યહૂદીઓના હાસિડિસમ પંથના વડા એટલે બાલ શૅમ. રોજના નિત્ય ક્રમ મુજબ તેઓ નિશ્ચિત સમયે બીચ પર જતા, અમુક નિશ્ચિત કલાકો સાંજે ત્યાં ગાળતા અને નિશ્ચિત સમયે પાછા ફરતા. તેમના ક્રમમાં કોઈ ફેર પડતો નહીં. જે રસ્તેથી તેઓ આવતા ત્યાં થોડે દૂર બીચથી લગભગ દસેક મિનિટના અંતરે એક બંગલો હતો. આ બંગલાનો ચોકીદાર રોજ આ ઓલિયાને જોતો. આવી વેરાન જગ્યાએ આ માણસ રાતના અંધારામાં શું કરતો હશે, કોને મળતો હશે, શા માટે જતો હશે? એ તેને સમજાતું નહીં.
એક દિવસ હિંમત કરી તેણે ઓલિયાનો રસ્તો આંતર્યો અને પૂછી લીધું.
“માફ કરજો, પરંતુ હું તમને રોજ સાંજે આ સમયે કેટલાય દિવસોથી આવતા-જતા જોઉં છું. મને કેટલાય દિવસથી પૂછવાનું મન થાય છે કે તમને પૂછું કે તમે ક્યાં જાઓ છો, શું કામ જાઓ છો અને ત્યાં આટલા બધા કલાકો, આટલે મોડે સુધી શું કરો છો, તમારો ધંધો શું છે, ખોટું ન લાગે, અવિનયપણું ન લાગે તો જવાબ આપશો.”
ઓલિયાએ હસીને કહ્યું,
“ભાઈ, હું પણ તને રોજ જોઉં છું. તું ક્યારેક કેટલાક અંતર સુધી મારો પીછો કરે છે, એ પણ મને તારા પગના ધબકારાના અવાજ કહી જાય છે. તારા મનમાં કુતૂહલતા જાગી એ પણ મને ખબર છે. તારા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં હું તને વળતો પ્રશ્ન પૂછવા માંગું છું, કે તું અહીં શું કામ કરે છે, ભાઈ?”
“હું તો આ બંગલાનો ચોકીદાર છું સાહેબ અને તેની રખેવાળી કરું છું. કોઈ આગંતુક, ચોર, લૂંટારો અંદર ઘૂસે નહીં એની તકેદારી રાખું છું, એ જ તો મારું કામ છે અને એનાજ તો મને પૈસા મળે છે. હવે તમે શું કરો છો એ તો કહો ? ”
તારી જેમ હું પણ ચોકીદાર જ છું, ભાઈ?
“શાની ચોકી કરો છો તમે? ચોકીદારે પૂછ્યું, કોઈ મહેલની, બાળકની, પ્રાણીઘરની કે કોઈના ઘરની? તમે જ્યાં જાઓ છો ત્યાં મને તો કોઈ દેખાતું નથી અને હા, કામ કરવાના તમને પૈસા એટલે કે પગાર કોણ આપે છે? તેણે ઉમેર્યું.”
વાત તો તારી બિલકુલ સાચી છે, ભાઈ. આ વેરાન જગ્યામાં તું કહે છે એવું કશું જ નથી, છતાં હું ચોકી કરું છું એ વાત સાચી છે. ફરક છે માત્ર તારા અને મારા કાર્યમાં, તેના દૃષ્ટિકોણમાં, તેના વ્યવહારમાં, તું બાહ્ય વસ્તુઓની ચોકી કરે છે, ખરું ને? બહારથી કોઈ અજાણ્યો શખ્સ આક્રમણ કરતો આવીને કોઈ નુકસાન તો નથી પહોંચાડતો ને એનું ધ્યાન તું રાખે છે, બરાબર ને. ત્યારે હું તો મારા અંતરના દરવાજાની ચોકી કરી રહ્યો છું. મારા અંતરમાં કોઈ નકામી વાત, નકામા વિચારો મને નુકસાન પહોંચાડવાની કોશિશ તો નથી કરી રહ્યા ને એનું હું સજાગતાથી ધ્યાન રાખું છું. આવી વિકૃતિઓ અંદર પ્રવેશે નહીં, આત્મશુદ્ધિને ડાઘ લગાડે નહીં એનું હું ધ્યાન રાખું છું. મારી નબળાઈઓ, મારી ભૂલોનું હું શોધન કરતો બેસી રહું છું અને હા, મને આ કાર્યના કોઈ પૈસા નથી મળતા અને ખરું કહું તો મને એનો ખપ પણ નથી. આમ કરવાથી મને જે આત્માનંદ મળે છે તે અવર્ણનીય છે. આવો ઉલ્લાસ, આવી તૃપ્તિનો ઓડકાર ખાવા રોજ હું અહીં આ જગ્યાએ આવું છું.
