બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.
એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’
આ સાંભળી બીજો ગપ્પીદાસ બોલી ઊઠયો : ‘હા. તદ્દન સાચી વાત છે. હું એ વખતે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. જ્યારે એ વાઘ મારી તદ્દન નજીકથી પસાર થયો ત્યારે તેની મૂછોને મેં હાથ ફેરવ્યો ત્યારે ભીની હતી.’
*******
પત્નીએ પતિને પૂછ્યું : ‘જ્યારે આપણા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તો તમે મને ખૂબ સરસ નામોથી બોલાવતા હતા જેમ કે, ‘મારી રસમલાઈ, મારી રબડી, મારી બરફી…. વગેરે..’ તો હવે તમે મને એ નામોથી કેમ નથી બોલાવતા ?’
પતિ : ‘હા, તે પણ દૂધની મીઠાઈઓ આખરે કેટલા દિવસ તાજી રહે ?’
**********
મગન : ‘બોલ છગન, તને બે મિનિટ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે ?’
છગન : ‘મેગી બનાવું. બીજું તો શું કરું બે મિનિટમાં ?’
મગન : ‘ધારો કે પાંચ વર્ષ માટે બનાવે તો શું ધાડ મારે ?’
છગન : ‘ના રે બાપ, હું ના બનું પાંચ વર્ષ માટે.’
મગન : ‘કેમ ?’
છગન : ‘અરે, એટલી બધી મેગી ખાય કોણ ?’
*****
ડોક્ટર : ‘સવારે, બપોરે અને રાત્રે ગોળીઓ બે ગ્લાસ પાણી સાથે લેશો.’
દર્દી : ‘ડૉક્ટર, ખરેખર મને શું બીમારી છે ?’
ડૉકટર : ‘તમે પૂરતું પાણી નથી પીતા.’
******
છાપરામાંથી પાણી ટપકતું હતું તે બંધ કરવા માટે છગને કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું : ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
છગન : ‘કાલે રાત્રે મને સૂપ પૂરો કરતાં બે કલાક લાગ્યા ત્યારે.’
*****
પત્ની : ‘ ‘નારી’ નો અર્થ શું છે ?’
પતિ : ‘ ‘નારી’નો અર્થ છે શક્તિ.’
પત્ની : ‘તો પછી ‘પુરુષ’નો અર્થ શું છે ?’
પતિ : ‘સહન શક્તિ.’
*****
છોકરીવાળા : ‘અમારે એવો છોકરો જોઈએ છે જે પાન, સિગારેટ, દારૂ કંઈ જ ન લેતો હોય, ફકત બાફેલું અને ઉકાળેલું ખાતો હોય અને દિવસ-રાત ભગવાનનું ભજન કરતો હોય.’
પંડિત : ‘એવો છોકરો તો તમને હોસ્પિટલના આઈ.સી.યુ. સિવાય બીજે ક્યાંય નહિ મળે !…’
******
એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું:
‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’
પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’
*****
માલિક તેનાં નોકરને : ‘અહીં બહુ બધા મચ્છરો ગણગણી રહ્યાં છે, તું બધાને મારીને પાડી દે.’
થોડીવાર પછી…
માલિક : ‘અરે રામુ, તને મેં મચ્છરોને મારી નાંખવાનું કહ્યું’તું, તેં હજુ સુધીએ કર્યું નથી ?’
રામુ : ‘માલિક મચ્છરોને તો મેં મારી નાંખ્યા. આ તો એમની પત્નીઓ છે, જે વિધવા થયા પછી રોઇ રહી છે…..’
*****
કલાસમાં અંગ્રેજીના શિક્ષક બાળકો પાસે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવી રહ્યા હતાં.
શિક્ષકે ચિંટુને કહ્યું : ‘હું તને મારી નાખીશ’નો અંગ્રેજીમાં અનુવાદ કર.
ચિંટુ : ‘અંગ્રેજી ગયું તેલ લેવા, એકવાર મને હાથ તો અડાડી જુઓ….!!!’
******
એક વ્યક્તિનો પગ લીલો થઇ ગયો, ડોક્ટર કહે, ‘ઝેર ચડ્યું છે, કાપવો પડશે..’
કાપી નાખ્યો..!!
થોડા દિવસ પછી બીજો પણ લીલો…
તેને પણ કાપ્યો..
તે વ્યક્તિ લાકડાના પગ પર આવી ગઈ…!!
થોડા દિવસ પછી લાકડાના પગ પણ લીલા..!!
ડોક્ટર કહે : ‘હવે ખબર પડી…!! તમારી લૂંગીનો રંગ જાય છે..!!’
******
ડૉક્ટરે હ્રદયના દર્દી ચુનીલાલનું ચેકઅપ કર્યું અને બોલ્યા, ‘હવે હું તમને કાલે જોઈશ.’
ચુનીલાલ, ‘તમે તો મને કાલે જોશો પરંતુ હું પણ તમને કાલે જોઈ શકીશ કે નહીં ?’
******
મોન્ટુ પહેલી વાર વિમાનમાં બેઠો હતો.
વિમાન રન-વે પર દોડી રહ્યું હતું. મોન્ટુને ગુસ્સો આવ્યો એટલે એ પાયલોટ પાસે ગયો અને કહ્યું,
‘એક તો પહેલેથી જ મોડું થયું છે અને હવે તમે બાય રોડ લઈ જાઓ છો !’
*****
બારમા ધોરણમાં નાપાસ થયેલા નયનેશે એના પપ્પાને કહ્યું, ‘ખરાબ અક્ષરો નડ્યા, નહિતર હું પાસ થઈ જાત.’
‘પણ તારા અક્ષર તો ખૂબ જ સારા છે ને !’ પપ્પાએ કહ્યું.
‘તમે ગોઠવેલો જે માણસ મને કાપલીઓ દેવા આવતો હતો એના અક્ષર બહુ ખરાબ હતા.’
******
માયાએ દુકાન પર બોર્ડ હતું તેમાં વાંચ્યુ…
બનારસી સાડી ૧૦ રૂ.
નાયલોન સાડી ૮ રૂ.
કોટન સાડી ૫ રૂ.
માયાએ ખૂબ ખુશ થઈને પતિ પાસે આવીને કહ્યું, ‘મને ૫૦ રૂપિયા આપો. હું દસ સાડી ખરીદવા માગું છું.’
પતિ, ‘ધ્યાનથી વાંચ આ સાડીની નહીં, ઈસ્ત્રીની દુકાન છે.’
****
ડોક્ટર, ‘તમારી કિડની ફેઈલ થઈ ગઈ છે.’
મોન્ટુ, ‘શું મજાક કરો છો… મારી કિડની તો ક્યારેય સ્કૂલે ગઈ જ નથી.’
****
આભારઃ
http://www.readgujarati.com
ગપ્પીદાસ – ગપ મારનાર, ગપ્પી
છાપરું – મકાન ઉપર એક ઢાળનું કે બે ઢાળનું વળી વંજી ઉપર નળિયાં કે ઘાસપાલો નાખી અથવા પતરાં નાખી કરવામાં આવતું ઢાંકણ. (૨) છાપરાવાળું મકાન, ખોરડું
અનુવાદ – બોલેલું ફરી ફરી બોલવું એ. (૨) ભાષાંતર, તરજુમો. (૩) પુનરુક્તિ. (૪) વિધિ કે નિયમને દાખલા દલીલોથી મજબૂત કરવા માટે એનું જુદા શબ્દમાં કથન, માન્ય સિદ્ધાંતને દાખલા તથા પુષ્ટિ માટે ફરી રજૂ કરવાપણું (મીમાંસા.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.