Gujaratilexicon

અર્બન ગુજરાતી સિનેમાનું પુનર્જીવન: હકીકત કે ભ્રમ?

October 10 2019
Gujaratilexicon

પુનર્જીવન એટલે ભૂતકાળથી ચાલતી આવતી કોઈ વસ્તુનું વર્તમાન પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન થવું.   ગુજરાતી સિનેમા ઉદ્યોગ પણ હાલ તેના પુનર્જીવનના તબ્બકામાંથી પસાર થઈ રહ્યું છે. અર્બન ગુજરાતી ફિલ્મોએ 30 જ ટકા રૂરલ ગુજરાતી ફિલ્મના દર્શકોને પોતાના પક્ષમાં લઈ લીધા છે. એટલે કે દર્શકો બંને જગ્યાએ છે અને હજી પણ નવા દર્શકો બની જ રહ્યા છે. જ્યારે લોકો નવી વાત નવી રીત અપનાવે ત્યારે માર્કેટ ઊભું થાય છે. આમ તો રૂરલ અને અર્બન ફિલ્મો નહિ એક વિચાર જ છે. તો પછી આ ચર્ચાને બાજુ પર મૂકીને ફક્ત ફિલ્મોની જ વાત કરવી જોઈએ, આ તો એવી વાત છે કે દરેક ફિલ્મોને દર્શકો મળી જ રહે છે. હા, પરંતુ જેને  સફળતા મળે છે એને કૉમર્શિઅલ સિનેમાનું લેબલ લાગે છે.

ગુજરાતી ફિલ્મોને દર્શકો પસંદ કરી રહ્યા છે, ફિલ્મો મોટા બજેટમાં બની રહી છે, સારા વિષયો સાથે બની રહી છે, બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે કે નહિ એની ચર્ચા આજે આપણે નહિ કરીએ, પણ એવું લાગે છે કે આ નવો ટ્રેન્ડ હવે એક ઇન્ડસ્ટ્રી ઊભી કરી રહ્યો છે અને રોજગારીની તકો ઊભી કરી રહ્યો છે.

છેલ્લા સાત- આઠ વર્ષોમાં ગુજરાતી ફિલ્મો નિ:સંદેહ નવી દિશામાં અને વિચારો સાથે બની રહી છે. કેટલીક ફિલ્મોને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ચૂક્યા છે. કેટલીક ફિલ્મોને દર્શકોનો અઢળક પ્રેમ પણ મળ્યો છે. પરંતુ જો એક વર્ષમાં સરેરાશ 50 થી 70 ગુજરાતી ફિલ્મો બનતી હોય અને એમાંથી માત્ર 2-3 ફિલ્મો સફળ થાય તો શું આને પુનર્જીવન ગણી શકાય? જો ગુજરાતી ફિલ્મો કોઈ બીજી પ્રાદેશિક ફિલ્મોની રિમેક હોય તો શું તેને નવો વિષય ગણાવી શકાય? ફિલ્મો મોટા બજેટમાં બની હોય પરંતુ તેનો વિષય વસ્તુ અને રજૂઆત નબળી હોય તો શું તેને શ્રેષ્ઠ ફિલ્મો ગણી શકાય? પુનર્જીવન માત્ર એક કે બે ફિલ્મોની સફળતાથી કે વધારે પ્રમાણમાં ફિલ્મો બનવાથી નથી થતું પરંતુ એક નવા વિષય, વિચાર, રજૂઆત, ઉમદા ફિલ્મકારો જ્યારે સાથે મળે અને સિનેમાની રજૂઆત કરે અને એ પણ લાંબા સમયગાળા સુધી ત્યારે કહી શકાય કે ગુજરાતી સિનેમાએ ફરી નવો જન્મ લીધો છે.

વર્તમાન ગુજરાતી સિનેમાની હકીકત એ છે કે ફિલ્મમેકર્સ પાસે સારા વિષયો નથી, જો વિષય સારો હોય તો સારા નિર્દેશક કે ટેક્નિશીયનનો અભાવ છે, જો ટીમ સારી હોય તો ફિલ્મનું બજેટ મોટું નથી અને જો બજેટ પણ મોટું હોય તો તેનું પ્રોમોશન યોગ્ય રીતે થતું નથી એટલે ફિલ્મો દર્શકો સુધી પહોંચતી જ નથી. આ બધા પરિબળો હજુ પણ ગુજરાતી સિનેમાનો વિકાસ થવામાં અડચણ બની રહ્યા છે. ગુજરાતી સિનેમાને ક્યારેય પુનર્જીવનની જરૂર નહિ પડે કેમકે જે દર્શકો ગુજરાતી સિનેમાને વર્ષોથી માણતા આવ્યા છે એ દર્શકો આજે પણ સિનેમા ઘરો સુધી જાય છે અને ફિલ્મો નિહાળે જ છે. પરંતુ આ દર્શકો સરેરાશ સિનેમા નિહાળતા દર્શકોમાંથી માત્ર 10 ટકા છે જે લોકો દરેક ફિલ્મો જુએ છે. અને ફક્ત 1 ટકા લોકો છે જે કદાચ ગુજરાતી ફિલ્મો જોવા જાય છે.

6 કરોડ ગુજરાતીઓના ગુજરાતમાં જો 1 ટકા લોકો જો ફિલ્મો જોવા જાય તો પણ ફિલ્મના નિર્માતા બ્રેકઇવન પર આવી જાય અને કદાચ બીજી ફિલ્મો બનાવવાનું કામ શરૂ કરે, પણ એવું નથી થતું.

ગુજરાતી સિનેમા ઉદ્યોગ મરાઠી કે સાઉથ સિનેમા જેટલો વિકસિત નથી ઉપરાંત તેની હરિફાઈ હિંદી અને અંગ્ર્રેજી ફિલ્મો સાથે છે. ગુજરાતી ફિલ્મો મોટા પ્રમાણમાં બનવી એ પુનર્જીવન નથી પરંતુ મોટા ભાગની ફિલ્મોનું સફળ થવું એ પુનર્જીવન છે. આ વર્ષની વાત કરીએ તો માર્ચથી જૂન – આ ચાર મહિના દરમિયાન કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ જ થઈ નહોતી અને જે એકલ-દોકલ રજૂ થઈ તેને સફળતા ના મળી. એટલે અર્બન ગુજરાતી સિનેમા હજુ પણ વિકાસશીલ તબક્કામાં જ છે. આ દરમિયાન કેટલીક સારી ફિલ્મો આવતી રહી છે અને આવતી પણ રહેશે. પરંતુ ગુજરાતી સિનેમા હાલ તેના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે એને માત્ર એક ભ્રમ કહી શકાય, તો પછી એ સમય ક્યારે આવશે. જ્યારે નિર્માતાઓને એમણે રોકેલા અને દર્શકોએ ખર્ચેલા પૈસા વસુલ થશે ત્યારે આવશે.

  • ચેતન ચૌહાણ

Most Popular

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

GL Projects