પ્રિય મિત્રો,
આપ સૌ સ્નેહીમિત્રો સાથે મારા એક ગુજરાતી સાહિત્યિક કાર્યક્રમમાં ઉપસ્થિતિ દ્વારા નિપજેલ આનંદની અનુભૂતિ વહેંચવા ચાહું છું. આશા છે કે આપ પણ તેનાથી હર્ષિત બનશો.
ગત શનિવાર તા. ૧૯ એપ્રિલની એક ખુશનુમા સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં એક આહ્લાદક કવિસંમેલનની મજા માણી.
આદરણીય કવિશ્રી ધીરુભાઈ પરીખના અધ્યક્ષ સ્થાન હેઠળ આ કાર્યક્રમનું આયોજન શ્રી રા.વિ.પાઠક હૉલમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમગ્ર સંચાલનનો દોર કવિ શ્રી રાજેશભાઈ વ્યાસ ‘મિસ્કીન’ દ્વારા સંભાળવામાં આવ્યો હતો.
સમયથી પર શબ્દની વાત એટલે – સદા સર્વદા કવિતા. આ શીર્ષક હેઠળ યોજાયેલ આ કવિમિલનમાં ઉપસ્થિત રહેનાર કવિગણની યાદી આ મુજબ હતીઃ
હર્ષ બ્રહ્મભટ્ટ
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કૃષ્ણ દવે
ડો. અશોક ચાવડા
હરદ્વાર ગોસ્વામી
ચંદ્રેશ મકવાણા
મધુસૂદન પટેલ
ભાવેશ ભટ્ટ
અનિલ ચાવડા
દિલીપ શ્રીમાળી
ભાવિન ગોપાણી
અનંત રાઠોડ
તેજસ દવે
અધ્યક્ષ : કવિ શ્રી ધીરુભાઈ પરીખ
સંચાલન : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
શહેરના ભાગ્યશાળી કાવ્યરસિકોએ આ અદ્ભુત કાર્યક્રમની મોજ ઉડાવી હતી. એક પછી એક કવિશ્રીના મુખેથી મુક્તકો, શેર, શાયરી અને ગઝલોના ગુલાલે જાણે સૌ ભાવકોને સાહિત્યિક આનંદના રંગમાં રંગી નાખ્યા હતા. સૌએ રસતરબોળ બનીને “વાહ વાહ !! ” ના ઉદ્ગારોથી હોલ ગજાવી દીધો હતો. અને કાર્યક્રમના અંત સુધી સૌ શ્રોતાજનોમાં ભરપૂર સાહિત્યરસ વહ્યો હતો.
ચાલો, કવિસંમેલનની ઝલક માણીએઃ
આ કવિસંમેલનમાં તેજસ દવે દ્વારા આખાય શહેરમાં વાત થઈ ગઈ વહેતી,
અનંત રાઠોડ દ્વારા લીલુંછમ સાવ કુણું પાંદડું તોડવાની વાત મેં સૌ ઝાડથી છૂપાવી છે,
ભાવિન ગોપાણી દ્વારા પહોંચતાં આંખો સુધી થઈ જાય છે ભારે પછી આમ તો હોતું નથી ચિઠ્ઠીમાં શ્યાહીનું વજન,
અનિલ ચાવડા દ્વારા સંપ માટીએ કર્યોતો ઈંટ થઈ ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ,
ભાવેશ ભટ્ટ દ્વારા કોઈ રડતું હોય એ જોવું કંઈ સહેલું નથી તેના માટે તો પ્રભુ જેવું કલેજું જોઈએ,
હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા ભાગ્ય પણ કેવું ઘડ્યું છે ઈશ્વરે ખેતરો ખોવાયાં ત્યારે હળ મળે,
હરદ્વાર ગોસ્વામી દ્વારા એના કરતાં તો હેં ઈશ્વર મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું,
અશોક ચાવડા દ્વારા કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવનાં,
કૃષ્ણ દવે દ્વારા કામ કરો છો ના કરવાના, આવા ઊંડા ઘા કરવાના,
ચંદ્રેશ મકવાણા દ્વારા તળિયું તૂટી જશે તો પથારી ફરી જશે, દરિયો ડૂબી જશે તો પથારી થશે,
મધુ પટેલ દ્વારા થાક હોય તો ઝોકાં આવે મર્યા પછી પણ ના ચાલે બે,
દિલીપ શ્રીમાળી દ્વારા મોકલ્યો કોણે તને એ આભ ઉપર, એ ધૂમાડા આવ પાછો આગ ઉપર અને
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ દ્વારા અંદરથી અગન જેવું બહારથી પવન જેવું આ શું દઈ દીધું તે મિસ્કીનને મન જેવાં કાવ્યોનું આ કવિસંમેલનમાં પઠન કરવામાં આવ્યું હતું.
મિત્રો, જ્યારે પણ અવસર સાંપડે ત્યારે આવા સાહિત્યિક કાર્યક્રમો માણવાનું રખે ને ચૂકતા નહીં. તેનો આનંદ અણમોલ હોય છે. તેની અનુભૂતિ આહ્લાદક હોય છે અને આસ્વાદ અવિસ્મરણીય હોય છે.
– ગુર્જર ઉપેન્દ્ર (ગુજરાતીલેક્સિકન)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.