ઓલિયાની વાત સાંભળી ચોકીદાર ચોંક્યો. તમારી વાત સાચી લાગે છે, તે ધીરેથી બોલ્યો.
મને તો મારા કામના દર મહિનાના અંતે પૈસા મળે છે, પરંતુ મને તમે વર્ણવો છો એવો આનંદ ક્યારેય પ્રાપ્ત થયો નથી. શું ખરેખર આવો આનંદ, અંતરાત્માને જોતાં નિરીક્ષણ કરતાં, આત્મશોધન કરતાં મળી શકે? એણે પૂછી જ નાખ્યું.
કેમ નહીં ભાઈ, તું પણ તારી અંદર રહેલી ત્રુટીઓને, વિકારોને ટટોળતા શીખી જા અને પછી જો તને શું પ્રાપ્ત થાય છે તે! ઓલિયાએ કહ્યું.
ચોકીદાર બોલ્યો, “મને જોતાં તો આવડે છે, પણ…… ”
તેની વાત કાપતાં બાલ શૅમ બોલ્યા, ‘હા ભાઈ, તારે માત્ર તારી જોવાની દિશા અને દૃષ્ટિ બે બદલવાનાં છે. તું બાહ્ય જગતની ચોકી છોડી, દિશાફેર કરી આંતરજગતની ચોકી કરવાની ટેવ પાડી દે, પછી જો તને પણ મને મળે છે તેવો આનંદ મળશે.’
ચોકીદારે ઓલિયાની વાત અમલમાં મૂકી અને એને અદ્ભૂત આનંદ પ્રાપ્ત થયો!
જીવનનો મહામૂલ્ય સમય આપણે બાહ્યજગતની લીલા જોઈ, તેની ઝાકઝમાળ જોઈ અંજાઈ જઈ તેને માણવામાં, તેને પ્રાપ્ત કરવા પાછળ ખર્ચી નાખીએ છીએ. જીવનનિર્વાહ માટે, વ્યવહાર માટે અમુક ક્રિયાઓ અનિવાર્ય છે તે ખરું, પરંતુ પરિણામે આપણે તો આપણને પોતાને ભૂલી જઈએ છીએ. આપણા જીવનનું લક્ષ્ય વીસરી જઈએ છીએ. એની સામે જોવાની, જાણવાની, આનંદ માણવાની ફુરસદ જ નત્ઘી આપણી પાસે. આંતરિક આનંદની અનુભૂતિ કરવાનો વિચાર પણ આપણને આવતો નથી. આપણે જાણીએ છીએ છતાં તે પ્રાપ્ત નથી થતું, કારણકે આપણી અંદર જ જાગૃતિનો અભાવ છે. આપણી દૃષ્ટિને બીજે બધે જવાથી રોકી લઈએ, સંકોરી લઈ અંતરાઅત્મા તરફ વાળીએ તો અનન્ય ખજાનો ઉપલબ્ધ થઈ શકે અને આ ખજાનો અમૂલ્ય છે, એના તોલ-મોલ તે કાંઈ હોઈ શકે ભલા?
સાભાર – ચાલ મન અંતરયાત્રા કરીએ માંથી
યહૂદી – Jewish. m. Jew.
આત્મશુદ્ધિ – self-purification, purification of the mind.
ઓડકાર – belching, eructation.
અંતરાત્મા – individual soul, the inner being; heart.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.