‘અમાસના તારા’ મૂળ આવૃત્તિમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે અને એમના જીવનમાં સાથ આપે એવા પાંત્રીસ પ્રસંગો વીણીને વિદ્યાર્થી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
લેખકની નાની બહેનનું નામ અમૃતા પણ બધા એને વ્હાલથી અમુ કહીને બોલાવે. લેખકના લગ્નની તૈયારી શરૂ થતાં ભાઈ સાથેનું અંતર અસહ્ય થઈ પડતાં તેમની બહેન અમુ તેમના બા-બાપુજીને ભાઈના લગ્ન બંધ રાખવાની વાત કરે છે. લેખકે ભાઈબહેનના ગાઢ પ્રેમનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. લેખકને સાઇકલ અપાવવા માટે તેમની બા પોતાનું મંગલસૂત્ર વેચી નાખે છે તે પ્રસંગ અને તેનું વર્ણન પણ હૃદયસ્પર્શી છે. લેખકે તેમના બા-બાપુજી અને બહેન અમુનું સરસ વર્ણન કર્યુ છે તથા તેમના સરસ રેખાચિત્રો આપ્યા છે.
રોજ રાત્રે ઘેર જમવાનું માંગવા આવતી બાઈ સાથે એક દિવસ તેમની બાએ તોછડાઈભર્યુ વર્તન કર્યુ તે જોઈ તેમના પિતાજીએ પાંચ દિવસના ઉપવાસ કર્યા અને પોતાની ભૂલને કારણે પતિ ઉપવાસ કરે છે તે જાણી તેમની બાએ પણ પાંચ દિવસના ઉપવાસ કર્યા. જીવનની અંતિમ ક્ષણોમાં તેમના પિતાજીએ લેખક પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે બાપુજીએ સૂરતના નિરાંત મંદિરને તેમની પરંપરાગત બધી મિલકત દાનમાં આપી દીધી છે તે પાછી નહિં લે.
લેખક મસૂરી મહેલમાંથી વિદાય લેતી વખતે ત્યાં કામ કરતી ગુલ્લબોને લાલ ચૂંદડીભાતનો સાફો લગ્નમાં ચુન્ની બનાવવા માટે ભેટમાં આપે છે. એ જ ગુલ્લબો વર્ષો પછી હરદ્વારમાં ગંગાઘાટે તેના પતિ અને દીકરા સાથે મળે છે ત્યારે લેખક તેના પરિવારને ભોજન કરાવે છે અને સાથે તેઓ પણ જમે છે. ગુલ્લબોના દીકરાના હાથમાં ત્રણચાર રૂપિયા અને થોડી પરચૂરણ મુકતા લેખકે એને કહ્યું કે ‘તું મારી છોકરીનો છોકરો થાય તારા જન્મ વખતે હું હોત તો તારા હાથ ચાંદીથી ભરી દેત.”
આજે આવા જીવનમૂલ્યો જાણે ગાયબ જ થઈ ગયા છે ત્યારે આવા પ્રસંગોનું વાંચન વાચકોને નવી પ્રેરણા આપશે.
વાઇસરૉયે શિકાર કરેલા વાઘની લંબાઈ નવ ફૂટ બતાવવામાં આવી પણ લેખકને વાઘની લંબાઈ નાની લાગી એટલે તેમણે જઈને શિકારના મુખ્ય અફસરને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે ટેપની શરૂઆતની એક ફૂટની લંબાઈ કાપી નાખેલી છે. જેને વાઇસરૉય માપ નામ આપવામાં આવ્યું. આવી અનેક હાસ્યસભર ઘટનાઓનું વર્ણન પણ આ પુસ્તકમાં જોવા મળે છે.
ઉમાશંકર જોશીએ આ કૃતિ માટે યથાર્થ રીતે જ કહ્યું છે કે “સ્વાનુભવોને કલાઘાટ આપીને જીવનના સૌંદર્યને પ્રગટ કરતા ટુચકા, પ્રસંગો, પાત્રો, કથાઓ રજૂ કરવાના આ જાતના પ્રયત્નો, ખાસ કરીને વિદેશી ભાષાઓના સાહિત્યમાં જોવા મળે છે. આપણે ત્યાં પણ એવા પ્રયત્નો થવા માંડ્યા છે. પણ પોતાની આંતર અભિવ્યક્તિનું સહજ વાહન હોય એ રીતે શ્રી કિશનસિંહ ચાવડાની જેમ ભાગ્યે જ કોઈ લેખકે એ પ્રકાર મોટા પાયા પર ખેડ્યો હોય. ઝીણી સૌન્દર્યસૂઝને લીધે આ સાહિત્યપ્રકારને કલાની કોટીએ પહોંચાડવાની શક્યતાઓ પણ શ્રી કિશનસિંહ ચાવડાની કલમે ભરપૂર વિકસાવી છે. પરિણામે ગુજરાતને મનમાં વસી જાય એવું જીવનનું મધુરું અને મત્ત ખુશ્બોભર્યું પુસ્તક મળ્યું છે.” આ પુસ્તક વાંચ્યા પછી દરેક વાચક ઉમાશંકર જોશીના ઉપરના શબ્દો સાથે સંપૂર્ણ સહમત થશે જ.
-ચિરાગ કટારીયા
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં