ફાધર વાલેસની અજબ કાર્યનિષ્ઠા અને અનન્ય માતૃભક્તિ
February 02 2015
Written By Upendra Gurjar
ફાધર વાલેસ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી સાહિત્ય વંચાતું હશે એ દરેક જગ્યાએ એક સન્માનીય અને પ્રિય લેખક તરીકે અનોખું વ્યક્તિત્વ ધરાવે છે.એમનું જીવન પણ એમના સાહિત્ય જેટલું જ પ્રેરણાદાયી છે.
ફાધર વાલેસે એમની જિંદગીનાં પ્રથમ ૨૪ વર્ષ એમના જન્મના વતન સ્પેનમાં ગાળ્યાં અને એ પછીનાં ૫૦ વર્ષ ભારતમાં અને એ પણ મહત્તમ અમદાવાદમાં ગાળ્યાં હતાં.ફાધર વાલેસ સન ૧૯૪૯માં એક કેથલિક મિશનરી તરીકે ભારતમાં આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ૪૦ વર્ષ સુધી ગણિતના વિષયના વિદ્યાર્થીઓમાં ખુબ જ પ્રિય પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.સને ૧૯૯૯ માં શિક્ષણ કાર્યમાંથી નિવૃત્તિ લઈને હમ્મેશ માટે પોતાના મૂળ વતન માડ્રીડ,સ્પેન પાછા ગયા ત્યાં સુધીના પુરા ૫૦ વર્ષ પુરેપુરી રીતે પ્રવૃતિમય જીવન ગાળીને ગુજરાતીઓ સાથે સમરસ થઇ સવાઈ ગુજરાતી થઇ બધે સવાઈ ગયા હતા.દસ વર્ષ સુધી અમદાવાદની પોળોમાં વિહારયાત્રા કરી , “રખડતા મહેમાન” તરીકે રહ્યા અને બધા સાથે ભળી ગયા. એ રીતે એમના વિદ્યાર્થીઓ અને પરિવારો સાથે કેળવેલ આત્મીયતાને લોકો હજુ યાદ કરે છે.
એમની કર્મભુમી અમદાવાદમાં સમાજની વધુ નજીક આવવા માટે ખુબ જ ખંત અને મહેનતથી ગુજરાતી ભાષા શીખી લીધી એટલું જ નહીં પણ ગુજરાતીઓને પણ શરમાવે એવી એમની આગવી સરળ,પ્રવાહી અને શુદ્ધ ગુજરાતી ભાષામાં ૨૫ થી એ વધુ પુસ્તકો અને ૭૦ થી વધુ પુસ્તકો અંગ્રેજીમાં લખીને કાકા સાહેબ કાલેલકરની જેમ “સવાઈ ગુજરાતી”બનીને એક સિદ્ધ હસ્ત લેખક તરીકે પંકાઈ ગયા છે.વિદ્યાર્થી જગત,યુવાનોની સમસ્યાઓ ,કુટુંબજીવન,વ્યક્તિ,સમાજ અને ધર્મ એમ વિવિધ વિષયોને આવરી લેતાં એમનાં અંતરમાં અજવાળું કરે એવાં પ્રેરણાદાયી પુસ્તકો ઘણાં લોકપ્રિય છે.એમણે ગુજરાતીના ઉચ્ચ કોટીના સાહિત્યકાર તરીકેની ખ્યાતિ અને રણજીતરામ સુવર્ણ ચન્દ્રક જેવા પ્રતીસ્તિષ્ઠ એવોર્ડ પણ મેળવ્યા છે.
ગુજરાતની વિદાય લીધા પછી તેઓ સપ્ટેમબર ,૨૦૦૯મા એમણે લખેલ બિન નિવાસી ભારતીયોની પોતાની ખરી ઓળખ ( identity ) શું છે એ અંગેના એમના વિચારોનું દોહન કરતા અંગ્રેજી પુસ્તક “ ટુ કન્ટ્રીઝ , વન લાઈફ :એન્કાઉન્તર ઓફ કલ્ચર્સ “ ના લોકાપર્ણ પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. ફરી ૧૮ મી નવેમ્બર ૨૦૧૧ ના રોજ એમના બીજા અંગ્રેજી પુસ્તક “નાઈન નાઈટ્સ ઇન ઈન્ડિયા “ના ગુજરાતી સાહિત્ય પરીષદમાં કરવામાં આવેલ લોકાપર્ણ પ્રસંગે અમદાવાદ આવ્યા હતા.આ પ્રસંગે એમણે કહેલું,’લોકોનો ઉમંગ જોઈને એવું લાગે છે કે હું સ્પેન ગયો જ નહોતો,અહીં જ હતો .”
