દર વર્ષે 21 જુલાઈનો દિવસ ઉમાશંકર જોષીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના પ્રમુખ સાહિત્યકાર ગણાતા ઉમાશંકર જોશીની સાહિત્યયાત્રા ચાર દાયકાથી વધુની રહી છે. 1967માં રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા એ પહેલા ગુજરાતી સાહિત્યકાર હતા. તેમના જીવન વિશેની ટૂંકી માહિતી જાણીએ.
સ્વ. શ્રી ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર હતા તે ઉપરાંત ઉત્તમ સર્જક, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક તેમજ આજીવન શિક્ષક અને સાહિત્ય પત્રકાર પણ હતા. તેમનો જન્મ 21-7-1911ના રોજ ઇડર પાસેના બામણા ગામમાં થયેલો અને તેમનું અવસાન 19-12-1988ના રોજ મુંબઈમાં થયેલું.
તેજસ્વી અને વિદ્યાપુરુષ શ્રી ઉમાશંકર જોષીની પ્રસિદ્ધિ ગુજરાત અને ભારતના સીમાડા વીંધીને દેશદેશાવર પાર પહોંચી છે. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના નવ ભાઈ-બહેનોમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. ઈ.સ.1937માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા. તેમને સંતાનોમાં બે પુત્રીઓ નંદિની અને સ્વાતિ છે.
તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણા ગામે અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. 1928માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ 1936માં અમદાવાદમાં બી.એ. થયા અને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી ૧૯૩૮માં એમ.એ. ઉત્તીર્ણ કર્યું. 1946 સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક અને 1947માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. 1953 સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ રહ્યા હતા. ત્યાર બાદ, 1952 થી 1981 સુધી ઉમાશંકર જોષીએ વિવિધ દેશોમાં વિવિધ નિયુક્ત પદે પોતાના કામની બાગડોર સફળ રીતે સંભાળી.
સત્તર વર્ષની વયે ‘નાખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા’ જેવું સુંદર સૉનેટ આપ્યું. સત્તર વરસનો એક છોકરો આવું નખશીખ સુંદર સૉનેટ આપે એ તો ઈશ્વરદત્ત પ્રતિભાથી જ બને પરંતુ તેમને આ પ્રતિભાને તેઓએ તેમની ખંત અને ચીવટથી કેળવીને તેમના સાહિત્યની રચનાને સમૃદ્ધ રાખી. 1931માં કાકા સાહેબ કાલેલકરના આશીર્વચન સાથે તેમનો પેહલો કાવ્યસંગ્રહ ‘ વિશ્વશાંતિ’ પ્રકાશિત થયો અને તેમની કવિ તરીકેની પ્રતિષ્ઠા તરત જ અંકાઈ ગઈ. ગાંધીયુગથી લઈને આધુનિક યુગના તેઓ પ્રમુખ કવિ હતા અને આ સિદ્ધિ સર્વમાન્ય હતી
સૌ ગુજરાતી પ્રેમીઓ કવિ શ્રી ઉમાશંકર જોષી લિખિત ગુજરાતી સાહિત્યની અનેક રચનાઓના વખાણ કરતાં હજી પણ યાદ કરે છે અને તેમની રચનાઓ જાણે આજે પણ તરોતાજા હોય તેમ લાગે છે. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે અને તે વિવિધ ક્ષેત્રોની પ્રસિદ્ધ રચનાઓ નીચે પ્રમાણે છે.
(1) મુખ્ય કૃતિ – નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
(2) કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ, તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા
(3) એકાંકી-નાટકો – સાપના ભારા, હવેલી
(4) વાર્તાસંગ્રહો – શ્રાવણી મેળો, વિસામો
(5) નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
(6) સંશોધન – પુરાણોમાં ગુજરાત
(7) વિવેચન – ‘અખો’ એક અધ્યયન, કવિની શ્રદ્ધા
(8) અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
(9) બાળગીત – સો વરસનો થા
આ સર્વ રચનાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.
તેમને ફક્ત કવિતો જ નથી લખી. કવિતા ઉપરાંત વાર્તા, નાટક, નિબંધ, વિવેચન, સંપાદન, અનુવાદ, ડાયરી, પત્રકારત્વ વગેરે અનેક ક્ષેત્રે એમનું સર્જનકાર્ય જેટલું પ્રયોગશીલ હતું તેટલું જ અસાધારણ હતું. તેમના છ દાયકાના લેખનની સફરમાં તેમણે 10 કવિતા સંગ્રહો, 3 એકાંકી સંગ્રહો, 4 વાર્તા સંગ્રહો, એક નવલકથા, 10 વિવેચન સંગ્રહો, 3 નિબંધ સંગ્રહો, 3 પત્રકાર લેખનના સંગ્રહો અને 4 અનુવાદગ્રંથો આપીને એમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું.
તેઓ એ લેખન સાથે શિક્ષણ, સમાજ અને રાજકારણ, કહો કે પબ્લિક અફેર્સના વિશાળ ફલક ઉપર કામ કર્યું હતું. 1985માં દિલ્હીની સાહિત્ય અકાદમીની ફેલોશીપ સ્વીકારતા એમણે કહ્યું હતું, “I must confess that it would not have been possible for me to be a writer in the absence of my getting intimately involved in public affairs now and again–almost in spite of myself. Happily I found that my literary work was going on all through in the backyard of the mind. “આ રીતે સાહિત્ય ઉપરાંત એમણે ઘણી સેવાઓ આપી. ગુજરાત યુનિવર્સિટીના તેમજ કલકત્તાની શાંતિનિકેતન યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર, રાજ્યસભાના મેમ્બર, કેન્દ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે અને ઘણાંય કમિશન અને સંસ્થાઓમાં મેમ્બર તરીકે એમણે નોંધપાત્ર કાર્ય કર્યું.
ઉમાશંકર જોષીને તેમના જીવનકાળ દરમ્યાન મળેલા વિવિધ પુરસ્કારોની યાદી નીચે મુજબ છે.
(1) ૧૯૩૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક
(2) ૧૯૪૪માં મહીડા પારિતોષક
(3) ૧૯૪૭માં નર્મદ સુવર્ણચંદ્રક
(4) ૧૯૬૫માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક
(5) ૧૯૬૮માં કન્નડ કવિ કે.વી.પુટપ્પા સાથે વહેંચાઈને ‘નિશીથ’ કાવ્યસંગ્રહને અનુલક્ષીને ભારતીય જ્ઞાનપીઠનું પારિતોષિક
(6) ૧૯૭૩માં સાહિત્ય અકાદમી પારિતોષિક
(7) ૧૯૭૯માં સોવિયેટ લૅન્ડ પુરસ્કાર
(8) ૧૯૮૨માં કુમારન્ આશાન્ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
ગુજરાતી ભાષાના કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે એમની પ્રસિદ્ધ કાવ્ય
પંક્તિ …….
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
ગુજરાતી કવિતાના આકાશમાં પ્રકાશેલા એ સર્વશ્રેષ્ઠ સૂર્ય હતા એમ કહીએ તો એમાં કશું ખોટું નથી.
ભોમિયો – પ્રદેશ તેમજ પ્રાચીન અર્વાચીન સ્થાનો અને પદાર્થોની જાણકારી ધરાવનાર આદમી. (૨) રાહબર. (૩) ઈડર રાજ્યના જૂના જાગીરદારોનો એક પ્રકાર
કંદરા – કોતર, કુદરતી ગુફા, બખોલ, ખો
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.