અસર
August 03 2015
Written By Gurjar Upendra
ગંગામાને દીકરા તો હતા નહિ. કુટુંબમાં કહી શકાય તો માત્ર બે દીકરીઓ હતી. ગંગામાની તબિયત એકાએક બગડી જવાનાં સમાચાર સાંભળીને એ બંને સાસરેથી આવી ગઈ હતી.
છેવટે, જે ઘડીને સૌ રાહ જોતાં હતાં એ ઘડી આવી પહોંચી. માના મોઢામાં બંને દિકરીઓએ ગંગાજળ મૂક્યું…. ને ગંગામામાં શક્તિનો સંચાર થયો. એમના હોઠ ફફડ્યા. એટલું જ નહિ, અવાજ પણ આવ્યો: ‘રા…..મજી.’
ખાટલાની ચારે તરફ ઉભેલાં લોકોની ખૂશીનો પાર ન રહ્યો. જેણે આખી જિંદગી વ્યાજવટાવનો ધંધો કર્યો હોય અને કૈંકની આંતરડી કકળતી રાખીને પૈસા વસૂલ કર્યા હોય એ ડોશીના મોઢામાં અંત સમયે ભગવાનનું નામ! નાનકડા ગામમાં વિધવા બ્રાહ્મણીના પૈસા તો કોણ રાખે? એટલે ગંગામાં પટારામાં ઘણું ધન ભેગું થયું હતું. આવા ગંગામા મરતી વખતે બધી માયા છોડીને ભગવાનને યાદ કરે એનાથી મોટો ચમત્કાર આ કળીયુગમાં કયો હોઈ શકે?
દયાળજી શેઠે ગંગામાના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈને મોટેથી પૂછ્યું: “કાંઈ ભલામણ કરવાની છે?” તો ગંગામાએ જવાબ ઉચ્ચાર કર્યો: ‘રા…મજી.‘
લોકો કહેવા લાગ્યા: ‘રહેવા દો શેઠ, દોશી પૂણ્યશાળી જીવ છે. એને બધી માયા છોડી દીધી છે.’
… ને ત્યાર પછી થોડા કલાકોમાં જ ગંગામા પરલોક સિધાવ્યાં. લોકો ગંગામાના ભાગ્યના વખાણ કરવા લાગ્યા: ‘ડોશીનો જીવ નક્કી પૂણ્યશાળી. નહિ તો મરતી વખતે મોઢામાં ઈશ્વરનું નામ કાંઈ રેઢું પડ્યું છે? આખી જિંદગી માળા ફેરવનારના મોઢામાં પણ અંત સમયે ભગવાનનું નામ નસીબમાં હોય તો જ આવે! આ ડોશીએ બધી જ માયા મૂકી દીધી હતી. એમાં શંકાને જરાય સ્થાન નથી.’
પરંતુ, શંકા હતી દયાળજી શેઠને. એમને એ શંકા અત્યારે રજૂ કરવાનું ઠીક ન લાગ્યું.
વાત આમ હતી…
ચારેક મહિના પહેલાં ગામના એક ગરીબ કોળીને પાંચસો રૂપિયાની જરૂર પડી. એ ગંગામા પાસે ગયો. ગંગામાએ કહ્યું: ‘ઘરેણાં મૂકી જા અને પૈસા લઈ જા.’ કોળી પાસે ઘરેણાં તો હતાં નહિ. એ ગયો દયાળજી શેઠ પાસે. દયાળજી શેઠની પહેલાં ખૂબ જાહોજલાલી હતી પણ હવે ખલાસ થઈ ગયાં હતા. જો કે, ગામમાં એમનું માન પહેલાં જેટલું જ હતું. લોકો એમના શબ્દો પર વિશ્વાસ રાખતા. દયાળજી શેઠે વચ્ચે રહીને ગંગામા પાસેથી કોળીને પાંચસો રૂપિયા છ મહિનાના વાયદે અપાવ્યા. પૈસા લઈને કોળી બીજા મલકમાં મજુરી કરવા જતો રહ્યો. જતી વખતે કહેતો ગયેલો કે: ‘છ મહિનામા કમાઈને આવીશ અને ડોશીના પૈસા ચૂકવી દઈશ.’
દયાળજી શેઠને એ કોળી પર પૂરો વિશ્વાસ હતો. પરંતુ, ગંગામાએ તો દયાળજી શેઠ સિવાય ગામમાં કોઈના પર વિશ્વાસ રાખ્યો ન હતો. તેઓ અવારનવાર ચિંતા વ્યક્ત કરતાં ત્યારે દયાળજી શેઠ કહેતા: ’માડી, ચિંતા ન કરો. તમારા પૈસા ખોટાં નહિ થાય. છ મહિના પૂરા થાય ને તમારા પૈસા નહિ પતે તો હું ચૂકવી દઈશ.’
છ મહિના પૂરાં થાય તે પહેલાં તો અચાનક ગંગામાની તબિયત બગડી. દયાળજી શેઠને થયું કે, પોતે હમણાં, કોળી વતી ગંગામાને પાંચસો રૂપિયા ચૂકવી દે તો સારું. દયાળજી શેઠ વેંત કરવામાં રહ્યા ને ગંગાએ તો જીવ છોડી દીધો. રામજીના રટણ સાથે.
હકીકત એ હતી કે, પેલાં ગરીબ કોળીનું નામ રામજી હતું.
દયાળજી શેઠને એ જ શંકા હતી કે, મારતી વખતે ગંગામા ખરેખર રામજી ભગવાનને યાદ કરતાં હતાં કે પછી પેલા રામજી કોળીને?
[ભાગવત કથામાં સાંભળેલા દૃષ્ટાંત પરથી.]
More from Gurjar Upendra
More Stories
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Word Match
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
Hang Monkey
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.