ફાધર વાલેસની માતૃભક્તિ
આજીવન પ્રાધ્યાપક,લેખક અને ઉપદેશક એવા સ્પેનિશ મૂળના પરંતુ ગુજરાતમાં રહી સવાઈ ગુજરાતી બની ગયેલ ફાધર વાલેસને નિવૃત્તિ લીધા પછી પણ પાછા સ્પેન જવાનો મનમાં કોઈ વિચાર ન હતો.તેઓએ કયા કારણે વતન સ્પેન જવાનું નક્કી કર્યું એ અંગે એમણે લખ્યું છે:”મારી જિંદગીના ૫૦ વર્ષ હું ભારતમાં રહ્યો .મને ત્યાં એટલું ગમી ગયેલું કે હું પાછો સ્પેન આવવા માગતો ન હતો.પરતું મારાં માતા જ્યારે ૯૯ વર્ષનાં અહીં (સ્પેનમાં )એકલાં પડ્યાં એટલે એમણે મને સ્પેન પાછા આવી જવા જણાવ્યું.મારી માતાની ઈચ્છાને માન આપી હું સ્પેન આવી ગયો અને એમની સેવામાં લાગી ગયો .જ્યારે મારી માતાને હું પુછું કે બા તારી તબિયત કેમ છે ?એનો હમ્મેશનો જવાબ હોય કે દીકરા મારી જોડે તું છે એટલે કોઈ દુખ નથી,મજામાં છું.”
એમની માતાની સાથે ગાળેલ સમય અંગે એ વધુમાં જણાવતાં કહે છે :”વૃધ્ધાવસ્થા માં માતા-પિતા જોડે રહી એમની સંગતમાં રહેવું એ એમની મોટામાં મોટી સેવા છે.માતાની ગમે તેટલી ઉમર હોય તો ય દીકરાના જીવન ઉપરનો એમનો મંગળ પ્રભાવ કદી ય પુરો થતો નથી.જિંદગીનું સૌથી માંઘુ ઔષધ માતાનો પ્રેમ છે.મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ એ છે કે મારી માતાની માંદગી દરમ્યાન એમની સેવા ચાકરી કરવાની તક મને પ્રાપ્ત થઇ.તેઓ ૧૦૧ વર્ષ જીવ્યાં અને એમની અંતિમ ક્ષણોએ હું એમની સાથે હતો.એમના ચહેરા પર મારા પ્રત્યેનો સંતોષ અને આશીર્વાદના જે ભાવો પ્રગટ્યા હતા તે આજે પણ મારામાં જાણે કે નવી શક્તિ પ્રેરે છે.”ફાધર વાલેસની નિર્મળ માતૃભક્તિનું આ કેટલું પ્રેરણાદાયક ઉદાહરણ કહેવાય!.
આજની પોસ્ટમાં નીચે ફાધર વાલેસનો એક સુંદર લેખ “બાના આશીર્વાદ “રીડ ગુજરાતી.કોમના સૌજન્યથી નીચે મુક્યો છે .આ લેખમાં વાચકોને માતા અને એમના અન્યોન્યના પ્રેમના શુભગ દર્શન એમની રસાળ શૈલીમાં એમણે કરાવ્યાં છે.
