આધુનિકતાને ટક્કર આપે એવું સાડા ચાર હજાર વર્ષ જૂનાં આ મકાનોનું જર્જરિત માળખું આજે પણ લોથલમાં જોવા મળે છે. વર્તમાન ટાઉન પ્લાનિંગને પણ પાછું પાડે તેવી હડપ્પા સંસ્કૃતિનાં બે નગરો લોથલ અને ધોળાવીરામાંથી મળ્યાં છે
સામાન્ય જમીન સપાટીથી પંદર મીટર ઊચે ટેકરા ઉપર ઇંટોથી બનેલા કેટલાક ચોરસ, લંબચોરસ ટુકડા નજર સામે છે. વધારે નજીકથી જુઓ ત્યારે તમને કોઈ નવા બની રહેલા મકાનનું માળખું દેખાય છે. મકાનનો પાયો મજબૂત છે, બાજુમાં બાથરૂમ છે, ગંદા પાણીના નિકાલ માટે ગટરલાઇન પણ છે… ગાઇડ હીરાભાઈની વાત સાંભળીને તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાવ છો.
તે કહે છે કે, ‘આધુનિકતાને ટક્કર આપે એવું આ જર્જરિત માળખું સાડા ચાર હજાર વર્ષ જૂનું છે.’ તમે જ્યાં ઊભા છો તે જગ્યા છે લોથલ. વિશ્વની સૌથી સુવિકસિત સમાજવ્યવસ્થા ધરાવતું નગર. અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ વિશ્વનું સોપ્રથમ બંદર પણ છે. લોથલની સાથે કચ્છમાં આવેલું ધોળાવીરા પણ હડપ્પા સંસ્કૃતિનું અતિમહત્વનું નગર છે.
લોથલ અને ધોળાવીરા એ વાતની સાબિતી આપે છે કે, ૪૫૦૦ વર્ષ પહેલાં પણ ગુજરાત અને ભારતની સંસ્કૃતિ વિશ્વની સમકાલીન સંસ્કૃતિથી ઘણી આગળ હતી. સમુદ્રમાર્ગે વેપારનો વિચાર નહોતો થતો, ત્યારે અહીંની પ્રજા ઇરાન, ઇરાક, ઇજિપ્ત સાથે વ્યાપારિક સંબંધ ધરાવતી હતી. ટાઉન પ્લાનિંગમાં હડપ્પા સંસ્કૃતિનાં આ બે નગરો આજની વ્યવસ્થાને ટક્કર મારે તેવાં હતાં. આયોજનબદ્ધ મકાનો, દરેક મકાનમાં બાથરૂમની વ્યવસ્થા, ગંદાં પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરલાઇન, ગામમાં મિટિંગ માટે ચોરો વગેરે વગેરે.
આ બધી વસ્તુ આજે પણ વિશ્વના આર્કિયોલોજિસ્ટ્સના મોંમાં આંગળા નખાવી દે છે. વિદેશીઓ જ્યારે આ સાઇટની મુલાકાત લે છે ત્યારે તેમનો એક જ પ્રશ્ર હોય છે કે, ‘શું ત્યારે પણ આજના જેવું વ્યવસ્થાતંત્ર હતું ? લોકો આજની જેમ વિચારી શકતા હતા?’ લોથલ અને ધોળાવીરાના લોકો ચિત્રલિપિનો ઉપયોગ કરતા હતા. વિશ્વભરના પુરાતત્વવિદે અનેક પ્રયત્ન કરી જોયા, છતાં આ લિપિ આજ સુધી ઉકેલી શકાઈ નથી.
લોથલને વિશ્વનું સોપ્રથમ બંદર માનવામાં આવે છે. ત્યારે લોથલનાં લોકોએ બંદરની ખાડીમાં એવી વ્યવસ્થા કરી હતી કે દરિયાનું વધારાનું પાણી કેનાલ વાટે ફરી પાછું દરિયામાં ભળી જાય છે. સાબરમતી અને ભોગાવો નદીનું વહેણ બદલાઈ ચૂક્યું છે. આ બંને નદી આજે લોથલથી ૨૦ કિ.મી. દૂર વહે છે, જ્યારે અરબી સમુદ્ર આજે લોથલથી ૬૦ કિલોમીટર દૂર હટી ગયો છે. ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીના ડાયરેક્ટર વાય. એસ. રાવત કહે છે કે, ‘આજની વ્યવસ્થા હડપ્પા સંસ્કૃતિની દેન છે. હડપ્પા સંસ્કૃતિ એ વાતની સાબિતી આપે છે કે ભારત ખંડ ત્યારે પણ વિશ્વથી આગળ હતો.
વધુ માહિતી માટે : http://www.divyabhaskar.co.in/2010/04/05/worlds-first-modern-culture-839420.html
આર્કિઓલોજીસ્ટ – પ્રાચીન તત્ત્વવિદ્યાનો જાણકાર માણસ; પ્રાચીન વિદ્યાનો વિદ્વાન; પુરાતન કાળને જાણનાર માણસ; જૂના ઈતિહાસથી જાણીતો માણસ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.