જોડણી નુસખા
September 10 2015
Written By Gurjar Upendra
(૧)ઈ તથા ઇ બાબત :
* બધા જ ઈ મોટા કરવા… દા. ત.
જોઈએ., હોઈએ, હોઈ, કોઈ, ખવાઈ, કોઈ, દઈશું, નવાઈ વગેરેમાં બધી જ જગ્યાએ ઈ મોટો કરવો….. અપવાદ ઇતિહાસમાં ઇ નાનો કરવો.
* જ્યારે પણ જોડાક્ષર આવે ત્યારે જોડાક્ષરની આગળનો અક્ષર ઇ નાનો કરવો દા.ત. ઇચ્છા, ઇક્ષુ, ઇક્કડ, ઇજ્જત, ઇઠ્યાશી, ઇન્ડિયા, ઇશ્ક વગેરેમાં પછીનો અક્ષર જોડાક્ષર હોવાથી ઇ નાનો થશે.. અપવાદ ઈશ્વર. (ઈશ્વર કદી નાનો ન હોય)
બધા જ અંગ્રેજી શબ્દોમાં જ્યાં પણ ઇ આવે ત્યાં હ્રસ્વ (નાની ) ઇ જ કરવી. જેમ કે આઇડિયા/ મેઇલ/ ગેઇમ/ વગેરે
ખાસ વિનંતી : આ નિયમો યાદ ન રહે તો પછી આંખો મીંચીને બધે ઈ મોટા કરજો કારણ કે નાના ઇ નો વપરાશ ઓછો હોવાથી સુધારવામાં તકલીફ ઓછી પડશે.
(૨)
* નહીં માં જો હી દીર્ઘ કરો તો મીંડું મૂકવાનું પરંતુ નહિ હ્રસ્વ હિ હોય તો મીંડું ન કરવું.
(૩)
* મૅનેજમૅન્ટમાં બન્ને મૅ પહોળા ઉચ્ચારવાળા કરવા; એવી જ રીતે ટૅક્નોલૉજીમાં…બધી જ લૉજીમાં – બધે જ એમ કરવું.
કેટલાક અંગ્રેજી શબ્દોમાં કોઈ ઉચ્ચાર પહોળો થતો હોય છે જેમ કે મેનેજ, બ્લોગ, કેપ્ટન વગેરેમાં મૅ, બ્લૉ તથા કૅ ઉપર ઊંધો માત્ર કરવો.
(૪) ભેગા લખવાના અક્ષરો (પ્રત્યયો) :
** નો,ની,નું,ના વગેરે શબ્દની જોડે જ લખાય…દા. ત. તેનું. આપવાનું, દશરથને, વગેરે;
** માં /થી / એ / જેવા પ્રત્યયો પણ ભેગા જ લખાશે. ભાણામાં, તેનાથી વગેરે
** પરંતુ વડે, દ્વારા, થકી, પર, જેવા પ્રત્યયો જુદા લખવા;
(૫) અનુસ્વાર બાબતે :
* ક્રિયાપદોના મૂળ રૂપને છેવાડે હંમેશાં અનુસ્વાર આવશે જેમ કે : મૂકવું, ગમવું, ચાલવું, નોતરવું
* ઉપરાંત ગમતું, હસતું, પોસાતું, વગેરેમાં પણ અનુસ્વાર કરવો.
* શું, હું, છું, તું વગેરે ઉકારાંત એકાક્ષરોમાં હ્રસ્વ ઉ કરીને અનુસ્વાર કરવો;
૧) નર જાતિના શબ્દોનું બહુવચન થાય તો પણ અનુસ્વાર નહીં કરવો જેમ કે, પથ્થરો પડ્યા; પુરુષો જમ્યા; તારા ખર્યા, વગેરે
૨) નારી જાતિના શબ્દોનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર કરવા જેમ કે, બહેનો ગયાં, (સમજવા માટે દાખલો : “કસ્તુરબા માંદાં પડ્યાં ને બાપુને વઢ્યાં”…..એમ લખાય પણ “ગાંધીજી માંદા પડ્યા પણ રડ્યા નહીં”….એમ લખાય ! (પુરુષ જાતિને ચાંદલો ન કરવો)
૩) નાન્યતર જાતિના શબ્દોનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર કરવાના જેમ કે,
ઘેટાં દોડ્યાં, છાણાં સળગ્યાં, બારણાં ભીડાયાં.