સીનીયર સીટીઝનો માટે પ્રેરણામૂર્તિ ફાધર વાલેસ
આજીવન કાર્યનિષ્ઠ અને સદા પ્રસન્ન ફાધર વાલેસ હાલ એમની ૮૬ વર્ષની જૈફ ઉંમરે પણ એમનાં વતન માડ્રીડ ,સ્પેન ખાતે એક યુવાનની જેમ ખુબ જ ઉત્સાહપૂર્વક પોતાનો નિવૃત્તિ કાળ સમાજ ઉપયોગી પ્રવૃતિઓમાં ગાળી રહ્યા છે.તેમના કહેવા પ્રમાણે: “ જિંદગીમાં સતત પ્રવૃત રહેલા માણસ માટે નિવૃત્તિ જેવો કોઈ શબ્દ જ અસ્તિત્વ ધરાવતો નથી.પોતાની નોકરીમાંથી નિવૃત્તિ પછીનો સમય જ્ઞાનપિપાસુ માટે તો એક સુવર્ણકાળ છે.” આજે આ ઉંમરે પણ એમની કલમ વણથંભી ચાલી રહી છે છે.
સને ૧૯૯૯માં નિવૃત્તિ લઈને માતાની છેલ્લી જિંદગીમાં એમની સાથે રહેવાના નિર્ણય સાથે તેઓ વતન સ્પેન પરત થયા ત્યારે એમની ૭૫ વર્ષની ઉંમરે એક વિદ્યાર્થીની જેમ કમ્પ્યુટર શીખવાના ક્લાસ ચાલુ કર્યા .થોડા વખતમાં પોતે ઉપયોગ કરતા હતા એ જુના ટાઈપ રાઈટરને તિલાંજલિ આપી અને નવું કમ્પ્યુટર ખરીદ્યું.ત્યારબાદ એમણે ઈન્ટરનેટ વેબ સાઈટનો કોર્સ પુરો કર્યો.આધુનિક ટેકનોલોજીથી માહિર થયા પછી એમના માટે જ્ઞાનની વધુ દિશાઓ ખુલ્લી થઇ ગઈ.તેઓ ૧૯૯૯ થી એમની પોતાની વેબ સાઈટhttp://www.carlosvalles.com મારફતે દર મહિનાની ૧લી અને ૧૫મી તારીખે સ્પેનિશ અને અંગ્રેજી ભાષામાં પોતાના ધાર્મિક અને ચિંતનાત્મક લેખોથી લાખો લોકોના જીવનમાં નવો ઉન્મેશ અને નવી તાજગી આપી રહ્યા છે.
એમના કહેવા પ્રમાણે :”મારી નિવૃતિ પછીના વરસોમાં હું જે શીખ્યો છું એણે મારા આજ સુધીના જીવનભાથામાં ઘણું બધું ભરી દીધું છે.”ફાધર વાલેસ આજે એમની ૮૬ વર્ષની ઉમરે સ્પેનિશ,ફેંચ,જર્મન ,અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ સારી રીતે જાણે છે..
ફાધર વાલેસ એમના નિવૃત્તિકાળમાં એક જુવાન જેવું દિલ અને દિમાગ સાબુત રાખીને જે રીતે એમની અપ્રતિમ કાર્યનીષ્ઠા અને ધ્યેયનીષ્ઠાનાં સૌને દર્શન કરાવી રહ્યા છે એમાંથી સૌ સીનીયર સીટીઝન ભાઈ-બહેનોએ એ શીખવાનું છે કે કઈ પણ નવું શીખવા કે અમલમાં મુકવા માટે કોઈ ઉમર મોટી નથી.જીવન સંધ્યાના આ સુવર્ણ કાળમાં તમે જે સ્વપ્ન સેવતા હો એને કાર્યમાં રૂપાંતરિત કરવાના ધ્યેયને ઉમરનું કારણ આડે લાવીને કરમાવા દીધા વગર તમને ગમતી કોઈ પણ પ્રવૃતિ માટે લાગી જવું જોઈએ ,જેમ મારા ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડ શ્રી સુરેશ જાની હાલમાં જે ઉત્સાહ અને ધગશથી ચાર/પાંચ બ્લોગોમાં સક્રિય રીતે પ્રવૃતિશીલ રહી સાથે આધ્યાત્મના માર્ગને પણ અનુસરી રહ્યા છે.
Credit Source :
https://vinodvihar75.wordpress.com/
More from Upendra Gurjar
More Article
Interactive Games
Jumble Fumble
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
Quick Quiz
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
Whats My Spell
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.