વિક્રમ સંવતનો દશમો અને ચોમાસાનો બીજો મહિનો એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસનો પ્રારંભ થાય એટલે ભાવિકોનો ઉત્સાહ અનેકગણો વધી જાય છે. જેવી રીતે નદીઓમાં ગંગા, દેવતાઓમાં વિષ્ણુ, પર્વતોમાં હિમાલયનો મહિમા છે તેમ બાર માસોમાં “પવિત્ર માસ શ્રાવણ માસ”નું ખાસ મહત્ત્વ છે અને તેમાંય ભગવાન શિવની ઉપસનાનું ખાસ મહત્ત્વ છે.
શ્રાવણ માસમાં ભગવાન શિવના મંદિરો અને કૃષ્ણના મંદિરોમાં ભીડ જોવા મળે છે. શ્રાવણમાં એક જુદા જ પ્રકારનું ધાર્મિક વાતાવરણ ઊભું થાય છે. શ્રાવણ માસમાં શિવપૂજન ઉત્તમ ગણાય છે. ચાતુર્માસમાં શ્રાવણ મહિનાને શ્રેષ્ઠ માનવામાં આવેલ છે. શ્રાવણ માસમાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરી ભગવાન શિવની બીલીપત્ર, દૂધ, ચંદન અને ઘીની પૂજા કરે છે. વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારો અને વિવિધ વ્રતો જોવા મળે છે. જેમાં મંગળા ગૌરી વ્રત, જીવંતિકા વ્રત, વીર પસલી વ્રત, ફૂલકાજળી વ્રત, ગૌરી વ્રત, મધુ શ્રવા વ્રત વગેરે અને બળેવ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે હિંદુઓના મોટા તહેવાર આવે છે. જેમાં દરેક તહેવારનું અલગ જ મહત્ત્વ હોય છે.
રક્ષાબંધન :
શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન તહેવાર આવે છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની નિશાની તરીકે બહેન રાખડી બાંધે છે. હિંદુ સમાજમાં રક્ષાબંધનના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના હાથે રાખડી બાંધીને સર્વ પ્રકારનું રક્ષણ ઈચ્છે છે. રક્ષાબંધનને બળેવ અને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ પવિત્ર પર્વે બ્રાહ્મણો વેદ અને મંત્રોચ્ચારથી પોતાની જનોઈ બદલાવે છે.
બોળચોથ :
શ્રાવણ વદ ચોથ એ બોળ ચોથ તરીકે ઉજવાય છે. બોળ ચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે અને તે વ્રતમાં સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા હોય છે.
નાગપંચમી :
શ્રાવણ વદ પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે ત્યારે બાજરીના ‘કુલેર’નો લાડુ બનાવી, નાગદેવતાનું પૂજન કરી બહેનો વ્રત ઉજવે છે. નાગદેવતા ભગવાન શંકરના ગળાનો હાર છે તેથી શ્રધ્ધાળુ ભક્તો આ તહેવાર ભગવાન શિવજીને યાદ કરીને પૂજન કરે છે. નાગપંચમી સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ છે. નાગપંચમી શારીરિક અને માનસિક રોગમાંથી મુક્ત થવા માટે ઊજવવામાં આવે છે.
રાંધણ છઠ :
સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. શીતળા માતાને યાદ કરી એક દિવસ ઠંડું ખાવાનો રીવાજ છે તેથી રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી કે ગેસના ચૂલાની પૂજા કરે છે.
શીતળા સાતમ :
શ્રાવણ વદ સાતમનો તહેવાર ‘શીતળા સાતમ’ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા માતાના મંદિરે છઠ્ઠના દિવસે બનાવેલી રસોઈનો ભોગ ધરવામાં આવે છે. ઠંડુ ખાઈને સાતમ ઊજવવાથી આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. આ પર્વને ‘ટાઢી સાતમ’ પણ કહેવામાં આવે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે પ્રાર્થના કરે છે.
જન્માષ્ટમી :
શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણનના જન્મ દિવસે મંદિરોમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે. આ આઠમ લોકોમાં જન્માષ્ટમી, ગોકુળ આઠમ, કૃષ્ણજયંતી વગેરે નામે પ્રસિદ્ધ છે. જન્માષ્ટમીનો ઉત્સવ અને કૃષ્ણ જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. આ આઠમના પર્વના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે.
જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે. એક જન્માષ્ટમીનો દિવસ અને બીજો દિવસ ‘પારણાં’ તરીકે ઉજવાય છે. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ એટલે કે રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણની આરતી કરીને ”હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી”ના નાદ સાથે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. લાલાની મૂર્તિને એક સુંદર રીતે સજાવેલા પારણાંમાં રાખવામાં આવે છે અને ધીરે-ધીરે તેને પારણાંમાં ઝૂલાવવામાં આવે છે. અને દહીં-હાંડીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
શ્રાવણ માસને ભગવાન શંકરની આરાધના અને પૂજા અર્ચના કરી ભોળાનાથને રીઝવવાનો માસ કહેવાય છે. એમાંય આ માસના દરેક સોમવારનું પણ ઘણું મહત્વ છે. તેમાં ઘણા શ્રધ્ધાળુઓ ઉપવાસ પણ કરે છે અને છેલ્લા સોમવારે ઘણા ગામડાં અને શહેરોમાં નાના મોટા મેળાઓ ભરાય છે. ભક્તો શિવાલયોમાં જઈ શિવલીંગ પર જળ, દૂધ, પંચામૃતનો અભિષેક કરે છે તથા શિવલીંગ પર બિલીપત્ર પણ ચઢાવતા હોય છે.
આમ, શિવભક્તો હોય કે પછી કૃષ્ણભક્તો, વિષ્ણુભક્તો, અગ્નિ પૂજકો, શક્તિપૂજકો બધા માટે શ્રાવણ મહિનો મહત્ત્વનો છે. આ રીતે આખો શ્રાવણ માસ ભગવાનની ભક્તિ અને આરાધના થાય છે.
અને કહેવાય છે કે……
“પર્વો અને તહેવારો માનવસમાજના સામૂહિક હર્ષોલ્લાસનું પ્રતિક છે તથા માનસિક શક્તિ વધારે છે. તહેવારો દ્વારા જ મનોયોગ થાય છે. સમાજના તમામ સ્તરોમાં પર્વ અને તહેવારો આદિકાળથી પ્રવર્તમાન છે. “
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં