Gujaratilexicon

ઓણમ

September 16 2013
GujaratilexiconGL Team

ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના “ચિંગમ” પ્રમાણે આવે છે. દંતકથા પ્રમાણે આ ઉત્સવ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરીને દસ દિવસ સુધી ઉજવાય છે. ઓણમ ઉત્સવની ઉજવણી કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે. અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, હોડીઓની સ્પર્ધા અને કઇકોટ્ટિકલી નૃત્ય એ આ તહેવારમાં રંગત જમાવે છે.

ઓણમ એ ખૂબ પ્રાચીન ઉત્સવ છે અને આજના આધુનિક સમયમાં પણ ઘણા ઉત્સાહથી ઉજવાય છે. ઓણમ એક અનોખો તહેવાર છે કારણ કે પ્રાચીન સમયથી રાજા મહાબલિને કેરળના લોકો દ્વારા આદરભાવ આપવામાં આવે છે.

દંતકથા પ્રમાણે, રાજા મહાબલિના શાસનકાળ દરમિયાન કેરળનો સુવર્ણયુગ હતો. રાજ્યના તમામ લોકો આનંદી અને સુખી હતા અને રાજા ખૂબ જ માન ધરાવતો હતો. પરંતુ રાજા મહાબલિને બધા જ ગુણો હોવા છતાં ફક્ત એક દુર્ગુણ હતો કે તે અહંકારી હતો. આમ છતાં, રાજા મહાબલિ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોને કારણે ભગવાને તેમને એક વરદાન આપ્યું હતું કે, “રાજા મહાબલિ તેના લોકોને વર્ષે એક વાર મળી શકે કે જેમની સાથે તે મનથી જોડાયેલો હોય”. આ રાજા મહાબલિની મુલાકાત જેને પ્રત્યેક વર્ષે “ઓણમ” તરીકે ઉજવવામાં આવે છે. લોકો ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરે છે. દસ દિવસ સુધી ચાલતી આ ઉજવણીમાં કેરળનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં ખીલી ઉઠે છે. ઓનાસાડ્યા નામની મહાભોજનની મીઠાઈ ઓણમની ઉજવણીનો સૌથી મહત્વનો ભાગ છે. ઓનાસાડ્યાને કેળના પત્તા પર પીરસવામાં આવે છે અને ભોજન આરોગવા માટે લોકો જમીન પર સાદડી પાથરીને બેસે છે.

ઓણમની અન્ય આકર્ષક બાબત સર્પાકારની હોડીની સ્પર્ધા એટલે કે વલ્લમકાલિ છે, જે પમ્પા નદી પર યોજાય છે. એકસાથે ઘણા બધા નાવિકો ગીતો ગાતા શણગારેલી હોડીને ચલાવતા હોય અને પ્રેક્ષકો તેમને ઉત્સાહ આપતા હોય તે દૃશ્ય ખૂબ જ આહ્લાદક હોય છે. ઓણમના દિવસે સંયુક્ત રીતે રમત રમવાના રિવાજને ઓનાકાલિકલ તરીકે ઓળખવામાં આવે છે. પુરૂષો તલપ્પાન્થુકાલિ (દડા સાથેની રમત), અમ્બેય્યાલ (તીરંદાજી), કુટુકુટુ, કાય્યાન્કાલિ અને અટ્ટકાલમ જેવી લડાઈ સ્પર્ધા રમે છે. જ્યારે મહિલાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે રાજા મહાબલિને આવકારવા માટે તેમના ઘરના આંગણામાં જટીલ રીતે ફુલોની સાદડી ”પૂકાલમ” બનાવવામાં વ્યસ્ત રહે છે. ઓણમના દિવસે મહિલાઓ કુમ્માટ્ટિ કાલિ અને પુલિકાલિ જેવા લોકગીતો પર કઇકોટ્ટિ કાલિ અને થુમ્બી થુલ્લાલ જેવા બે મનમોહક નૃત્યો કરીને ઉજવણીના ઉલ્લાસમાં વધારો કરે છે.

સમગ્ર વિશ્વના કેરાલિયનો ઓણમના દસ દિવસને ભવ્યતા અને ઉલ્લાસથી ઉજવે છે. તેઓ નવા વસ્ત્રો પહેરે છે, શક્ય તેટલા મંદિરે દર્શન કરવા જાય છે. આ દસ દિવસમાં “થિરૂવોણમ”નો દિવસ આવે છે અને આ દિવસે ભવ્ય ભોજન એ સૌથી મહત્વની બાબત છે, જેને બીજી ઓણમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ કોઈ પણ ભોગે ભવ્ય ભોજન (સાદયા)ના કાર્યક્રમને ચૂકશે નહીં. થિરૂવોણમ દિવસના ભવ્ય ભોજનનું મહત્વ દર્શાવતી મલયાલમમાં એક કહેવત છે કે “કાનમ વિટ્ટુમ ઓણમ ઉન્નાનમ” એટલે કે “આપણે બધી જ સંપત્તિ વેચી દેવી પડે તો પણ થિરૂવોણમ ભોજન ચૂકવું જોઈએ નહીં”. ઓણમની ઉજવણી વિવિધ સ્થળોએ વિવિધ સાંસ્કૃતિક વિચારધારાઓને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવે છે.

ઓણમનો તહેવાર કેરળના બધા જ સમુદાયોમાં લોકપ્રિય હોવાની સાથે ખૂબ મહત્વ પણ ધરાવે છે અને કેરળમાં સર્વધર્મના લોકો દ્વારા એકસમાન ભાવનાથી ઓણમ ઉજવવામાં આવે છે. ઓણમની ઉજવણી દરમિયાન કેરળના મંદિરોમાં ઘણા દીવાઓ પ્રગટાવવામાં આવે છે.

સર્વને ઓણમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !

Happy Onam !

Most Popular

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

Social Presence

GL Projects