સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ – સંકલિત
July 17 2015
Written By Gurjar Upendra
[1] ખમણ ઢોકળા : (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)
સામગ્રી :
500 ગ્રામ ચણાદાળ,
નારિયેળનું ખમણ,
આદું-મરચાં,
હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો.
રીત :
રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ખમણની ચટણી બનાવવા માટે, 200ગ્રામ ખમણનો ભૂકો, ખાંડ, રાઈ, કોથમીર, તેલ, 100 ગ્રામ અડદ-દાળ, લીમડો, કોપરું અને દહીં તૈયાર કરો. સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો. કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો. પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો. તેલમાં રાઈ, મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.
[2] રવાની ઉપમા (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)
સામગ્રી :
500 ગ્રામ રવો,
100 ગ્રામ અડદ-દાળ,
100 ગ્રામ કોપરા-છીણ,
વાટેલ આદું-મરચાં,
છાશ, કોથમીર, લીંબુ, મીઠું, તેલ,
દ્રાક્ષ, હિંગ, લીમડો, ખાંડ.
રીત :
સૌ પ્રથમ અડદની દાળને સાફ કરી, ધોઈ કોરી કરો. તેલ ગરમ કરી હિંગ અને મીઠા લીમડાનાં પાનનો વધાર કરી દાળને નાખીને સાંતળો. તેમાં રવો અને દ્રાક્ષ નાખી શેકો. પછી તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું, ખાંડ નાખીને, તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો. પછી છાશ ભેળવીને સીઝવો. તૈયાર થયે નીચે ઉતારી તેની ઉપર સમારેલ કોથમીર અને ખમણેલ કોપરું ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ઉપમાની ચટણી માટે 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી નારિયેળ-છીણ, 1 વાટકી દહીં, આદું, કોથમીર, દળેલ ખાંડ, મરચાં અને મીઠું તૈયાર કરો. સૌ પ્રથમ ચણાની દાળને શેકીને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખો. પાણી નિતારી તેમાં આદું-મરચાં, નારિયેળનું છીણ, ખાંડ, મીઠું, કોથમીર ભેગું કરી ચટણી કરો. તેમાં દહીં નાખી રસાધાર ચટણી બનાવો. હવે ઉપર બનાવેલ ઉપમા સાથે પીરસો.
[3] ખાંડવી (5 વ્યક્તિ, તૈ : 45 મિનિટ)
સામગ્રી :
250 ગ્રામ ચણા લોટ
1 લિટર છાશ,
રાઈ, હિંગ, કોથમીર, હળદર,
કોપરું, જીરું, મીઠું, મરચું.
રીત :
સૌ પ્રથમ ચણાના લોટમાં છાશ નાખી તેમાં મીઠું, મરચું, હળદર, સમારેલ મરચાં નાખીને હલાવો. તાપ ઉપર મૂકી હલાવતા રહો. તૈયાર થયે થાળીમાં તેલ લગાવીને પાથરો. ઠંડા થયે લાંબા કાપા મૂકી, તેના વીંટા કરો. તેલ ગરમ કરી રાઈ-હિંગ-જીરાનો વઘાર કરી, વીંટા ઉપર રેડો. છેલ્લે સમારેલ કોથમીર અને કોપરાનું ખમણ ભભરાવો.
[4] મસાલા દાળવડા (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)
સામગ્રી :
150 ગ્રામ નારિયેળ છીણ
150 ગ્રામ સીંગદાણા
400 ગ્રામ ચણાદાળ
100 ગ્રામ ચણાનો લોટ
વાટેલ આદું-મરચાં, કોથમીર, હળદર,
ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, મરચું,
લીંબુ, તલ, મીઠું.
રીત :
સૌ પ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા કાઢી તેમાં નારિયેળનું છીણ, વાટેલ-આદું-મરચાં, કોથમીર નાખી બધું વાટો. તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુનો રસ, મીઠું નાખી તેના ગોળા વાળો. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી, તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને તેલનું મોણ નાખી, તેને ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ચણાના ખીરામાં તૈયાર કરેલ ગોળા બોળી, બદામી રંગના થાય તેમ તળી લો.
More from Gurjar Upendra
More Others
Interactive Games
Crossword
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Ukhana
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં