Gujaratilexicon

બાળ ઉછેર : સંસ્કારોનું સ્તનપાન

October 12 2019
Gujaratilexiconpqdc0a909aafcd2b92a165efb9bcf79ddd42e5b906pq pq87fc1335e9098e92156c6333f911e7954b985b15pq

       ઊગતાં અમ મનમાં ફૂલડાંને રસથી સભર બનાવો ;

                જીવનના રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો ;

                      અમને મધમધતાં શીખવાડો !…પ્રભુ હેં !

                                                    ‘ સુંદરમ‘    

કલ્પના કરો કે કોઈ સુંદર ચિત્ર દોરી આપે છે અને પછી એમાં રંગ પૂરવાનું કાર્ય બીજાને સોંપાય છે. હવે એવું પણ બને કે જેણે રંગ પૂરવાના છે તેને ચિત્રને બરાબર ન્યાય મળી રહે એ રીતે રંગ પૂરતા ફાવતું હોય કે એવું બને કે ભલે ન ફાવતું હોય તોયે કાળજીપૂર્વક રંગ ભરી નાખે કે પછી એવું ય બનવા પામે કે સોંપ્યું છે એટલે કરવા ખાતર કામ કરી નાખે. રંગપૂરણીનું સોંપાયેલ કાર્ય આ ત્રણમાંથી કોઈ પણ રીતે થાય.

જે રીતે થશે એમાં “બનવું કે બીગડવું“ એની સીધી અસરથી નક્કી તો થવાનું છે પેલા સુંદર ચિતરાયેલા ચિત્રનું ભાગ્ય ! અત્રે ચિત્રને માધ્યમ બનાવીને હું બાળકના ઉછેરની વાત માંડીને કરવા માગું છું. હાલ ચોમાસું બેઠું એટલે મને ઘણો રાજીપો રહ્યો. હું વરસાદની વાટ જોઈને બેઠી હતી. પૂછો કેમ ? મારા આંગણે મેં સુંદર બગીચો બનાવ્યો છે. હું એને ઉછેરું છું અને એ મને જીવનબળ આપે છે. હું નિયમિત એને પાણી આપું, પાંદડે પાંદડાંને હાથથી પસવારું પણ સાચું કહું મેં પાયેલા નિયમિત પાણી કરતાં જયારે ‘મેહ’ વરસે છે ત્યારે છોડવાં એવાં ચમકી ઊઠે કે વાત ન પૂછો.

મેઘાના અમી છાંટણાં એ જ એનું સાચું ધાવણ. માના ધાવણની તોલે કોણ આવે ? નવજાત શિશુની યોગ્ય માવજત લગભગ બધે લેવાતી જ હોય કારણ સુવાવડીને એકાદ માસ સુધી તો ન એની મા રેઢી મેલે કે ન એની સાસુ.

પણ આ શારીરિક ઉછેરથી આગળની જે બાબત છે એનો દારોમદાર તો બાળકના માતા-પિતા ઉપર જ રહેવાનો.

             જૂની વાત યાદ કરતાં કહું તો જયારે મારો દીકરો પાંચેક માસનો થયો હશે ત્યારે મેં બાને કીધું કે આજે તકી પાંચ માસનો થયો. તરત બાપુજીએ મને પ્રશ્ન ધર્યો …બેટા ..! તકી તો પાંચનો થયો પણ એની ‘મા’ પાંચની થઈ, સાતની થઈ કે હજી જન્મી જ નથી ! બાળકને માત્ર જન્મ આપવાથી જ મા-બાપ નથી બની જવાતું. બાપુજીની આ ટપલી અમને ખૂબ મીઠી લાગી હતી. હું એમની પાઠશાળામાં જ ભણતી’તી ને! નાનપણમાં મને પગે જામરા બહુ થતાં, લબકે એવાં કે નીંદર ન આવે ત્યારે મારા બાપુ મારી હારે આખી રાત જાગતા. મારો માટીનો જીવ ને જોડાયેલો રહે પણ માટી સાથે જ છતાં ગુમડા ને માઠું ન લાગે એટલા પ્રમાણમાં મારી માટી પાકણીય ખરી. આખા શરીરે ગુમડા ફૂટી નીકળતા. મા મને ડ્રેસિંગ કરવા મથે, કેટલાંય ફૂલડાં મૂકે પણ ન કરવા દઉં. આખા ઘરમાં એને દોડાવું. મારી મા આખો દિવસ કામ કરી વાંકી વળી ગઈ હોય તોયે અડધી રાતે જાગીને હું પૂરી નિંદરમાં હોઉં ત્યારે મારા આખા શરીરે પાટાપીંડી કરી નાખતી મને ખબર સુદ્ધાં ન પડવાં દેતી બોલો ! આપણાં બા-બાપુ આપણી જે કાળજી લેતા હોય એ સઘળી આપણી માલીપા બખૂબી રોપાઈ જ હોય, ખરું ને ! કહેવાનું તાત્પર્ય માત્ર એ છે કે મા-બાપ તરીકે હર ક્ષણે આપણે જે કરીએ છીએ એ બાળકમાં રોપાવાનું. બાળકની તંદુરસ્તીની સાથે આપણે પણ તન મનથી સ્વસ્થ જીવી બતાવવું રહે. જે મા-બાપ પાત્રતા મેળવવાની પાઠશાળા છેક સુધી શીખતાં રે એનાં બાળકને સંસ્કારોનું અતિમૂલ્યવાન ધાવણ મળવાનું જ. બાળકરૂપી ક્યારામાં જે મા-બાપ માનવીય સત્ત્વોને ઉગાડવાનું નથી ચૂકતા એ બાળક સમગ્ર વિશ્વને છાંયો આપનારું વૃક્ષ સાબિત થાય છે.

           આપણે નથી કહેતા હોતા કે આ બાળક તો અસલ એની માની જેમ જ બોલે છે ને પિતાની જેમ જ ચાલે છે તો આ બધું દર્શાવે જ એ છે કે બાળક જે જોવે એ શીખે છે. ઘરમાં થતાં દરેક વ્યવહારને બાળક નિહાળતું જ હોય છે. પોતાની મા ઊંચા અવાજે બોલતી હોય તો બાળક સ્વાભાવિક રીતે એમ જ શીખશે. બાળક કદર કરતાં પણ મા પાસેથી શીખશે ને ધિક્કારતા પણ ત્યાંથી જ શીખશે. વાલાદવલાનો પરિચય એ આપણી પાસેથી જ તો મેળવે છે. બાળકની કોઈ નબળાઈ હોય તો એને આપણે જાણીને, એને ચાહીને એમાંથી એને કેવા સિફતથી બહાર તારવી લઈએ છીએ એ જ રીતે દરેક મા-બાપે પોતાની નબળાઈને  પીછાણવાનો અને પછાડવાનો મક્કમ પ્રયાસ કરવો જ જોઈએ જેથી તે બાળકને સારા ને સાચા સંસ્કારોનું સ્તનપાન કરાવવા પામે. આમ થવાથી જ બાળક સાચા અર્થમા માનવી બની માનવતાને દીપાવશે. જે ઘરમાં વૃદ્ધોને, બાળકોને બોલતાં..કહેતાં..માંગતાં બીક લાગે એ ઘર દયાજનક હોય છે. જે માબાપ પોતાના બાળકોને માત્ર જન્મ આપી સંસ્કારોનું સિંચન કરવા બાબતે ઉદાસી સેવે છે એ ત્યારે પોતાના જ દુ:ખની ખેતી કરતાં હોય છે. આવાં માબાપને સુખની ફસલ તો ક્યાંથી મળે અને એ મેળવવાનો એને અધિકાર પણ નથી. ધરતીનો છેડો ઘર એવું તો ત્યારે બને જ્યારે ઘર સુખની શરૂઆતનું કેન્દ્ર બને અને મા-બાપ એનાં એપી સેન્ટર. આજની ‘મા’એ [ઘરની સ્ત્રીએ] ખાસ યાદ રાખવાનું છે કે માણસને, પરિસ્થિતિને એણે પ્રેમ, લાગણી, સ્નેહ, શ્રદ્ધાથી સિંચવાનું છે. આજે દરેકને પુત્રવધુ સુશીલ, કામઢી અને પ્રેમાળ જોઈએ છે પણ શું દરેક મા પોતાની દીકરીને આ રીતે ઘડે છે ખરી? આપણે ભજવેલી ભૂમિકા અને આપેલા સંસ્કારો પરથી ખ્યાલ આવી જ જાય છે કે તેમાં આપણે મૂલ્ય કેટલું દાખવ્યું છે…!!

   બાળકનાં ઉછેરમાં સંસ્કારોના મૂળિયાં જેટલા ઊંડા એટલા એને ફળ વધુ મળશે. માબાપના જે સદ્ગુણો છે એ બાળકમાં ચોક્કસ બેવડાશે અને જો દુર્ગુણ હશે તો એ પણ ! માટે જ માનવતાને ન છાજે તેવી કોઈ ભાવના કે બદીને પ્રવેશવા ન દેવી જેથી એ વ્યવહારમાં પણ ન દાખવાય જાય. સ્વાર્થ અને સંસ્કાર અતિ પારદર્શક હોય છે સમાજ એનો સ્પષ્ટ અનુવાદ કરતો હોય છે. સ્વાર્થ અને સંકુચિતતા કરતાં સ્નેહ અને વિશાળતાને વધુ પ્રાધાન્ય આપવું. કારણ માબાપ એ બાળકનાં પ્રથમ ગુરુ છે, બાળકની પાઠશાળા છે જેનાં દરેક કર્મ અને વ્યવહાર થકી બાળકમાં સંસ્કારોના બીજ વવાય છે અને બાળકની દુનિયા સુખમય બનશે કે દુઃખમય એનો પાયો નંખાય છે.

………………………અણધાર્યો એક સવાલ…………………….           

    ઉપરવાળાએ સુંદર ચિત્રની ભેટ ધરીને આપણને ઉપકૃત કર્યા હોય ત્યારે એમાં રંગ પૂરવામાં આપણે કઈ ઊણાં ઉતરીએ હેં…?!

– સુનીતા ઈજ્જતકુમાર

આ બ્લોગમાં આવેલા કેટલાંક ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ જુઓ (Gujarati to English Meaning)

મેહ – rain

ટપલી – mild slap; taunt; rebuke

સંસ્કાર – purification, improvement, embellishment; impression on the mind of one’s desires and actions; influence on the mind of education, teaching, company, etc; effects of actions done in the past (life or lives); obsequies; any of the sixteen purificatory or sacred religious rites or ceremonies enjoined by the shastras; education.

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

Latest Video

,

નવેમ્બર , 2024

શનિવાર

23

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects