રાજાએ પાછળ ફરીને જોયું તો ઝાડીમાંથી એક દાઢીવાળા માણસને દોડી આવતો જોયો. એ માણસે તેનું પેટ બંને હાથથી દબાવી રાખ્યું હતું અને તેની આંગળીઓ વચ્ચેથી લોહીની ધાર વહી રહી હતી. એ રાજા તરફ દોડી ગયો અને રાજાના પગ આગળ બેભાન થઈને પડ્યો અને કણસવા લાગ્યો.
રાજાએ અને સાધુએ મળીને એના કપડાં કાઢ્યાં. એના પેટમાં મોટો ઘા પડેલો હતો. રાજાએ એનો ઘા ધોયો અને પોતાના રૂમાલથી અને સાધુના ટુવાલથી એના ઉપર પાટો બાંધી દીધો, પરંતુ ઘા માંથી લોહી વહેતું બંધ ન થયું. રાજાએ ગરમ લોહીવાળા પાટા વારંવાર બદલ્યા કર્યા. આખરે લોહી વહેતું બંધ થયું. ઘાયલ માણસ ભાનમાં આવ્યો અને તેણે પાણી માગ્યું. રાજા ચોખ્ખું પાણી લઈ આવ્યો અને તેને પીવા આપ્યું. દરમિયાન સૂરજ આથમી ગયો અને ઠંડી શરૂ થઈ. રાજા સાધુની મદદથી એ ઘાયલ માણસને ઝૂંપડીમાં લઈ ગયો અને ત્યાં પથારીમાં સુવાડ્યો. તે આંખો મીંચીને ઊંંઘી ગયો. ચાલવાથી અને શ્રમથી રાજા એટલો બધો થાકી ગયો હતો કે તે ઝૂંપડીના ઉંબરામાં જ સૂઈ ગયો અને ઉનાળાની ટૂંકી રાતે ઘસઘસાટ ઊંંઘી ગયો.
સવારે જ્યારે એ જાગ્યો ત્યારે એણે જોયું કે તેની સામે કોઈ માણસ એકીટશે જોઈ રહ્યો છે. રાજાએ આંખો ઉઘાડી ત્યારે એ દાઢીવાળા માણસે ધ્રૂજતા અવાજે કહ્યું : ‘મને માફ કરો.’
રાજાએ કહ્યું, ‘હું તને ઓળખતો નથી.’ પેલા માણસે જવાબ આપ્યો : ‘પણ હું તમને ઓળખું છું. હું તમારો દુશ્મન છું. તમે મારા ભાઈને મારી નાખેલો અને અમારું રાજ્ય લઈ લીધેલું. તેનો બદલો લેવા હું લાગ શોધતો હતો. તમે આ બાજુ આવ્યા છો એવી મને ખબર પડી અને તમે પાછા ફરો ત્યારે તમને મારી નાખવાનું મેં નક્કી કર્યું, પરંતુ જ્યારે આખો દિવસ પૂરો થઈ ગયો અને તમે પાછા ન ફર્યા ત્યારે હું તમને શોધી કાઢવા મારા સંતાવાના સ્થળેથી બહાર નીકળ્યો, ત્યાં તમારા સૈનિકો મને જોઈ ગયા. તેઓ મને ઓળખી ગયા. મારા પર હૂમલો કરી તેમણે મને ઘાયલ કર્યો. હું તેમનાથી બચવા નાસી છૂટ્યો અને જો તમે મારી સારવાર ન કરી હોત તો લોહીના વહેવાથી હું જરૂર મરી જાત. મારો આશય તમને મારી નાખવાનો હતો, પણ તમે મારી જિંદગી બચાવી છે. હવે જ્યાં સુધી જીવતો રહીશ અને ત્યાં સુધી તમારી સેવા કરીશ. ‘હે રાજા ! મને માફ કરો.’
પોતાના દુશ્મન સાથે આટલી સહેલાઈથી સુલેહ થઈ જવાથી રાજા ઘણો જ ખુશ થયો. તેણે તેને માફી તો આપી જ ઉપરાંત તેની બધી જ મિલકત પાછી સોંપવા વચન આપ્યું અને પોતાના અંગત વૈદ્યોને એની સારવાર કરવા અને સેવકોને એની સેવા કરવા મોકલવા એમ નક્કી કર્યું.
પછી તે ઘાયલ માણસની રજા લઈને ગયો. રાજા પેલા સાધુની શોધમાં બહાર નીકળ્યો. આ સ્થળ છોડતાં પહેલાં છેલ્લી વાર પોતાના પ્રશ્નોના જવાબ આપવાની તેમને વિનંતી કરવા તે ઇચ્છતો હતો.
તેણે સાધુને આગલે દિવસે ગોડેલી ક્યારીઓમાં વાંકા વળીને બી વાવતા જોયા.
રાજા તેમની પાસે ગયો અને કહ્યું, : ‘હે સાધુ મહારાજ ! આ છેલ્લી જ વાર હું તમને મારા પ્રશ્નોના જવાબ આપવા વિનંતી કરું છું.’
‘પરંતુ તમને જવાબો અપાઈ ચૂક્યા છે.’ સાધુએ રાજાની સામે જોતાં કહ્યું.
‘એ શી રીતે ?’ રાજાએ પૂછ્યું.
‘શી રીતે ?’ સાધુએ એનો જ પ્રશ્ન સામે પૂછીને કહ્યું : ‘શું તમે ગઈ કાલે મારી શારીરિક દુર્બળતા પર દયા આવવાથી આ ક્યારીઓ મને ગોડી આપી નહોતી ? જો તમે એકલા પાછા ફરી ગયા હોત તો પેલા માણસે તમારા પર હૂમલો કર્યો હોત અને મારી પાસે ન રોકાવા બદલ તમને પશ્ચાતાપ હોત. આથી સૌથી મહત્ત્વનો સમય તો એ જ હતો જ્યારે તમે ક્યારીઓમાં ગોડ કરી રહ્યા હતા. હું સૌથી વધુ ઉપયોગી માણસ હતો અને સૌથી ઉપયોગી કામ તે મને મદદ કરવાનું સારું કાર્ય તમે જે કરી રહ્યા હતા તે હતું.
‘ત્યારબાદ જ્યારે પેલો ઘાયલ માણસ દોડતો આપણા તરફ આવ્યો ત્યારે સૌથી મહત્ત્વનો સમય એ હતો જ્યારે તમે તેના ઘા બાંધ્યા ન હોત તો તે માણસ તમારી સાથે સુલેહ કર્યા વિના જ મૃત્યુ પામ્યો હોત. આથી એ સૌથી ઉપયોગી માણસ હતો અને તમે તેને માટે જે કાંઈ કર્યું તે સૌથી મહત્ત્વનું કાર્ય હતું.
‘આથી હવે યાદ રાખજો કે સૌથી મહત્ત્વનો સમય એક જ છે અને તે છે હાલનો સમય એટલે વર્તમાનકાળ અને એ અગત્યનો છે, કારણ કે એ સમય જ આપણા મન પર આધિપત્ય ધરાવતો હોય છે. સૌથી મહત્ત્વનો માણસ તે જ છે, જેની સાથે તમે આ સમયે છો, કારણ કે કોઈ ચોક્કસ જાણી શકતું નથી કે ભવિષ્યમાં બીજા માણસો સાથે પ્રસંગ આવવાના છે કે નહીં અને સૌથી ઉપયોગી કામ તો એ સમયે એ જ માણસનું ભલું થાય તેવું કાર્ય કરવું તે છે, કારણ કે એ માણસનો તમારા જીવનમાં આવવાનો આ એક જ ઉદ્દેશ હોઈ શકે.
સાધુની વાત સાંભળ્યા પછી રાજા નિરુત્તર બન્યો. તેના ત્રણેય પ્રશ્નોના ઉત્તરો મળી જતાં તેના મનનું સમાધાન પણ થયું
-મહાત્મા ટોલ્સ્ટોયના કથાનક પર આધારિત (દૃષ્ટિ તેવી સૃષ્ટિ)
વાંચો આ બ્લોગનો પ્રથમ ભાગ અહીં
ઝૂંપડી – નાનું ઝૂંપડું, કુટી
ઊમરો – ઉદુંબર નામનું વૃક્ષ, ઊમરાંનું ઝાડ. (૨) બારસાખ વચ્ચેનું નીચેનું આડું લાકડું, ઊંબરો
ઉદ્દેશ – ધારણા, લક્ષ્ય, ઇરાદો, આશય, ‘મોટિવ’. (૨) હેતુ, કારણ, ‘ઑબ્જેક્ટિવ’. (૩) પ્રતિજ્ઞા, સિદ્ધ કરવાનું છે તેનો ઉલ્લેખ, ‘ટેલિયોલૉજી’ (તર્ક.)
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.