‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’, ‘જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધી અર્થ’, ‘ધ મિસ્ટિરિયસ આયલૅન્ડ’ જેવી અનેક સાયન્સ ફિક્શન્સ વિશ્વને ભેટરૂપે આપનાર જુલે વર્નનું નામ કોઈપણ વાચક માટે નવું નહીં હોય. મૂળ ફ્રેન્ચમાં લખાયેલા એમના અત્યંત પ્રસિદ્ધ પુસ્તકોમાંનું એક એટલે ‘અરાઉન્ડ ધ વર્લ્ડ ઇન 80 ડેઇઝ’. અનેક ભાષામાં અનુવાદિત આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો છે દોલતભાઈ નાયકે અને એને શીર્ષક આપ્યું છે ’80 દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા’.
જુલે વર્ને ‘એક્સ્ટ્રાઓર્ડીનરી વોયેજીઝ’ શીર્ષક હેઠળ લખેલા 54 પુસ્તકોની સીરીઝમાં આ અગિયારમું પુસ્તક છે. 1873માં પ્રકાશિત થયેલી આ કૃતિની વાર્તા શરૂ થાય છે લંડનમાં. કથાનો નાયક ફિલીસ ફૉગ પોતાના મિત્રો સાથે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા 80 દિવસમાં પૂરી કરવાની 20000 પાઉન્ડની શરત લગાવે છે. પોતાના નોકર પાસપારતૂત સાથે એ પ્રવાસે નીકળે છે વર્ષ 1872ની બીજી ઓક્ટોબરે. 21 ડિસેમ્બર 1872ના દિવસે પાછા આવવાની કરેલી શરતને મનમાં રાખીને એ દિવસો નક્કી કરે છે. લંડનથી સુએઝ ટ્રેન અને પછી સ્ટીમર દ્વારા પહોંચવા માટે 7 દિવસ, સુએઝથી મુંબઈ સ્ટીમર દ્વારા 13 દિવસ, ટ્રેન દ્વારા મુંબઈથી કલકત્તા 3 દિવસ, સ્ટીમર દ્વારા કલકત્તાથી વિક્ટોરિયા-હોંગકોંગ 13 દિવસ, સ્ટીમર દ્વારા હોંગકોંગથી જાપાનના યોકોહોમા 6 દિવસ, યોકોહોમાથી સ્ટીમર દ્વારા યુએસના સાન ફ્રાન્સિસ્કો 22 દિવસ, ટ્રેન દ્વારા સાન ફ્રાન્સિસ્કોથી ન્યૂયોર્ક 7 દિવસ અને અંતે સ્ટીમર અને ટ્રેન દ્વારા ન્યૂયોર્કથી લંડન સુધી પહોંચીને 80 દિવસમાં પોતાની શરત પૂરી કરવાનું એ પ્લાનિંગ કરે છે.
પોતાની 80 દિવસની આ સફરમાં અનેક ઉતાર-ચઢાવનો એ સામનો કરે છે. પોતાના પ્લાનિંગ મુજબ એ ઘણીવાર સમયસર પહોંચી જાય છે, તો ક્યારેક અમુક ઘટનાઓને કારણે પોતાનું પ્લાનિંગ ઊલટું પડતું પણ જુએ છે. સફર દરમિયાન સ્કોટલૅન્ડ યાર્ડના ફિક્સ નામના ડિટેક્ટિવનું એમની સાથે હોવું અને ત્યાંની બેંકમાં થયેલી લૂંટના મુખ્ય આરોપી તરીકે એનું ફોગને જોવું, ફિક્સ દ્વારા થતો એમનો સતત પીછો, અલાહાબાદ તરફ જતાં સતી બનાવવામાં આવતી ઉદયા નામની યુવતીને બચાવવી અને સફરમાં એને સાથે લેવી, પૂજારીઓ દ્વારા એમનો પીછો, પાસપારતૂતની મૂર્ખામી અને ફિક્સનું ફોગના પ્રવાસનું પ્લાનિંગ જાણીને એને આગળ વધતા રોકવાની કોશિશ કરવી, સ્ટીમર ચૂકી જવું વગેરે જેવી ઘટનાઓ દ્વારા વર્ને વાચકોને જકડી રાખ્યા છે. પ્રવાસ દરમિયાન ફોગ પર આવી પડેલી અનેક આફતો જેમકે સાન ફ્રાન્સિસ્કોથી રેલ રસ્તે ન્યૂયોર્ક જતા જંગલી પાડાના ધણનું રસ્તો ઓળંગવું, નદી પરથી પસાર થતા પુલનું તૂટી જવું, રેડ ઇન્ડિયન્સ દ્વારા પાસપારતૂતનું અપહરણ અને એની સાથેનું પુનર્મિલન, દરિયાઈ તોફાન, ફિક્સ દ્વારા થતી ફોગની ધરપકડ અને પછી અસલ આરોપીનું મળવું પણ વાચકને સસ્પેન્સ મોડ પર રાખે છે. અંતે ફોગના 80 દિવસમાં લંડન પાછા પહોંચીને શરત જીતી લેવા સાથે આ કથા પૂરી થાય છે. કથા માત્ર એક પ્રવાસકથા ન બની રહે એ માટે વર્ને ઉદયા અને ફોગનો પ્રણય અને મિલન પણ અહીં આવરી લીધો છે જે આ કથાને એક રોમેન્ટિક ટચ આપે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