(યાદ રાખવા માટે : “નારી જાતિને ચાંદલો કરવાનો)
નાન્યતર જાતિ કે નરનારી બધાં ભેગાં હોય ત્યારે નારીના માન ખાતર ચાંદલો કરવાનો : ભાઈઓ–બહેનો બધાં જતાં હતાં……
(૬) દ્ધ અંગે ખાસ :
સંસ્કૃત શબ્દોમાં દ્ધ જ લખવો. આ દ્ધ એ દ્ + ધ મળીને બને છે. દા. ત. યુદ્ધ (દ્ +ધ્) વૃદ્ધ, વૃદ્ધિ, બુદ્ધિ, શુદ્ધ, બુદ્ધ વગેરે
પરંતુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી શબ્દોમાં ધ્ + ધ મળીને ધ્ધ બને છે જેથી ગુજરાતી શબ્દોમાં ધ્ધ (ધ્ + ધ) જ લખવો. દાત. સુધ્ધાં, અધ્ધર વગેરે….
ખાસ વીનંતી કે યાદ ન રહે તો બધી જગ્યાએ આપ સૌ દ્ધ નો જ ઉપયોગ કરજો, કારણ કે ધ્ધ તો ભાગ્યે જ ક્યારેક સુધારવાનો આવશે, જ્યારે દ્ધ તો બહુ વપરાશમાં હોવાથી સુધારવામાં બહુ જ સમય લે છે.
બહુ ભૂલો પાડતી નાની–મોટી (હ્રસ્વ–દીર્ઘ) ઇ તથા ઈ વાળા શબ્દોની યાદી :
ખાસ નોંધ : આ યાદીનો હેતુ લેખકોની ભૂલો ઓછી કરીને પ્રૂફરીડરોને રાહત આપવાનો પણ છે !! તેથી કેટલાક નુસખામાં ક્યાંક છૂટછાટ દેખાય તેવું બને. પરંતુ આ છૂટછાટ જોડણીને ખોટી કરવા અંગેની નથી.
૧) ગઈ, થઈ, હોઈ, કોઈ, જોઈ, લઈ, જઈ, લઈશું, જઈશું, જોઈશું વગેરે બધા જ શબ્દોમાં ઈ મોટો જ કરવો.
૨) ઈપ્સા, ઈર્ષા, ઈસ્વી, ઈસ્ટર, ઈશ્વર આટલા શબ્દોના અપવાદને બાદ કરતાં બાકીના બધા જ જોડાક્ષરની પહેલાનો ઇ હંમેશાં નાનો જ આવે છે.
વધુ જાણકારી અનુભવ થતા જશે તેમ મૂકવામાં આવશે.
સંપર્ક માટે જુગલકિશોર : jjugalkishor@gmail.com
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
હ્રસ્વ ઇ
ઇચ્છનીય
ઇચ્છવું
ઇચ્છા
ઇજન
ઇજનેર
ઇજાજત
ઇજાફો
ઇજારો
ઇજિપ્ત
ઇજ્જત
ઇઝરાયલ
ઇટાલિક
ઇટાલિયન
ઇટાલી
ઇડરિયો
ઇડા(નાડી)
ઇતર
ઇતરડી
ઇતરાજ
ઇતવાર
ઇતિ
ઇતિહાસ
ઇત્તિફાક
ઇદમ્
ઇધર
ઇનકાર
ઇનસાફ
ઇનામ
ઇનિંગ
ઇન્કમ
ઇન્કાર
ઇન્કિલાબ
ઇન્જક્ષન
ઇંજેક્ષન
ઇન્ડિપેન
ઇંડિપેન
ઇન્ડિયા
ઇંડિયા
ઇન્સ્પેક્ટર
ઇબાદત
ઇમામ
ઇમારત
ઇમ્તિહાન
ઇયળ
ઇરાક
ઇરાદો
ઇર્શાદ
ઇલમ
ઇલા
ઇલાકો
ઇલાજ
ઇલાયચી
ઇલાયદું
ઇલેક્ટ્રિક
ઇવ
ઇશારત
ઇશારો
ઇશ્ક
ઇશ્યુ
ઇષ્ટ
ઇસપ
ઇસમ
ઇસ્તરી
ઇસ્ત્રી
ઇસ્લામ
ઇંગળા
ઇંગિત (ઇશારો)
ઇંગ્લિશ
ઇંગ્લેંડ
ઇંચ
ઇંદિરા/ઇંદુ
ઇન્દ્ર/ઇન્દ્રિય
ઇંધન
દીર્ઘ ઈ
ઈજતદાર
ઈજા
ઈડલી
ઈથર
ઈદ
ઈપ્સા
ઈમાન
ઈરાન
ઈર્ષા/ઈર્ષ્યા
ઈવ
ઈશ
ઈશાન
ઈશુ
ઈશ્વર
ઈસ(ખાટલાની)
ઈસપ
ઇસવી
ઈસાઈ
ઈસા
ઈસ્ટર
ઈસ્વી
ઈંટ
ઈંડું
ઈંઢોણી
ઈંતડી
ઈંધણ
More from Gurjar Upendra
More Others
Interactive Games
Word Search
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