથાનો માર્ગ પકડ્યો.
આ કથામાં નાનાંમોટાં અનેક પાત્રો છે, પણ ત્રણ મુખ્ય પાત્રો છે. ત્રણમાંનું એક પાત્ર એટલે ડૉ. કિશોર. બાકીના બન્ને પાત્રો કિશોરના શાળાકાળના શિક્ષકો છે. એમાંના એક કિરણ દવે અને બીજા જ્યોતીન્દ્ર શાહ. કિરણ દવે પોતાના એક સમયના પ્રિય વિદ્યાર્થીને મોડી રાતે બોલાવીને પોતે લખેલી એક ડાયરી વાંચવા માટે આપે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. આ ડાયરીમાં દવેસાહેબે પોતે ‘સેકન્ડ રેટર’ હોવાની કરેલી નિખાલસ કબૂલાતો લખાયેલી છે. ખરેખરા ‘ફર્સ્ટ રેટર’ એવા પોતાના સહકર્મી વરિષ્ઠ શિક્ષક જ્યોતીન્દ્રની લીટી નાની કરવા માટે પોતે કેવા કેવા પ્રપંચ ખેલ્યા, તેનાં શાં પરિણામ આવ્યાં અને છતાં જ્યોતીન્દ્ર અવિચલ રહ્યા એ પ્રસંગોનું વિગતે વર્ણન છે.
‘અંગદનો પગ’ શિર્ષક અંગે લેખકે લખ્યું છે કે પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના પાત્ર અંગદના પગ જેવા છે-અચળ અને સ્થિર. તેને સામાન્યો કદી ખેસવી ન શકે. બાહ્ય રીતે તેઓ કદાચ સફળ થાય તો પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી લેશમાત્ર ફરક પડતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં-આધારિત છે, સ્વ-સંચાલિત છે. તે પરાવલંબી નથી. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે, પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે. આ સમગ્ર વિચારનું નવલકથામાં સુપેરે વહન થઈ શક્યું છે. રસપ્રચૂર વર્ણનો, અવનવાં પાત્રાલેખનો કે સાહિત્યિક સંસ્પર્શ ધરાવતી શબ્દાવલિઓથી સજ્જ આ નવલકથા નથી, બલ્કે પોતાની આસપાસ બની રહેલી ઘટનાઓ જોતાં કે વાંચતા હોઈએ એવી સીધીસાદી તેની કથનશૈલી છે. સૌને તે પોતાની લાગે એ જ કદાચ તેની લોકપ્રિયતાનું રહસ્ય છે.
-બીરેન કોઠારી
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.